અમદાવાદમાં શુક્રવારે રજવાડાઓનું મહાસંમેલન યોજાશે, ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની થશે રચના

20 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારે અમદાવાદમાં ક્ષત્રિય સમાજના રજવાડાઓનું મહાસંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં સમાજને મદદરૂપ થવા માટે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચના કરવામાં આવશે. 

અમદાવાદમાં શુક્રવારે રજવાડાઓનું મહાસંમેલન યોજાશે, ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની થશે રચના

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી સમયે રાજકોટમાં પુરૂષોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજે ખુબ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે ફરી 20 સપ્ટેમ્બરે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવાનું છે. ભાવનગરના મહારાજાના અધ્યક્ષસ્થાને રજવાડાઓનું સંમેલન યોજાશે. ગુજરાતના 250 રજવાડાઓને આ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પાંચ હજાર લોકો હાજર રહે તેવી આશા છે. 

અમદાવાદમાં યોજાશે મહાસંમેલન
અમદાવાદના ગોતા ખાતે 20 સપ્ટેમ્બરે રાજ્યના ક્ષત્રિય સમાજ માટે સામાજિક પ્રવૃતિઓ અને રજવાડાઓની અસ્મિતા માટે મહાસંમેલન યોજાશે. અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલા હરેન્દ્રસિંહ સરવૈયા રાજપૂત ભવનમાં આ સંમેલન યોજાશે. આ સંમેલનમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવશે. આ સંમેલન સવારે 10.30 કલાકે શરૂ થશે. 

ક્ષત્રિયોના આ સંમેલનમાં સમાજનું કલ્યાણ થાય તે હેતુથી મંચની રચના કરવામાં આવશે. જેમાં ભાવનગર સ્ટેટના વર્તમાન મહારાજાની તાજપોશી કરવામાં આવશે. આ સંમેલનમાં ભાગ લેવા માટે રાજ્યના 250 જેટલા રજવાડાઓને અપીલ કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજના આ કાર્યક્રમમાં પાંચ હજાર જેટલા લોકો હાજર રહી શકે છે. સમાજને મજબૂત કરવામાં આવેલા ઈરાદાથી યોજાનારા સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષોમાં સામેલ સમાજના અગ્રણીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર સમસ્ત ક્ષત્રિય શક્તિ મંચ બિનરાજકીય રહેશે. આ મંચ દ્વારા કોઈ રાજકીય કાર્ય થશે નહીં. આ મંચ માત્ર સમાજના કલ્યાણ માટે કામ કરશે. સમાજમાં શિક્ષણ સહિત અન્ય વસ્તુઓમાં સમાજ આગળ વધે તે માટે આ મંચ કામ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news