કાલા કુત્તા-ધોળા કુત્તા આવું બધું પોલીસમાં ચાલે છે? હાઈકોર્ટે કહ્યું- યોગ્ય કામ નહીં કરો તો સજા ફટકારીશું

પોલીસ અને RTOની ઝાટકણી! ગુજરાત હાઈકોર્ટે પૂછ્યા વેધક સવાલોઃ અકસ્માત પાછળ પોલીસ અને RTO જવાબદાર! હાઈકોર્ટે કહ્યું- યોગ્ય કામ નહીં કરો તો સજા પાત્ર ગુનો ગણાશે. રસ્તા ખરાબ હોય તો ઓથોરિટી જવાબદાર છે. 

કાલા કુત્તા-ધોળા કુત્તા આવું બધું પોલીસમાં ચાલે છે? હાઈકોર્ટે કહ્યું- યોગ્ય કામ નહીં કરો તો સજા ફટકારીશું

ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યા બેફામ બની છે. સાથે જ બેફામ ચાલતા વાહનોને કારણે અકસ્માતો અને અકસ્માતમાં મોતનું પ્રમાણ વધ્યું છે. આવામાં અકસ્માતના વળતરનો એક કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસની સુનાવણીમાં ટ્રાફિકની સમસ્યા, આરટીઓની કામગીરી, પોલીસની લાલિયાવાડી, રોડ ઓથોરિટીની બેદરકારી સહિતના તમામ મુદ્દાઓ પર ગુજરાત હાઈકોર્ટે તમામને ઝાટકી નાંખ્યાં. સાથે આ દરેક સમસ્યાઓનું ત્વરિત સમાધાન થાય તે માટે પોલીસ અને આરટીઓ પાસે ભવિષ્ય માટેનો ફ્યુચર પ્લાન માંગ્યો. 

ગુજરાત હાઈકોર્ટે પોલીસ અને આરટીઓને કહ્યું-યોગ્ય કામ નહીં કરો તો સજા ફટકારીશુંઃ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું, કાલા કુત્તા-ધોળા કુત્તા આવું બધું પોલીસમાં ચાલે છે? પોલીસને કશું ખબર જ નથી? ડ્રાઇવ ફક્ત કોર્ટની આંખમાં ધૂળ નાખવા અને આંકડા બતાવવા માટે કરવામાં આવે છે. સવારે 11 વાગ્યા બાદ હાઇવે ઉપર રિક્ષાઓ 7 પેસેન્જર ભરીને નીકળે છે. હાઇકોર્ટના જજ નીકળે ત્યારે જ ટ્રાફિકને મેનેજ કરવામાં આવે છે. કોર્ટની કરવું હોય તે કરે તેવું ચલણ તમારું છે. લોકોને હેરાન કરવાથી કોઈ ફાયદો મળે છે? તમે તમારી ફરજ નિભાવીને કોઈ ઉપકાર કરતા નથી, જેથી શો-બાજી કરવાની પણ જરૂર નથી. એક્શન પ્લાનની તાતી જરૂર વર્તાય છે. રોજના કેટલા લોકો અકસ્માતમાં મરે છે! યોગ્ય કામ કરો નહીં તો તમારી સજાપાત્ર બેદરકારી ગણાશે. અકસ્માત પાછળ RTO અને પોલીસ જ જવાબદાર છે. રસ્તા ખરાબ હોય તો ઓથોરિટી જવાબદાર છે. પ્રાઇવેટ લક્ઝરી બસો જેમ ફાવે તેમ ફરે છે, તમે શું કરો છો?

પોલીસ વિશે તો કંઈ કહેવા જેવું જ નથી!
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- પોલીસ વિશે તો કંઈ કહેવા જેવું જ નથી! પ્રાઇવેટ વાહનો રસ્તામાં પેસેન્જર ભરતા હોય છે, તેની બાજુમાં ST ઉભી હોય છે અને તેની બાજુમાં ટ્રાવેલ્સવાળા ઉભા હોય છે. તો નાગરિકોએ જવાનો રસ્તો ક્યાં? વળી એક બાજુ લારીઓ ઉભી હોય છે. તમારી પાસે સત્તા છે, તો કામ કેમ નથી કરતા? અમારે તમને તમારું કામ સમજાવવાનું હોય? 

ગુજરાત હાઈકોર્ટના જજે કહ્યુંકે, પોલીસ નિયમો તોડનારનો ઉત્સાવ વધારી રહી છેઃ
સુનાવણીમાં હાઇકોર્ટે સરકારી વકીલને કહ્યું હતું કે, એસ.જી.હાઇવે પર ટ્રાફિક નિયમોના પાલનમાં કોઈ પ્રોગ્રેસ થઈ નથી, બધું પહેલા જેવું જ છે. આજે પણ લક્ઝરી બસો રોડ ઉપર ઉભી રહે છે. પોલીસની સામે લોકો ગેરકાયદે વાહનોમાં ગેરકાયદે રીતે નિયમ કરતા વધારે પેસેન્જર ભરે છે. પગલાં ન ભરીને પોલીસ નિયમો તોડનારાઓને ઉત્સાહ વધારી રહી છે. આ ફક્ત અમદાવાદની વાત નથી, આખા રાજ્યમાં આવું છે. સરકારી વકીલ સાથે હાઈકોર્ટ જજ સિવિલ ડ્રેસમાં આવીને તેમને આ બધુ બતાવી શકે છે.

હાઇકોર્ટ જજે પોતાના એક નજીકના સગાનો દાખલો આપતા જણાવ્યું હતું કે, અરજી કર્યાના છ મહિના સુધી તેમના ટુ-વ્હીલરનું ટ્રાન્સફર થયું નહોતું. RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બરોબર કામ નથી કરતા લાયસન્સ નથી આવતા, પરમિટ નથી મળતી! શહેરમાં રિક્ષાઓ બેદરકારીપૂર્વક ફરે છે, શું તમે સમાચાર નથી જોતા? એક રિક્ષામાં 10 પેસેન્જર બેસાડવામાં આવે છે. સ્કૂલ રિક્ષામાં દફ્તર બહાર લટકાડવામાં આવે છે. સ્કૂલ વાનની સ્થિતિ પણ સારી નથી. ઇસ્કોન સર્કલ ઉપર જઈને જુઓ કે શું સ્થિતિ છે. 

પોલીસ અને RTOની ઝાટકણી! ગુજરાત હાઈકોર્ટે પૂછ્યા વેધક સવાલોઃ
RTOમાં શું લાલિયાવાડી ચાલી રહી છે?
શું RTOમાં એજન્ટ મારફતે જ કામ થાય છે?
વાહનની માલિકી ટ્રાન્સફર કરતા કેટલો સમય જાય છે?
મોટર વ્હીકલ એક્ટમાં તે અંગે શું જોગવાઈ છે?
વાહન વેચ્યાના છ મહિનામાં અકસ્માત થાય તો શું RTO જવાબદાર છે?
શું RTOમાં એજન્ટ મારફતે જ કામ થાય છે?
શું ઓનલાઈન સિસ્ટમ ફક્ત કહેવા પૂરતી છે?
કેટલા વાહનોને RTOએ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા છે?
અમદાવાદમાં કેટલી રિક્ષાઓને ફિટનેસ સર્ટિફિકેટ કે પરમીટ આપવામાં આવી છે?
શું RTO નાગરિકો માટે કામ કરે છે કે એજન્ટ માટે?
લાયસન્સ રિન્યૂ કરવામાં કેમ મહિના-મહિનો લાગે છે?
આટીઓમાં અધિકારીઓ શેનો પગાર લે છે ને?
શું આરટીઓમાં આ અંધેર તંત્ર છે?
પ્રજાને હેરાન કરો એટલે પૈસા મળે આવી માનસિકતા છે? 
શું તમે વ્યક્તિગત લાભ જુઓ છો?
RTOમાં આવતી જુદી જુદી અરજીઓના નિકાલનો યોગ્ય સમય શું છે?
અકસ્માત પાછળ RTO અને પોલીસ જ જવાબદાર
તમે લોકોને શું સમજો છો? લોકો બળવો કરે તેવું તમે ઈચ્છો છો?

ગુજરાત હાઈકોર્ટના જજે- ટ્રાફિકનું નિયમ કરતી પોલીસ અને આરટીઓને કહ્યુંકે, વાહન ચાલકો પાસે પરમિટ નથી, ફિટનેસ સર્ટિફિકેટ નથી, લાઇસન્સ નથી, જેને લઈને વીમા કંપનીઓ જવાબદારી લેતી નથી. તમે ફક્ત તમારું કામ દેખાડવા આંકડાઓ આપ્યા કરો છો. ડ્રાઈવ એટલે શું? આ તમારું કામ તમારે 365 દિવસ કરવાનું હોય. ખોટું કરનાર વ્યક્તિઓને કાયદાની બીક રહી નથી. શું લોકો ખોટું કરે તેમાં તમને લાભ મળે છે? સ્કૂલવર્ધીવાળા નિયમોની વિરુદ્ધ થોડો તમાશો કરે એટલે નિયમો નહીં પાળવાના? 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news