સંસદની નવી હાઈટેક ઈમારત આર્કિટેક્ચર જગતની અજાયબી, પરંપરા અને આધુનિકતાનો અનોખો સંયોગ
New Parliament vs Sansad Bhavan: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે. આ ઐતિહાસિક ઉદ્ઘાટન માટે મંચ તૈયાર કરવામાં આવ્યું છે. નવું સંસદ ભવન ભારતના 96 વર્ષ જૂના સંસદ ભવનનું સ્થાન લેશે.
Trending Photos
નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતને નવું સંસદ ભવન મળવાની હવે ઘડીઓ ગણાઈ રહી છે. સંસદ લોકશાહીનું મંદિર છે, ત્યારે દેશના લોકોની ઉત્સુકતાને સમજી શકાય તેમ છે. દેશ એવા સમયનો સાક્ષી બનવા જઈ રહ્યો છે, જે સમય અગાઉ ક્યારેય નથી આવ્યો. સ્વતંત્ર ભારતમાં પહેલી વાર ભારતીયોએ પોતાની સંસદને જાતે તૈયાર કરી છે. સંસદની નવી ઈમારત હાઈટેક છે, આર્કિટેક્ચર જગતની અજાયબી સમાન છે, અહીં પરંપરા અને આધુનિકતાનો અનોખો સંયોગ સર્જાયો છે. ત્યારે કેવી છે નવા ભારતની નવી સંસદ, જોઈએ અમારા આ અહેવાલમાં...
10 ડિસેમ્બર 2020, આ એ દિવસ હતો, જ્યારે દેશના નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવા સંસદ ભવનનો નકશો દેશ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. લોકોને જિજ્ઞાસા હતી, કે નવી સંસદ કેવી હશે. એક સદી બાદ તેમાં શું બદલાવ આવશે...આ તમામ સવાલોના જવાબ હવે આપણી સામે છે.
ખાતમુહૂર્તના અઢી વર્ષમાં દેશને નવું સંસદ ભવન મળ્યું છે...રેકોર્ડ સમયમાં આ ઐતિહાસિક ઈમારતને આકાર અપાયો છે. સંસદ ભવનનું કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા નવેમ્બર 2022ની હતી, જો કે કોરોના કાળને કારણે નિર્માણકાર્ય પૂરું થવામાં 6 મહિનાનો સમય વધુ લાગ્યો છે. હવે સમય સંસદ ભવનના દેશને લોકાર્પણનો.
નવું સંસદ ભવન પોતાનામાં અનોખું છે. વર્તમાન તેમજ ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરનારું છે. સૌથી અગત્યની વાત એ છે કે આ ભવન સાથે ભારતના લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ જોડાયેલી છે. કેમ કે આ જ ભવનમાં તૈયાર થતી નીતિઓ અને કાયદાથી દેશ ચાલે છે.
ત્રિકોણ આકારમાં બનાવવામાં આવેલા નવા સંસદ ભવનની ભવ્યતા એવી છે કે જોનાર વ્યક્તિ જોતી જ રહી જાય. સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના હેઠળ તૈયાર કરાયેલા નવા સંસદ ભવનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સ્વદેશી છે. ભારતના મટીરિયલમાંથી બનેલું છે અને ભારતીયોએ જ બનાવેલું છે.
નવું સંસદ ભવન જૂના સંસદ ભવનની બાજુમાં જ આવેલું છે. પણ બંનેના બાંધકામ વચ્ચે કેટલો તફાવત છે, તે આ સ્કેચમાં જોઈ શકાય છે..
નવા સંસદ ભવનની સૌથી મોટી ખાસિયત તેનો વિસ્તાર છે. નવું લોકસભા ભવન જૂના ભવનની સરખામણીમાં ત્રણ ગણુ મોટું છે, તેની ડિઝાઈન ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર પરથી પ્રેરિત છે. જ્યારે નવી રાજ્યસભાની ડિઝાઈન ભારતના રાષ્ટ્રીય પુષ્પ કમળથી પ્રેરિત છે.
નવા સંસનમાં લોકસભામાં બેઠક ક્ષમતા 888 સાંસદોની છે, જ્યારે જૂના ભવનની ક્ષમતા 552 સાંસદોની હતી. રાજ્યસભાની બેઠક ક્ષમતા 384 સાંસદોની છે, જે જૂની સંસદમાં 245ની હતી. નવી ઈમારતમાં સંસદના સંયુક્ત સત્ર માટેની બેઠક ક્ષમતામાં પણ વધારો થયો છે. હવે સંયુક્ત સત્રમાં 1272 સભ્યો બેસી શકશે.
નવા સંસદ ભવનના મધ્યમાં બંધારણ હૉલ પણ તૈયાર કરાયો છે, જ્યાં દેશનો લોકતાંત્રિક વારસો જોઈ શકાશે. ઈમારતની છત પર રાષ્ટ્રચિહ્ન અને મુખ્ય દ્વાર પર સત્યમેવ જયતેનું લખાણ, આ દ્રશ્યો જોઈને કોઈ પણ નાગરિકને પોતાના ભારતીય હોવા પર ગર્વ થાય.
ચાર માળનું નવું સંસદ ભવન 64 હજાર 500 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. સમગ્ર સંસદ ભવનના બાંધકામ માટે 26 હજાર 45 ટન સ્ટીલ 63 હજાર 807 ટન સીમેન્ટ અને 9 હજાર 689 ટન ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અહીં સાંસદો અને સ્ટાફ માટે એ તમામ વ્યવસ્થા છે, જે એક અત્યાધુનિક કોર્પોરેટ ઓફિસમાં હોય છે. અહીં સાંસદો માટે એક લાઉન્જ, લાઈબ્રેરી, કમિટી રૂમ્સ, કેન્ટીન અને પાર્કિંગ માટે પૂરતી જગ્યા છે. નવા સંસદ ભવનમાં પ્રવેશવા માટે ત્રણ મુખ્ય દ્વાર છે, જેમને જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર નામ અપાયા છે.
જૂની અને નવી સંસદની ઈમારતની સરખામણી કરીએ તો, જૂના સંસદ ભવનનું બાંધકામ 6 વર્ષમાં પૂર્ણ થયું હતું, જ્યારે નવા ભવનનું બાંધકામ અઢી વર્ષમાં પૂર્ણ થયું છે. જૂની ઈમારતના બાંધકામ પાછળ 83 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો, જ્યારે નવી ઈમારત પાછળ 900 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. જૂની ઇમારત ગોળાકાર છે, જયારે નવી ઈમારત ત્રિકોણાકાર છે. અંગ્રેજ આર્કિટેક્ટ એડવિન લ્યુટિયન અને હર્બર્ટ બેકરે જૂની સંસદની ડિઝાઇન બનાવી હતી, જ્યારે નવી સંસદની ડિઝાઇન ગુજરાતની કંપની HCP ડિઝાઈન પ્લાનિંગ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે