લોકડાઉન, નાઇટ કર્ફ્યૂ સહિતનાં તમામ પગલા દળીદળીને ઢાકણીમાં ભર્યા, 1 વર્ષ પહેલા આવ્યો હતો પ્રથમ કેસ, સ્થિતી યથાવત્ત

લોકડાઉન, નાઇટ કર્ફ્યૂ સહિતનાં તમામ પગલા દળીદળીને ઢાકણીમાં ભર્યા, 1 વર્ષ પહેલા આવ્યો હતો પ્રથમ કેસ, સ્થિતી યથાવત્ત

* ગુજરાતમાં કોરોનાની એન્ટ્રીને એક વર્ષ પૂર્ણ
* ગુજરાતના પ્રથમ કોરોના દર્દીની કહાની ઝી 24 કલાક પર
* મુખ્યમંત્રીએ નદીમને પૂછ્યું હતું, તબિયત બરાબર છે ને ? ધ્યાન રાખજો
* મારા ઘરમાં કોઈને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો નથી - નદીમ સેવિંગીયા

ગૌરવ દવે/રાજકોટ : ગુજરાતમાં કોરોનાની એન્ટ્રીને 1 વર્ષ પૂર્ણ થયું છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં લેઉવા પટેલ સોસાયટી શેરી 2માં રહેતા કારખાનેદાર નદીમ સેવિંગીયા ગુજરાતના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી આવ્યા હતા. 19 માર્ચ, 2020નો દિવસ આજે પણ યાદ કરી લોકોને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી રહ્યા છે. જાણો ગુજરાતના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીની કહાની.

સમગ્ર વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો તેને 1 વર્ષ પૂર્ણ થયું છે. હજુ પણ સતત કોરોનાના કેસ સામે આવી રહ્યા છે...ત્યારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં લેઉવા પટેલ સોસાયટી શેરી 2માં  રહેતા અને કારખાનેદાર નદીમ કાસમભાઈ સેવિંગીયા ગુજરાતના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી હતા. આજે પણ નદીમભાઈ સેવિંગીયા કોરોના પોઝિટિવની વાત કરતા ધ્રુજી ઉઠે છે. તેનું કારણ છે કે તેઓ 3 મહિના સુધી પોતાના જ ઘરમાં ક્વોરન્ટાઈન રહ્યા હતા અને પરિવારની સુરક્ષા માટે પરિવારથી જ દૂર રહ્યા હતા. 

નદીમભાઈને 17 માર્ચે તાવ આવતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 19 માર્ચના તેનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફની અથાગ મહેનત થી 2 એપ્રિલના રોજ કોરોના મુક્ત થયા હતા..કોરોના કાળને 1 વર્ષ પૂર્ણ થતાં નદીમભાઈએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મક્કા - મદિના થી રાજકોટ પરત ફરતા તાવ આવ્યો હતો. 3 હજાર કરતા વધુ લોકોને મળ્યો હતો. તાવ આવતા ફેમેલી ડોકટરની પાસે સારવાર લીધી હતી. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગના ઘાડેધાડા ઘરે આવી ગયા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ પરિવારની સુરક્ષા માટે 3 મહિના માટે ઘરમાં જ ક્વોરન્ટાઈન થયા હતા. જેમાં તેનો વ્હાલસોયો દીકરાને પણ મળી શક્યા નહોતા. પણ કોરોના મુક્ત થતા 3 વર્ષના પુત્રને ભેટી પડ્યા હતો અને પેટ પર બેસાડીને રમાડયો હતો. 

જોકે મને કોરોના આવ્યા બાદ મારો પરિવાર સોશ્યલ ડિસ્ટન્સ સાથે એક જ ઘરમાં રહેતા હતા. ઉલ્લેખનીય છે કે, નદીમભાઈ કોરોના પોઝિટિવ થયા બાદ રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર કોરોનાએ બાનમાં લીધો હતો. ગુજરાતનો પ્રથમ કન્ટેન્ટમેન્ટ ઝોન જંગલેશ્વર વિસ્તાર બની જતા હાહાકાર મચી ગયો હતો. નદીમભાઈ કોરોના નેગેટિવ થતા તેને કોરોના દર્દીઓ માટે પ્લાઝ્મા ડોનેટ કર્યા હતા અને અનેક લોકોના જીવ બચાવ્યા હતા.

રાજકોટનું જંગલેશ્વર વિસ્તાર કોરોનાનું હોટ સ્પોટ બની ગયું હતું. પરંતુ આ સમયમાં લોકોએ એક-બીજાને મદદરૂપ થયા હતા અને જંગલેશ્વરને થોડા જ મહિનામાં કોરોના મુક્ત કર્યું હતું. પ્રથમ પોઝિટિવ દર્દી નદીમભાઈ આજે પણ કોરોના વોરિયર્સ તરીકે લોકોને માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અપીલ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news