IND vs ENG: 'કરો યા મરો' મુકાબલામાં ઈંગ્લેન્ડને 8 રને હરાવી ભારતે શ્રેણી સરભર કરી

સૂર્યકુમાર યાદવની અડધી સદી બાદ બોલરોની દમદાર બોલિંગની મદદથી ભારતે ચોથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઈંગ્લેન્ડને 8 રને પરાજય આપી સિરીઝ 2-2થી સરભર કરી લીધી છે. 

IND vs ENG: 'કરો યા મરો' મુકાબલામાં ઈંગ્લેન્ડને 8 રને હરાવી ભારતે શ્રેણી સરભર કરી

અમદાવાદઃ ભારતે 'કરો યા મરો' સ્થિતિમાં દમદાર પ્રદર્શન કરતા અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પાંચ મેચોની સિરીઝની ચોથી ટી20 મેચમાં ઈંગ્લેન્ડને 8 રને પરાજય આપી શ્રેણી 2-2થી સરભર કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે સૂર્યકુમાર યાદવની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 185 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 177 રન બનાવી શકી હતી. હવે બન્ને ટીમો વચ્ચે 20 માર્ચે અંતિમ ટી20 મેચ રમાશે. જે ટીમ મેચ જીતશે તે સિરીઝ કબજે કરશે. 

મલાન, બલટર ફ્લોપ
ભારતે આપેલા 186 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. પાછલી મેચોનો હીરો જોસ બટલર માત્ર 9 રન બનાવી ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો. ઈંગ્લેન્ડે પાવરપ્લેમાં 1 વિકેટે 48 રન બનાવ્યા હતા. ડેવિડ મલાન ફરી એકવાર સ્પિનરોનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તે 17 બોલમાં 14 રન બનાવી રાહુલ ચાહરની ઓવરમાં બોલ્ડ થયો હતો. 

જેસન રોય ફરી અડધી સદી ચુક્યો
જેસન રોયે આ સિરીઝમાં ત્રીજી વખત 40 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો છે. પરંતુ તે અડધી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો હતો. આજે પણ તેણે ઈંગ્લેન્ડને સારી શરૂઆત અપાવી હતી. રોય 27 બોલમાં છ ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 40 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. જોની બેયરસ્ટો 19 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગા સાથે રાહુલ ચહરની ઓવરમાં આઉટ થયો હતો. 

શાર્દુલ ઠાકુરે એક ઓવરમાં અપાવી બે સફળતા
ઈંગ્લેન્ડને અંતિમ 4 ઓવરમાં 46 રન કરવાના હતા. ત્યારે શાર્દુલ ઠાકુરે શાનદાર બોલિંગ કરી બે બોલમાં બે સફળતા અપાવી હતી. શાર્દુલે પહેલા શાનદાર બેટિંગ કરી રહેલા બેન સ્ટોક્સ (46)ને સૂર્યકુમાર યાદવના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. સ્ટોક્સ 23 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી આઉટ થયો હતો. તો ઇયોન મોર્ગન (4) રન બનાવી ઠાકુરનો શિકાર બન્યો હતો. સેમ કરન (3)ને હાર્દિક પંડ્યાએ બોલ્ડ કર્યો હતો. 

ભારત તરફથી હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી હતી. પંડ્યાએ 4 ઓવરમાં માત્ર 16 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિરીઝમાં પોતાની પ્રથથ મેચ રમી રહેલા રાહુલ ચાહરે 4 ઓવરમાં 35 રન આપી બે સફળતા મેળવી હતી.  શાર્દુલ ઠાકુરે 3 વિકેટ લીધી હતી. 

ભારતની પ્રથમ બેટિંગ, બન્ને ઓપનરો ફેલ
ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારત માટે રોહિત શર્માએ સારી શરૂઆત કરતા પ્રથમ ઓવરમાં 11 રન ફટકારી દીધા હતા. ટીમને ચોથી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. રોહિત શર્મા (12) રન બનાવી જોફ્રા આર્ચરનો શિકાર બન્યો હતો. રોહિતે 12 બોલમાં 1 ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પાવરપ્લેમાં 1 વિકેટે 48 રન બનાવ્યા હતા. તો કેએલ રાહુલ સતત ચોથી ઈનિંગમાં મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તે 17 બોલનો સામનો કરી માત્ર 14 રન બનાવી સ્ટોક્સનો શિકાર બન્યો હતો. ટીમ ઈન્ડિયાએ 63 રન પર બીજી વિકેટ ગુમાવી હતી. 

કરિયરની પ્રથમ ઈનિંગમાં સૂર્યાનો ધમાકો
ભારતીય ટીમે આજે સૂર્યકુમાર યાદવને તક આપી હતી. સૂર્યાએ પોતાની ઈનિંગના પ્રથમ બોલ પર સિક્સ ફટકારી હતી. સૂર્યકુમારે પહેલા રાહુલ સાથે 42 રનની ભાગીદારી કરી હતી. તેણે દમદાર બેટિંગ કરતા પોતાની પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવ 31 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 57 રન બનાવી આઉટ થયો હતો. છેલ્લી બે મેચમાં દમદાર પ્રદર્શન કરનાર કેપ્ટન વિરાટ કોહલી માત્ર 1 રન બનાવી રાશિદની ઓવરમાં સ્ટમ્પ આઉટ થયો હતો. 

પંત, અય્યરનું મહત્વનું યોગદાન
ભારતીય ટીમે 110 રનના સ્કોર પર પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રિષભ પંત અને શ્રેયસ અય્યરે ટીમને સંભાળી હતી. રિષભ પંત 23 બોલમાં ચાર ચોગ્ગા સાથે 30 રન બનાવી જોફ્રાની ઓવરમાં બોલ્ડ થયો હતો. તો અય્યરે 18 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે આક્રમક 37 રન બનાવી ટીમનો સ્કોર 185ને પાર પહોંચાડ્યો હતો. હાર્દિક પંડ્યા 8 બોલમાં 11 રન બનાવી માર્ક વુડનો શિકાર બન્યો હતો. તો વોશિંગટન સુંદર (4)ને જોફ્રા આર્ચરે પેવેલિયન મોકલી આપ્યો હતો. શાર્દુલ ઠાકુર 4 બોલમાં 2 ચોગ્ગા સાથે 10 રન બનાવી અણનમ રહ્યો હતો. 

જોફ્રા આર્ચરની 4 વિકેટ
ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 33 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય આદિલ રાશિદ, બેન સ્ટોક્સ, માર્ક વુડ અને સેમ કરનને એક-એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news