અરવલ્લીમાં કોંગ્રેસના શાસનનો અંત, ભાજપે આ રીતે કોંગ્રેસના કિલ્લાને ધ્વસ્ત કર્યો

Gujarat Latest News : અરવલ્લી કોંગ્રેસમુક્ત થયું... કોંગ્રેસે જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠક ગુમાવી... ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું... કોંગ્રેસ માટે ઉત્તર ગુજરાતમાં કપરા ચઢાણ... અરવલ્લીમાં બે ટર્મથી ચાલતા કોંગ્રેસના શાસનનો અંત... સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક કોંગ્રેસે જાળવી રાખી

અરવલ્લીમાં કોંગ્રેસના શાસનનો અંત, ભાજપે આ રીતે કોંગ્રેસના કિલ્લાને ધ્વસ્ત કર્યો

Gujarat Elections : ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમા કોંગ્રેસને ઐતિહાસિક પછડાટ મળી છે, ત્યારે કોંગ્રેસે અરવલ્લી જિલ્લો ગુમાવવાનો વારો આવ્યો છે. અરવલ્લી હવે કોંગ્રેસ મુક્ત થયું છે. કેવી રીતે બદલાયા અરવલ્લીના સમીકરણ, જોઈએ આ અહેવાલમાં...

વિધાનસભાની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા કોંગ્રેસના ગઢ હતા. તેમાંથી એક છે અરવલ્લી જિલ્લો. જો કે હવે કોંગ્રેસે પોતાનો આ ગઢ ગુમાવી દીધો છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બાદ અરવલ્લીની બે વિધાનસભા બેઠક ભિલોડા અને મોડોસામાં કમળ ખીલ્યું છે. જ્યારે બાયડ બેઠક પર અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાની જીત થઈ, જેઓ હવે જીત્યા બાદ ભાજપને જ સમર્થન આપી રહ્યા છે. એટલે કે અરવલ્લી જિલ્લામાં હવે કોંગ્રેસ ક્યાંય સત્તા પર નથી રહી. 

સાબરકાંઠામાં અલગ થયા બાદ છેલ્લી બે ટર્મથી અરવલ્લી જિલ્લાની 6 તાલુકા પંચાયત તેમજ મોડાસા, બાયડ અને ભિલોડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું શાસન હતું. જો કે ભાજપે માઈક્રો લેવલનું પ્લાનિંગ કરી કોંગ્રેસના ગઢને ધ્વસ્ત કર્યો છે. સાથે જ 2024માં પણ ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ભિલોડા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા અનિલ જોશિયારાના નિધન બાદ જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ નબળી પડી હતી. જેનો ફાયદો કોંગ્રેસે ઉઠાવ્યો. હવે જિલ્લામાંથી સફાયા બાદ કોંગ્રેસ પાસે હાર સ્વીકારવા સિવાય કોઈ રસ્તો નથી.

રાજ્યની ઘણી બેઠકો પર આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસનો ખેલ બગડ્યો છે, જો કે અરવલ્લીની ત્રણેય બેઠકો પર આપ વધુ ઉકાળી શકી નથી. ભાજપના ઉમેદવારોને મળેલા મત તેનો પુરાવો છે. મતદારોએ એક રીતે કોંગ્રેસને જાકારો આપ્યો છે. હવે અરવલ્લીમાં કોંગ્રેસની રાહ આસાન નથી.. 

અરવલ્લીમાં ભલે સમીકરણો સંપૂર્ણ રીતે બદલાઈ ગયા, પણ સાબરકાંઠામાં સમીકરણો જળવાઈ રહ્યા છે. ખેડબ્રહ્મા બેઠક કોંગ્રેસે જાળવી રાખી છે. ત્યારે જોવું એ રહેશે કે કોંગ્રેસ ઉત્તર ગુજરાતના પડકારોનો કેવી રીતે સામનો કરે છે. ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીના પરિણામ જોતા લાગે છે કે, કોંગ્રેસ માટે ઉત્તર ગુજરાતમાં કપરા ચઢાણ છે. અરવલ્લીમાં બે ટર્મથી ચાલતા કોંગ્રેસના શાસનનો અંત આવ્યો છે. સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક કોંગ્રેસે જાળવી રાખી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news