કોન બનેગા મંત્રી? ડઝનેક નેતાઓને રાતથી મંત્રી માટે ફોન આવ્યા, વિધાનસભા અધ્યક્ષ તરીકે 3 નામ ચર્ચામાં
Gujarat Government Formation : ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ આજે નવી સરકારનો શપથવિધિ સમારોહ... ભૂપેન્દ્ર પટેલ બીજી વખત સીએમ પદના લેશે શપથ... પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ રહેશે ઉપસ્થિત...
Trending Photos
Gujarat Government Formation બ્રિજેશ દોશી/ગાંધીનગર : આજે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ બીજી વખત શપથ ગ્રહણ કરવાના છે. જેને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ભાજપની ઐતિહાસિક જીત બાદ ભુપેન્દ્ર પટેલના શપથ સમારંભને ખાસ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય મંત્રીઓ શપથ સમારંભમાં હાજર રહેશે. તો ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથ સમારંભમાં સામેલ થશે. આ સાથે સાધુ-સંતો, ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ પણ આ શપથ સમારંભમાં ઉપસ્થિત રહેશે. ત્યારે નવી સરકારમાં કોણ કોણ મંત્રી હશે તે સિક્રેટ પરથી ધીરે ધીરે પડદો ઉઠી રહ્યો છે. મોડી રાતથી અનેક નેતાઓને મંત્રી પદ માટે ફોન આવી રહ્યાં છે. ત્યારે ઝી 24 કલાક પાસે નામોની યાદી આવી ગઈ છે.
ભૂપેન્દ્ર પટેલ આજે બીજી વખત CM પદના શપથ લેશે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યના 20થી વધુ ધારાસભ્યો મંત્રીપદના શપથ લેશે. ત્યારે શપથ વિધિ પહેલા મોડી રાત્રે ધારાસભ્યોને મંત્રીપદ માટે ફોન કરાયા છે. જેમાં હર્ષ સંઘવી, બળવંતસિંહ રાજપૂત, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, ભીખુસિંહ પરમાર સહિતના 14 ધારાસભ્યોને ફોન આવ્યો છે.
નવા મંત્રીઓને ફોન થવાની શરૂઆત
ઋષિકેશ પટેલ,
કનુભાઈ દેસાઈ
મુળુભાઈ બેરા
બળવંત સિંહ રાજપૂત
કુંવરજી બાવળિયા
જગદીશ પંચાલ
રાઘવજી પટેલ
પરસોતમ સોલંકી
ભાનુબેન બાબરીયા
બચુ ખાબડ
કુબેર ડીંડોર
મૂકેશ પટેલ
ભીખુસિંહ પરમાર
હર્ષ સંઘવીને ફોન આવ્યો..
પ્રફુલ પાનસેરિયા
કુંવરજી હળપતિ
તો વિધાનસભા અધ્યક્ષ તરીકે ત્રણ નામ ચર્ચામાં છે. શંકર ચૌધરી, રમણ વોરા અને ગણપત વસાવાનું નામ હાલ ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે ચર્ચાઈ રહ્યાં છે.
રાજતિલક માટે ત્રણ સ્ટેજ બનાવાયા
સમારંભને ભવ્ય બનાવવા માટે 10 હજારથી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ સમારંભ માટે ખાસ ત્રણ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પહેલા સ્ટેજ પર મુખ્યમંત્રી અને શપથ લેનારા મંત્રીઓ સ્થાન ગ્રહણ કરશે. તો બીજા સ્ટેજ પર પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ હાજર રહેશે...જ્યારે ત્રીજા સ્ટેજ પર સાધુ-સંતોને સ્થાન આપવામાં આવશે. ભાજપે આ વખતે તમામ રેકોર્ડ તોડી ઐતિહાસિક જીત મેળવી છે...ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપે 182માંથી 156 બેઠક પર ભવ્ય જીત મેળવી છે. કોંગ્રેસ સહિત વિપક્ષના સુપડા સાફ થઈ ગયા છે. જેના કારણે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આમંત્રિતોને પહોંચવા વિશેષ વ્યવસ્થા
ફરી એકવાર ભુપેન્દ્ર પટેલ ગુજરાતના સીએમ પદનાં શપથ લેશે. તેમની સાથે અન્ય કેટલાક ધારાસભ્યો પણ મંત્રીપદના શપથ લેશે. ત્યારે શપથવિધિ સમારોહ ગાંધીનગરમાં આવેલા સચિવાલય ખાતે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. શપથવિધિ સમારોહમાં સૌ કોઈ આમંત્રિત મહેમાનો સરળતાથી પહોંચી શકે એ માટે કરાયું વિશેષ આયોજન કરાયું છે. અલગ અલગ જિલ્લાઓથી આવનાર આમંત્રિત મહેમાનો માટે મુખ્ય માર્ગ રૂટ નંબર આપીને જુદા પાડવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાત, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, શહેર, કચ્છ, મોરબી, જામનગર શહેર, દ્વારકાને રૂટ નંબર 1માં સમાવી સમારોહ સ્થળ સુધીનો અલગ માર્ગ આપવામાં આવ્યો છે. ભાવનગર, અમરેલી, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર માટે પણ અલગથી રૂટ તૈયાર કરાયો છે. તમામ આમંત્રિત મહેમાનો સરળતાથી સમારોહ સ્થળ સુધી પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાઈ છે. પાર્કિંગ માટે પણ વિશેષ વ્યવસ્થા ઉભી કરી માર્ગો પર હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે