શું પ્રલય તરફ ધકેલાઈ રહ્યું છે ગુજરાત? પાણી માટેનો સરકારનો એક રિપોર્ટ તમારી ઊંઘ ઉડાડી દે તેવો છે

Jal Sankat : સમૃદ્ધિ તરફ વધી રહેલા ગુજરાતના એવા દિવસો આવશે કે હજારો રૂપિયા ખર્ચીને પાણી ખરીદવુ પડશે, કારણ કે આપણી ભવિષ્યની પેઢીને ચાલે એટલુ પાણી આપણી પાસે નથી... ભૂર્ગભ જળ ચિંતાજનક રીતે નીચે જઈ રહ્યાં છે 

શું પ્રલય તરફ ધકેલાઈ રહ્યું છે ગુજરાત? પાણી માટેનો સરકારનો એક રિપોર્ટ તમારી ઊંઘ ઉડાડી દે તેવો છે

Water Crises In Gujarat ગૌરવ પટેલ/અમદાવાદ : વરસાદ ના પડે કે નર્મદાનું પાણી ના પહોંચે તો આપણે બોર કે કૂવાનો સહારો લઈએ છીએ. પરંતુ હવે તેમાંથી પણ પાણી લેવું તમારા અને ધરતીના સ્વાસ્થ્ય માટે હાનિકારક બન્યું છે. એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ગુજરાતની ધરતીના પેટાળમાં પાણી ઓછું થઈ રહ્યું છે. ભૂગર્ભ જળસ્તર ચિંતાજનક રિતે નીચે જઈ રહ્યા છે. ત્યારે કેવી રીતે ધરતીના પેટાળ સુધી પહોંચેલા પાણીને ઉપર લાવવા અને કેમ આ પેટાળમાંથી પાણી કાઢવું બન્યું છે હાનિકારક. જોઈએ આ ખાસ રિપોર્ટમાં..

ભૂગર્ભ જળ મુદ્દે ઉત્તર ગુજરાતનું ભવિષ્ય ધુંધળુ થતુ જઈ રહ્યું છે. તમને ખબર નથી કે હાલ તમારા દ્વારા કરાયેલો પાણીનો વેડફાટ તમને ભવિષ્યમાં કેટલો મોંઘો બની જશે. એક દિવસ એવો આવશે કે આખા ગુજરાતની હાલ કચ્છના રણ જેવી થઈ જશે, જ્યાં એક ટીપા પાણી માટે પણ વલખા મારવા પડશે. આ ભવિષ્યવાણી અમે નહિ, પરંતુ એક રિપોર્ટમાં કરાઈ છે. ભારત સરકારના જળ શક્તિ વિભાગના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના વર્ષ 2022ના અભ્યાસ પ્રમાણે, ગુજરાતના 252 પૈકીના 23 તાલુકામાં ભુગર્ભ જળ ઓવર એક્સપ્લોઇટેડ સ્થિતિમાં છે. આ રિપોર્ટમાં ગુજરાતના વિસ્તારો પાણીની હાલની સ્થિતિ મુજબ ઓવર એક્સપ્લોઈડ, ક્રિટીકલ સ્થિતિ, સેમી ક્રિટીકલ સ્થિતિમાં મૂકવામાં આવ્યા છે. આ પહેલા 2020 માં રિપોર્ટ તૈયાર થયો હતો. દર બે વર્ષે પાણીની સ્તરની ચકાસણી કરવામા આવશે. જેમાં 2022 નો રિપોર્ટ લાલબત્તી સમાન છે. 

ઓવર એક્સપ્લોઈડમાં ગુજરાતના કયા વિસ્તારો
જેમાં અમદાવાદ જિલ્લો અને સિટી, બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા, ડીસા, દિયોદર, ધાનેરા, કાંકરેજ, લાખણી, થરાદ અને વડગામ, ગાંધીનગર જિલ્લાના દેહગામ અને ગાંધીનગર, કચ્છ જિલ્લાના ભચાઉ,ભુજ અને માંડવી, મહેસાણા જિલ્લના બેચરાજી, ખેરાલુ, સતલાસણા, વડનગર અને વિજાપુર, પાટણ જિલ્લાનું ચાણસ્મા અને સરસ્વતી, સાબરકાંઠાનું પ્રાતિજ, સુરત જિલ્લાના સુરત ઉત્તર તાલુકાનો ભુગર્ભ જળ ઓવર એક્સપ્લોઇટેડ  (અતિશય શોષણ) માં સમાવેશ થાય છે. 

ક્રિટીકલ સ્થિતિ
અમદાવાદ સીટી વિસ્તાર, અમરેલીનું રાજુલા, મહેસાણા જિલ્લાના મહેસાણા, પાટણના સિધ્ધપુર, રાજકોટના જસદણ, વડોદરાના પાદરા તથા વડોદરા તાલુકાનો ક્રિટીકલ સ્થિતિમાં સમાવેશ
 
સેમી ક્રિટીકલ સ્થિતિ 
અમદાવાદનું બાવળા, માંડલ, બનાસકાંઠાનું પાલનપુર, ગાંધીનગરના કલોલ અને માણસા, જુનાગઢના ભેંસાણ,ખેડાના ગળતેશ્વર, મહેસાણાના કડી ઉંઝા વિસનગર, નર્મદાનું નાંદોદ, પાટણ જિલ્લાનુ પાટણ, રાજકોટના ધોરાજી અને વિંછિંયા, સાબરકાંઠાના હિંમતનગર ઇડર વડાલી, સુરેન્દ્રનગરના ચુડા, વડોદરાના દેસર અને સિનોર તાલુકામાં ભુગર્ભ જળની સ્થિતિ સેમી ક્રિટીકલ સ્થિતિમાં
 
અહી ભૂગર્ભ જળ ખારા
અમદાવાદના ધંધુકા અને ધોલેરા, બનાસકાંઠાના ભાભર, સુઇગામ, તથા વાવ કચ્છના ગાંધીધામ, મહેસાણાના જોટાણા, મોરબીના માળીયા, પાટણના હારીજ, રાધનપુર, સમી, શંખેશ્વર અન સાંતલપુર તાલુકાના ભુગર્ભ જળ ખારા થયા છે.

water_scarcity_zee.jpg

સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ પશ્વિમ ક્ષેત્રના જળ શક્તિ વિભાગના રીજનલ ડાયરેક્ટર જી ક્રિષ્ણામૂર્તિએ જણાવ્યું, વર્ષ 2022ના રિપોર્ટ અનુસાર, ગુજરાતના બાકીના 199 તાલુકાઓમાં ભુગર્ભ જળ સારી અવસ્થામાં છે. પરંતું આ રિપોર્ટ ચેતી જવા જેવો છે. કારણ કે, જો સમયસર ભુગર્ભ જળ માટે યોગ્ય કામ નહી થાય તો આવનારા દિવસો કલ્પના બહારના હશે. પાણી માટે વલખા મારવા પડશે. એક ગ્લાસ પાણીના હજારો રૂપિયા વસૂલાતા થશે. 

આ વિશે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું કે, દર વર્ષે સરેરાશ 2 થી ત્રણ મીટર જળ સ્તર નીચા જાય છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છની સ્થિતિ ખરાબ છે. આપણે જે જળનો ઉપયોગ કરીએ છીએ, તે 16 થી 18 હજાર વર્ષ જૂનુ છે. આ અશ્મિ ભૂ જળ છે. ગમે ત્યારે વરસાદ પડે તો પણ આ જળની ભરપાઈ થશે નહિ. વધુ ઉંડાઇએથી ખેચાતા પાણી સ્વાસ્થ અને ખેતી માટે હાનિકારક છે. તળિયેથી ખેચાતા પાણીમાં ફ્લોરીન અને નાઇટ્રેટનું પ્રમાણ વધારે આવશે. આ જ ફ્લોરીન અને નાઇટ્રેટ માણસના શરીરમાં ગંભીર બીમારીઓ સર્જે છે. ભુગર્ભમાંથી આવતુ ગરમ પાણી ખેતીની જમીનને પણ નુકસાન કરે છે. દિવસેને દિવસે વધુ ઉલેચાતુ પાણી ગ્રામ્ય વિસ્તારો માટે લાલબત્તી સમાન છે. આ માટે એક જ ઉપાય છે કે, વોટર રિચાર્જ કરાય. અથવા તો વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિતિનો વધુને વધુ ઉપયોગ અનિવાર્ય છે. 

લોકસભા દરમિયાન એક સાંસદે પુછેલા પ્રશ્નમાં સરકારે જવાબ આપ્યો કે, કચ્છમાં ભૂગર્ભજળના સ્તરમાં 12.43 મીટર, પંચમહાલમાં 13.16 મીટર અને સાબરકાંઠામાં 13.36 મીટરનો ઘટાડો નોંધાયો છે. જે છેલ્લાં એક દાયકામાં નોંધાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news