શું CM યોગી BJPનો રાષ્ટ્રીય ચહેરો બની ગયા? 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો નક્કી કરશે
Trending Photos
લખનઉ: પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવાને ગણતરીના કલાકોની વાર છે ત્યાં બધાનું ધ્યાન હવે તેના ઉપર છે કે કયા રાજ્યમાં કોની સરકાર બને છે. એક્ઝિટ પોલના આંકડા સામે આવી ગયા છે. આવામાં આંકડાઓના આધારે પાર્ટીઓ પોત પોતાની જીતના દાવા કરી રહી છે. આ બધા વચ્ચે એક આંકડો જે સામે આવ્યો છે તે છે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની ચૂંટણી રેલીઓનો. ખુબ જ ઝડપથી ઉત્તર પ્રદેશની બહાર પણ ભાજપના એક મોટા સ્ટાર પ્રચારક તરીકે તેઓ ઉભરી રહ્યાં છે. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં તેમણે પાર્ટી માટે જબરદસ્ત પ્રચાર કર્યો. સીએમ યોગીએ ચૂંટણીમાં અલી અને બજરંગબલીથી લઈને દલિત હનુમાન સુદ્ધાની ચર્ચા કરી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ 4 રાજ્યોમાં કુલ 74 ચૂંટણી સભાઓને સંબોધિત કરી.
સીએમ યોગી આદિત્યનાથની ચૂંટણી રેલીઓઓના આંકડાને વિસ્તારથી જોઈએ તો સીએમ યોગીએ સૌથી વધુ સભાઓ રાજસ્થાનમાં કરી છે. રાજસ્થાનમાં સીએમ યોગીએ 26 સભાઓ કરી. એવું પણ કહેવાયું કે રાજસ્થાનમાં તેમની ડિમાન્ડ સૌથી વધુ હતી. ત્યારબાદ મુખ્યમંત્રી આદિત્યનાથે છત્તીસગઢમાં પાર્ટી માટે ઘણો સમય આપ્યો. છત્તીસગઢમાં તેમની 23 સભાઓ થઈ. જ્યારે મધ્ય પ્રદેશમાં તેમણે 17 ચૂંટણી જનસભાઓમાં ભાગ લીધો. આ બાજુ ઓવૈસી અને યોગીની ચૂંટણી લડાઈવાળા તેલંગણામાં તેમણે 8 જનસભાઓ કરી.
સીએમ યોગીની ઉત્તર પ્રદેશની બહાર વધતી માગણી પર પાર્ટીએ તેમને આટલી જનસભાઓની જવાબદારી સોંપી હતી. સીએમ યોગીની આ સભાઓ અંગે પાર્ટી પ્રવક્તા ડોક્ટર ચંદ્રમોહનનું કહેવું છે કે દેશભરમાં યુપીનું વિકાસ મોડલ લોકપ્રિય થઈ રહ્યું છે. લોકોમાં આ મોડલને જાણવામાં રસ છે. આ સાથે જ સીએમ યોગી ભાજપના એક નેતા પણ છે એટલે તેમને આટલી મોટી જવાબદારી મળે તે સ્વાભાવિક હતું.
જો કે વિપક્ષ આવું માનવા તૈયાર નથી, વિપક્ષે આરોપ લગાવ્યાં કે સીએમ યોગીને ધ્રુવીકરણ માટે અન્ય રાજ્યોમાં મોકલવામાં આવ્યાં. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા સુનીવલ સાજને કહ્યું કે ભાજપને ચૂંટણીમાં ખોટુ બોલવા માટે એક નવો ચહેરો જોઈતો હતો. પીએમ મોદીના જુઠ્ઠાણા સામે આવી ગયા છે. સીએમ યોગી ભાગલા પાડનારી વાતો કરે છે અને તેમણે નફરત ફેલાવવા સિવાય કશું કહ્યું નથી. આ બાજુ ભાજપે કહ્યું કે જ્યાં જે મુદ્દા છે ત્યાં સીએમએ તેના ઉપર જ ન વાતો કરી. ડોક્ટર ચંદ્રમોહન કહે છે કે તેલંગણામાં ઓવૈસીએ અને મધ્ય પ્રદેશમાં કમલનાથે જે કહ્યું તેના ઉપર જવાબ તો આપવાનો જ હતો. મુખ્યમંત્રી યોગીએ એ જ કર્યું.
આ બાજુ સીએમ યોગીની વધતી લોકપ્રિયતા વચ્ચે એક વાત વધુ માનવામાં આવી રહી છે કે તેમને તેમની ભગવા છબી અને ગોરક્ષ પીઠના મહંત હોવાનો પણ ફાયદો મળે છે. પાર્ટી પ્રવક્તા ચંદ્રમોહન પોતે કહે છે કે સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ તેની આભામંડળને વધુ મોટું કરે છે. આજે ભાજપના એક સશક્ત ચહેરા તરીકે યોગી આદિત્યનાથ સામે આવી રહ્યાં છે. સમાજવાદી પાર્ટી પણ તેનાથી સહમત છે. સપા એમએલસી સુનીલ સાજને કહ્યું કે તેઓ જે જગ્યા સાથે જોડાયેલા છે તેનું ખુબ સન્માન છે અને સીએમ યોગી તેનો ફાયદો ઉઠાવી રહ્યાં છે.
એક વાત સ્પષ્ટ છે કે સીએમ યોગી આદિત્યનાથ ખુબ ઝડપથી ભાજપ માટે એક રાષ્ટ્રીય ચહેરો બની રહ્યાં છે. ભલે કેરળમાં પાર્ટીની પદયાત્રા નીકળી હોય કે પછી ત્રિપુરામાં યોગીની રેલીઓ, રાજસ્થાનમાં મોટી ડિમાન્ડ હોય કે પછી તેલંગણા જેવા હિંદી પટ્ટાની બહારના રાજ્યમાં પ્રચારને હવા આપવાની હોય. ભાજપ હવે યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશ સુધી સીમિત રાખવા માંગતી નથી. જો કે ભાજપના આ પ્લાનની વચ્ચે સતત રાજ્ય બહાર રહેવાના મુદ્દે પણ સીએમ યોગી વિરોધીઓના નિશાન પર છે. ખાસ કરીને જ્યારે પ્રદેશમાં બુલંદશહેર જેવો કાંડ થયો હોય. આ આરોપો પ્રત્યારોપો વચ્ચે સીએમ યોગીની લોકપ્રિયતા રાજ્યોમાં ભાજપ કેશ કરી શકશે કે નહીં તે તો હવે ચૂંટણીના પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે