Porbandar: અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ, બોટમાં આગ લાગતા બચાવ્યો 7 માછીમારોનો જીવ

પોરબંદરના દરિયામાં 50 કિલોમીટર દૂર એક બોટમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાનું સિગ્લન કોસ્ટગાર્ડને મળતા જવાનો રેસ્ક્યુ માટે પહોંચી ગયા હતા. 

Porbandar: અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ, બોટમાં આગ લાગતા બચાવ્યો 7 માછીમારોનો જીવ

પોરબંદરઃ ભારતીય સેનાના જવાનો હંમેશા મદદ માટે તૈયાર હોય છે, તેની વધુ એક ઘટના સામે આવી છે. પોરબંદરના દરિયાકાંઠે 50 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં ભારતીય માછીમારી બોટ જય ભોલેના પાંચ ગુમ અને બે ઈજાગ્રસ્ત ક્રૂને ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ બચાવી લીધા છે. આજે સવારે 9.45 કલાક આસપાસ કોસ્ટગાર્ડને જય ભોલે બોટમાં આગ લાગવાનું ડિસ્ટ્રેસ એલર્ટ પ્રાપ્ત થયું હતું. આ બોટ પોરબંદરના દરિયાકાંઠાથી 50 કિલોમીટર દૂર હતી. 

આ માહિતી મળતા પોરબંદર ખાતેના ICG જિલ્લાના મુખ્યાલયે તત્કાલ પ્રતિક્રિયા આપી અને તેના ઇન્ટરસેપ્ટર ક્લાસ જહાજો C-161 અને C-156ને ઘટનાસ્થળ તરફ વાળ્યા હતા. પોરબંદરના કોસ્ટગાર્ડ એર સ્ટેશનથી એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. કોસ્ટગાર્ડનું વિમાન દુર્ઘટનાસ્થળે 10.20 મિનિટે પહોંચી ગયું હતું. સામે આવ્યું કે, ક્રૂ મેમ્બરોએ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો પરંતુ આગ કાબુમાં ન આવતા જીવ બચાવવા માટે બોટને છોડી દીધી હતી. 

જહાજ પરના સાત ક્રૂમાંથી, બેને નજીકમાં ઓપરેટિંગ કરતી ડંજી બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને અન્ય પાંચ ગુમ હતા. ત્યારબાદ કોસ્ટગાર્ડે દરિયાના ભારે પવન વચ્ચે બે કલાકની મહેનત બાદ ગુમ થયેલા પાંચ લોકોને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કર્યા હતા. પાંચેય ક્રૂને બપોરે 1 કલાકે પોરબંદર લાવવામાં આવ્યા હતા. 

કોસ્ટગાર્ડ દ્વારા બચાવવામાં આવેલા બે ક્રૂમાંથી એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. ઈજાગ્રસ્ત ક્રૂને  ICG જહાજ C-161 પર લઈ જવામાં આવ્યો હતો. ICG ટીમ દ્વારા દરિયામાં પ્રાથમિક તબીબી સારવાર બાદ ક્રૂને વધુ સારવાર માટે પોરબંદર લાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ભારતીય કોસ્ટગાર્ડે છેલ્લા 8 મહિનામાં ગુજરાતના દરિયામાં 60 લોકોના જીવ બચાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news