ગુજરાતમાં કોરોનાનું એક વર્ષ, 19 માર્ચે રાજકોટમાં આવ્યો હતો પહેલો કેસ

ગુજરાતમાં કોરોનાનું એક વર્ષ, 19 માર્ચે રાજકોટમાં આવ્યો હતો પહેલો કેસ
  • રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા નદીમ કાસમભાઈ સેવિંગિયાનો નોંધાયો હતો
  • ગુજરાતમાં ફરી એકવાર કોરોના મહામારી પોતાનું ભયાનક સ્વરૂપ બતાવી રહી છે
  • ગુજરાતમાં દર કલાકે 49 લોકો સંક્રમણનો શિકાર બની રહ્યા છે. એક વર્ષ છતાં પણ સ્થિતિમાં કોઈ જ સુધારો નથી  
     

જયેશ જોશી/અમદાવાદ :19 માર્ચ 2020. આ તારીખ ગુજરાતના તમામ લોકોને હંમેશા માટે યાદ રહેશે. કેમ કે આ તારીખે ગુજરાતમાં પહેલો કોરોના વાયરસનો કેસ નોંધાયો હતો. ગુજરાતમાં કોરોના નામનો વાયરસ ગત વર્ષે આજની તારીખે પ્રવેશ્યો હતો. રાજકોટ શહેરમાં કોરોના વાયરસને એક વર્ષ પૂરું થયું છે. આ એક વર્ષમાં રાજકોટમાં 8 લાખ 19 હજાર 386થી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 24041 લોકો કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. માત્ર 200 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. જે દર્શાવે છે કે રાજકોટમાં કોરોના કાબૂમાં રહ્યો છે. પરંતુ 17 માર્ચ, 2021ના રોજ ફરી રાજકોટમાં 112 કેસ નોંધાયા છે. જેણે ફરી એકવાર રાજકોટવાસીઓની ચિંતા વધારી છે.  

જંગલેશ્વર વિસ્તારમાં મળ્યો પહેલો કેસ
રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા નદીમ કાસમભાઈ સેવિંગિયાનો નોંધાયો હતો. નદીમ નામના આ યુવાનને 17 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને ત્યારથી સારવાર શરૂ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં પહેલો કેસ સામે આવ્યા પછી એક પછી એક એમ અનેક કેસ નોંધાયા. જેના કારણે રાજકોટમાં ક્લસ્ટર ક્વોરન્ટાઈનમાં સૌથી વધારે આ વિસ્તાર રહ્યો હતો.  

કઈ રીતે કોરોના હોવાની જાણ થઈ 
18 માર્ચ 2020ના રોજ નદીમ સેવિંગિંયા યુએઈથી આવ્યા હતા. તેમનામાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને કોરોના હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. સારી સારવારના કારણે નદીમ આજે કોરોનામુક્ત થઈને ફરી રહ્યાં છે. તેઓ રાજકોટમા સિલાઈ મશીન માટેના પાર્ટ્સ બનાવવાનું કારખાનું ચલાવે છે. 

સુરતમાં કોરોનાનો પહેલો કેસ
રાજકોટ બાદ સુરતમાં પણ કોરોનાનો પહેલો કેસ લંડનથી આવેલી યુવતીમાં જોવા મળ્યો હતો. લંડનથી પાછી આવેલી રીટા બચકાનીવાલાની તપાસ કરવામાં આવતાં તે પોઝિટિવ મળી આવી હતી. જેના કારણે તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરની સારી સારવાર બાદ રીટાએ કોરોનાને માત આપી હતી. 

આ પણ વાંચો : મોરબીના રોડ પર ગોળ-ગોળ ચકરાવા લઈને બાઈક સ્ટંટ કરતો યુવકનો વીડિયો વાયરલ, થઈ ધરપકડ

કેમ ગુજરાતમાં કેસ વધ્યા
સુરત અને રાજકોટમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયા પછી પણ સરકાર અને તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની વ્યસ્થા કરવામાં આવી ન હતી. રાજ્ય સરકાર પાસે કોરોના અંગે કોઈ એક્શન પ્લાન ન હતો. એરપોર્ટ પર બહારથી આવનારા પ્રવાસીઓને ચકાસણી કરવામાં આવતી ન હતી. જેના કારણે બહારથી આવનારા લોકો ગુજરાતમાં પોતાની સાથે કોરોના લઈને આવ્યા અને ખુલ્લેઆમ પરિવાર સાથે અને મિત્રોની સાથે બહાર ફર્યા. જેના કારણે કોરોના ફેલાયો. પરંતુ સરકારે જ્યારે ટેસ્ટિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે આ આંકડા સામે આવ્યા. જેના કારણે કેસ વધતા ગયા, અને આખરે સરકારે લોકડાઉન કરવાની ફરજ પડી. 

હાલ કેમ વધી રહ્યો છે કોરોના
દિવાળીમાં ભારે છૂટછાટ આપવામાં આવતા લોકોએ તેનો ગેરફાયદો ઉઠાવ્યો. લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો સરેઆમ ભંગ કર્યો અને સરકારે લોકડાઉન નાંખ્યું. જોકે આ વખતે સમગ્ર પરિસ્થિતિ માટે રાજકીય નેતાઓ અને ચૂંટણી જવાબદાર છે. કેમ કે પહેલા મહાનગરપાલિકા પછી જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય નેતાઓએ ઝંઝાવાતી પ્રચાર કર્યો. જેમાં ન તો નેતાએ કોઈ નિયમોનું પાલન કર્યું, ન તો કાર્યકરોએ. જોકે સૌથી વિચિત્ર વાત એ છેકે જ્યાં સુધી ચૂંટણી હતી ત્યાં સુધી આટલા કેસ આવતા ન હતા. પરંતુ અચાનક આટલા કેસ કેમ વધી ગયા તે સવાલ દરેક ગુજરાતીના મનમાં ઉઠી રહ્યા છે. કોરોના વાયરસને રાજકોટ શહેરમાં પગપેસરો કર્યાને એક વર્ષ પૂર્ણ થઇ ચૂક્યું છે. બીજી તરફ સરકાર દ્વારા વેક્સીનેશનની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. પરંતુ દુઃખની વાત છે કે, એક વર્ષ પૂર્ણ થયા બાદ હજુ પણ કોરોના નામની મહામારીથી લોકોને છૂટકારો નથી મળી શક્યો.

ગુજરાતમાં ફરી એકવાર કોરોના મહામારી પોતાનું ભયાનક સ્વરૂપ બતાવી રહી છે. જેના કારણે ગુજરાતમાં દર કલાકે 49 લોકો સંક્રમણનો શિકાર બની રહ્યા છે. એક વર્ષ થવા છતાં પણ સ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news