Ripped Jeans Statement: ઉત્તરાખંડના CM તીરથની જેમ આ નેતાઓ પણ મહિલાઓ વિશે બોલી ચૂક્યા છે વિવાદિત બોલ

બોલીવુડથી રાજકારણી સુધીની અનેક હસ્તીઓ ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ મહિલાઓ વિશે આપેલાં નિવેદનની આકરી ટીકા કરી ચૂક્યા છે. જોકે આવું પહેલીવાર નથી બન્યુ જ્યારે કોઈ નેતા મહિલાઓ પર નિવેદન આપીને વિવાદોમાં આવ્યા છે. આ અગાઉ પણ અનેકવાર અનેક નેતાઓ અને જાણીતી હસ્તીઓ આવા નિવેદનો આપીને વિવાદમાં આવી ચૂક્યાં છે.

Ripped Jeans Statement: ઉત્તરાખંડના CM તીરથની જેમ આ નેતાઓ પણ મહિલાઓ વિશે બોલી ચૂક્યા છે વિવાદિત બોલ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત મહિલાઓના ફાટેલા જીન્સને લઈને નિવેદન આપીને વિવાદમાં ફસાઈ ગયા છે. સોશિયલ મીડિયા પર તેમના નિવેદનની ઘણી ટીકા થઈ રહી છે અને બોલીવુડથી રાજકારણી સુધીની અનેક હસ્તીઓ તેમના નિવેદનની આકરી ટીકા કરી ચૂક્યા છે. જોકે આવું પહેલીવાર નથી બન્યુ જ્યારે કોઈ નેતા મહિલાઓ પર નિવેદન આપીને વિવાદોમાં આવ્યા છે. તેની પહેલા પણ અનેક જાણીતા રાજનેતા મહિલાઓ અંગે વિવાદાસ્પદ નિવેદનોના કારણે ટીકાનો શિકાર બની ચૂક્યા છે.

1. અભિજીત મુખર્જી:
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ વર્ષ 2012માં નિર્ભયા ગેંગ રેપ પછી એક નિવેદન આપ્યું હતું. જે ઘણું વિવાદોમાં રહ્યું હતું. અભિજીતે કહ્યું હતું કે ' હું દિલ્લીમાં થઈ રહેલ વિરોધને પિંક રિવોલ્યુશન કહીશ. આજકાલ હાથમાં કેન્ડલ પકડીને માર્ચ કરવાની ફેશન થઈ ગઈ છે. આ લોકો સત્યથી દૂર છે. તે ડિસ્કોમાં જાય છે. પાર્ટી કરે છે. હું સ્ટુડન્ટ એક્ટિવિઝમને જાણું છું અને દાવાથી કહી શકું છું કે આ વિરોધ કરનારા લોકો વિદ્યાર્થીઓ નથી. આ બે મિનિટની ફેમ મેળવનારી મહિલાઓ છે જે ટીવી પર ઈન્ટરવ્યૂ આપીને લોકપ્રિય થવા ઈચ્છે છે.' અભિજીતના આ નિવેદનથી તેમની બહેન પણ ઘણી નારાજ થઈ ગઈ હતી. અને તેમણે કહ્યું હતું કે તેમના પિતા પણ અભિજીતના આ નિવેદનથી નાખુશ હતા.

2. મુલાયમ સિંહ યાદવ:
વર્ષ 2014માં સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે દુષ્કર્મને લઈને ફાંસીની સજાનો વિરોધ કરતાં કહ્યું હતું કે ' છોકરા તો છોકરા હોય છે. તેમનાથી ભૂલ થઈ જાય છે.' તેમણે મુરાદાબાદમાં એક રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે 'છોકરીઓ પહેલા દોસ્તી કરે છે. છોકરા-છોકરીમાં મતભેદ થઈ જાય છે. મતભેદ થયા પછી તેને દુષ્કર્મનું નામ આપી દે છે. છોકરાથી ભૂલ થઈ જાય છે. શું દુષ્કર્મ કેસમાં ફાંસી આપવામાં આવશે?' મુલાયમ સિંહના આ નિવેદન પર વિવાદ સર્જાયો હતો.

3. ગોપાલ શેટ્ટી:
મહારાષ્ટ્રના બીજેપીના સાંસદ ગોપાલ શેટ્ટીએ પૂર્વ કોંગ્રેસ નેતા અને અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને લઈને નિવેદન આપતાં કહ્યું હતું કે 'તેમને પોલિટિક્સમાં એટલા માટે લાવવામાં આવી છે. કેમ કે તે એક સેલિબ્રિટી છે. તેને પોતાના લુકના કારણે લાવવામાં આવી છે. કોઈને પણ તેમનાથી ખતરો નથી. તે એક નિર્દોષ-નાદાન છોકરી છે, જેને પોલિટિક્સની ઝીરો સમજ છે.'

4. લક્ષ્મીકાંત પરસેકર:
વર્ષ 2015માં ગોવાના મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પરસેકર પણ પોતાના એક નિવેદનના કારણે ચર્ચામાં રહ્યા હતા. વિરોધ કરનારી એક નર્સે પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જ્યારે આપણા સીએમ સાથે મુલાકાત થઈ હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે 'અમારે તાપમાં ભૂખ હડતાળ પર બેસવું જોઈએ નહીં. કેમ કે તેનાથી અમારો રંગ કાળો પડી શકે છે. જેના કારણે અમને લગ્ન માટે યુવાન શોધવામાં મુશ્કેલી પડી શકે છે.' જોકે મુખ્યમંત્રીએ આ વિવાદ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી.

5. તપસ પાલ:
વર્ષ 2014માં ટીએમસી સાંસદ તપસ પાલ એક નિવેદનના કારણે જબરદસ્ત વિવાદમાં રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ' હું ચંદનનગરથી આવુ છું. લીડર્સ હંમેશા વર્કર્સ દ્વારા બને છે. હું એક ગુંડો પણ છું. આથી મને ખબર પડશે કે ટીએમસના કોઈ કાર્યકર પર હુમલો થયો છે તો હું ગોળી મારી દઈશ. તમારી પાસે હિમ્મત છે તો રોકીને બતાઓ. જો તમે ટીએમસી વર્કર્સની માતા અને પુત્રીઓને લઈને ખોટું બોલશો તો હું તેમને છોડીશ નહીં. હું અમારા છોકરાઓને તમારા ઘરમાં મોકલીશ અને તે બળાત્કાર કરશે.' જ્યારે તેમના આ નિવેદન પર ઘણો હંગામો થયો ત્યારે પાલે કહ્યું હતું કે તેમણે રેપ શબ્દનો નહીં પરંતુ રેડ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

6. ઓમ પ્રકાશ ચૌટાલા:
ઈન્ડિયન નેશનલ લોક દળના નેતા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાએ વર્ષ 2012માં કહ્યું હતું કે 'જો મહિલાઓનું યૌન શોષણ રોકવું છે તો તેમના લગ્ન ઝડપથી કરી દેવા જોઈએ. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આપણે વીતેલા સમયમાંથી શીખવું પડશે. લોકો મુગલોથી પોતાની પુત્રીઓને બચાવવા માટે તેમના લગ્ન ઝડપથી કરી નાંખતા હતા. અને હાલમાં આપણા રાજ્યમાં કંઈક આવી જ સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે.'

7. શ્રીપ્રકાશ જયસ્વાલ:
વર્ષ 2012માં કોંગ્રેસના નેતા શ્રીપ્રકાશ જયસ્વાલ તે સમયે કોલસા મંત્રી હતા. તેમણે ક્રિકેટમાં મળનારી જીતને પત્નીઓ સાથે સરખાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે ' જેમ-જેમ સમય પસાર થાય છે, બંને જૂના થઈ જાય છે. અને તે એટલા મજેદાર રહેતા નથી. જેમ પહેલા હોય છે.' પ્રકાશે ટી-20 મેચમાં ભારતની પાકિસ્તાન પર જીત પછી કાનપુરમાં આ વિવાદિત નિવેદન આપી દીધું હતું. જોકે તેમણે પોતાના નિવેદન માટે માફી પણ માગી લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news