દિવાળી પહેલા સુરતમાં મોટી અનહોની! હાર્ટ એટેકથી એક જ દિવસમાં ત્રણ લોકોનો જીવનદીપ બુઝાયો
વેસુ અને ડિંડોલીમાં સિક્યોરિટી ગાર્ડ અને પાંડેસરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્રણ પરિવારે પોતાના સ્વજનને ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં 10 કલાક જેટલા સમયમાં હાર્ટ એટેકની આશંકા સાથે મોતની ત્રણ ઘટના સામે આવી છે. વેસુ અને ડિંડોલીમાં સિક્યોરિટી ગાર્ડ અને પાંડેસરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્રણ પરિવારે પોતાના સ્વજનને ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
મૂળ ઉત્તપ્રદેશ અને સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાસનગરમાં 42 વર્ષીય જયરામ ચિમકાભાઈ શાહુ એકલો રહેતો હતો. પરિવાર વતનમાં રહે છે. જયરામ હાલ વેસુ વિસ્તારમાં આવેલી એટમો સ્પેઅર એપાર્ટમેન્ટમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરી ગુજરાન ચલાવતો હતો. આજે સવારે નોકરી પર હતા ત્યારે અચાનક છાતીમાં દુઃખાવા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પરિવારને જાણ કરવામાં આવતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.
મૂળ ઓડિશાના વતની અને સુરતના ભેસ્તાન આવાસમાં 50 વર્ષીય લક્ષ્મણ અર્જુનભાઈ સ્વાઇ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને બે પુત્ર છે. લક્ષ્મણ ભેસ્તાન વિસ્તારમાં આવેલી મીલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રાત્રે ઘરે અચાનક તબિયત લથડી હતી અને બેભાન થઇ ગયા હતા. જેથી દીકરો પિતાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. સાથે બે પૂત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
પાંડેસરા વિસ્તારમાં આવેલા શિવશંકર નગરમાં 45 વર્ષીય બાબુભાઈ ધોબાભાઈ નાહક પરિવાર સાથે રહેતા હતા. બાબુભાઈ લુમ્સના ખાતામાં કામ કરી ગુજરાન ચલાવતા હતા. રાત્રે અચાનક છાતીમાં દુઃખાવા બાદ બેભાન થઈ ગયા હતા. જેથી પુત્ર પિતાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે ફરજ પરના તબીબે બાબુભાઇને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટએટેકના બનાવો સામાન્ય લોકોથી લઈને સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં હાર્ટએટેકથી નાની ઉંમરે યુવકો અને બાળકો પણ મોતને ભેટી રહ્યા છે. કોઈપણ પ્રકારની બીમારી ન હોય તેમ છતાં અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. શહેરમાં રોજે રોજ આ પ્રકારના કેસ સામે આવતાં ચિંતાજનક બાબત કહી શકાય છે. સુરતમાં છેલ્લા 10 કલાકમાં જ ત્રણનાં શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે