BJP Foundation Day 2021: ભાજપ શરૂઆતથી માને છે કે વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ: PM મોદી

ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીના આ 41માં સ્થાપના દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશભરના કાર્યકરોને સંબોધન કર્યું. 

BJP Foundation Day 2021: ભાજપ શરૂઆતથી માને છે કે વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ: PM મોદી

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીના આ 41માં સ્થાપના દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશભરના કાર્યકરોને સંબોધન કર્યું. દિલ્હીમાં ભાજપ હેડક્વારટર ખાતે આજે એક મોટા કાર્યક્રમનું આયોજન કરાયું છે. પીએમ મોદીએ કહ્યું કે પાર્ટીની ગૌરવશાળી યાત્રાના આજે 41 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ 41 વર્ષ એ વાતની સાક્ષી પૂરે છે કે સેવા અને સમર્પણ સાથે કોઈ પાર્ટી કેવી રીતે કામ કરે છે.  તેમણે કહ્યું કે ભાજપને આકાર અને વિસ્તાર આપનારા અમારા આદરણીય લાલકૃષ્ણ અડવાણીજી, મુરલી મનોહર જોશીજી  જેવા અનેક વરિષ્ઠોના આશીર્વાદ અમને હંમેશા મળતા રહ્યા છે. 

યોગદાન આપનારી દરેક વ્યક્તિને નમન
પીએમ મોદીએ કહ્યું કે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી, અટલ બિહારી વાજપેયીજી, કુશાભાઉ ઠાકરેજી, રાજમાતા સિંધિયાજી જેવા અગણિત મહાન વ્યક્તિત્વોને ભાજપના પ્રત્યેક કાર્યકર તરફથી હું શ્રદ્ધાંજલિ આપું છું. શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. દેશનો કદાચ જ કોઈ એવું રાજ્ય કે જિલ્લો હશે જ્યાં પાર્ટી માટે 2-3 પેઢીઓ કાર્યરત ન હોય. હું આ અવસરે જનસંઘથી લઈને ભાજપ સુધીના રાષ્ટ્રસેવાના આ યજ્ઞમાં પોતાનું યોગદાન આપનારા દરેક વ્યક્તિને આદરપૂર્વક નમન કરું છું. 

કલમ 370નો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું કે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનની શક્તિ છે કે આપણે તેમનું સપનું પૂરું કરી શકયા. કલમ 370 હટાવીને કાસ્મીરને બંધારણીય અધિકાર આપી શક્યા. તેમણે કહ્યું કે ગત વર્ષ કોરોનાએ સમગ્ર દેશ સામે એક અભૂતપૂર્વ સંકટ ઊભું કરી દીધુ હતું. ત્યારે તમે બધા પોતાનું દુખ ભૂલાવીને દેશવાસીઓની સેવાઓમાં લાગેલા રહ્યા. તમે સેવા જ સંગઠનનો સંકલ્પ લીધો અને તે માટે કામ કર્યું. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે ગાંધીજી કહેતા હતા કે નિર્ણય અને યોજનાઓ એવી હોવી જોઈએ જે સમાજની છેલ્લી હરોળમાં ઊભેલા વ્યક્તિ સુધી લાભ પહોંચાડે. ગાંધીજીની તે મૂળ ભાવનાને ચરિતાર્થ કરવા માટે આપણે અથાગ પ્રયત્નો કર્યા છે. 

વિરોધીઓને ઝાટક્યા
પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારનું મૂલ્યાંકન તેની ડિલિવરી સિસ્ટમથી થાય છે. આ દેશમાં સરકારોના કામકાજનો નવો મૂળમંત્ર બની રહ્યો છે. આમ છતાં દુર્ભાગ્ય એ છે કે ભાજપ જો ચૂંટણી જીતે તો તેને ચૂંટણી જીતવાનું મશીન કહેવાય છે. તેમણે કહ્યું કે જે લોકો કહે છે કે ભાજપ ચૂંટણી જીતવાનું મશીન છે. તેઓ એક પ્રકારે ભારતના લોકતંત્રની પરિપકવતાને સમજી શકતા નથી. તેઓ ભારતના નાગરિકોની સમજણનું આકલન કરી શકતા નથી. સચ્ચાઈ એ છે કે ભાજપ ચૂંટણી જીતવાનું મશીન નથી, દેશ અને દેશવાસીઓના હ્રદય જીતનારું એક નિરંતર અભિયાન છે. 

વંશવાદ અને પરિવારવાદ પર નિશાન
પીએમ મોદીએ કહ્યું કે કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં અમારા કાર્યકરોને ધમકીઓ અપાય છે અને તેમના તથા તેમના પરિવાર પર હુમલા થાય છે. દેશ માટે જીવવું અને મરવું એક વિચારધારાને લઈને અડી રહેવું, એ ભાજપના કાર્યકરોની વિશેષતા છે. જ્યારે વંશવાદ અને પરિવારવાદના હાલ પણ 21મી સદીના ભારતમાં જોવા મળી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news