ગુજરાતીઓએ આબુથી લઈને કચ્છ સુધીના સ્થળો હાઉસફુલ કરી દીધા

ગુજરાતીઓએ આબુથી લઈને કચ્છ સુધીના સ્થળો હાઉસફુલ કરી દીધા
  • કોરોના બાદ ખુલ્લા મૂકાયેલા ગુજરાતના તમામ પ્રવાસન સ્થળો નવા વર્ષે પ્રવાસીઓથી ઉભરાયા
  • દિવાળીના તહેવારોમાં રજાઓને કારણે ધાર્મિક સ્થળ ઉપર ભારે ભીડ જોવા મળી રહી

ઝી મીડિયા/બ્યૂરો :છેલ્લાં બે વર્ષ દરમિયાન કોરોના મહામારીને લીધે માનસિક તણાવમાં રહેલા ગુજરાતીઓ મોજથી દિવાળીના તહેવારો ઊજવી રહ્યા છે. હાલ સ્થિતિ એવી છે કે, આ દિવાળીએ ગુજરાતીઓ મન મૂકીને ફરી રહ્યાં છે. છેવાડના કચ્છ જિલ્લાથી લઈને સરહદના આબુ સુધી તમામ સ્થળોએ ગુજરાતીઓ ઉમટી પડ્યા છે. લગભગ દરેક જિલ્લાના પ્રવાસન સ્થળો પર ભીડ ઉમટી પડી છે. એટલુ જ નહિ, ધાર્મિક સ્થળો પણ શ્રદ્ધાળુઓથી હાઉસફુલ થઈ ગયા છે. તો બીજી તરફ, એસટી બસ પણ મુસાફરોથી હાઉસફુલ થઈને નીકળી રહી છે, જે બતાવે છે કે આ વેકેશનમાં ગુજરાતીઓને છૂટ મળતા તેઓ ફરવા પહોંચી ગયા છે. 

દિવાળીના તહેવારોમાં રજાઓને કારણે ધાર્મિક સ્થળ ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે. ગાંધીનગરના પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરમાં વહેલી સવારથી પ્રવાસીઓ અને ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. અક્ષરધામ મંદિર મેનેજમેન્ટ દ્વારા પણ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ભક્તો શાંતિપૂર્ણ રીતે મંદિરમાં તમામ સુવિધાનો લાભ લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરીને ભક્તો અક્ષરધામ મંદિરના દર્શન કરી રહ્યા છે. આ દિવાળીએ અનેક પરિવારો ગુજરાતના ખૂણે ખૂણેથી અક્ષરધામ મંદિરે મુલાકાતે આવ્યા છે. પોતાના બાળકોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરી શકાય એ માટે અક્ષરધામ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. 

તો કચ્છ તો પ્રવાસીઓમાં સૌથી વધુ હોટ ફેવરિટ બન્યુ છે. કચ્છના રણથી લઈને માંડવીમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉપટ્યુ છે. નવા વર્ષના પ્રારંભે માંડવીમાં પ્રવાસીઓની ભારે ભીડ થતા ટ્રાફિકજામ સર્જાયો છે. તો પ્રખ્યાત માતાના મઢના દર્શનાર્થે પણ શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. 2 વર્ષના કોરોનાકાળ બાદ લોકોમાં હર્ષોલ્લાસનો માહોલ છવાયો છે. મા આશાપુરાના દર્શનાર્થે પ્રવાસીઓની બજારમાં ચહલપહલ જોવા મળી છે. 

ભાઈબીજ નિમિત્તે વલસાડના તિથલ બીચ (tithal beach) ઉપર સહેલાણીઓ ભીડ ઉમટી પડી છે. કોરોના મહામારી (corona update) ના 2 વર્ષ દરમ્યાન જિલ્લાનુ ફેમસ હોટસ્પોટ તિથલ બીચ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. તાજેતરમાં રાજ્ય સરકારે કોવિડ ગાઈડલાઈન હળવી કરતા સહેલાણીઓ તિથલ બીચની મજા માણવા દૂરદૂરથી આવી પહોંચ્યા છે. નવા વર્ષના દિવસથી સહેલાણીઓની ભીડ તિથલ બીચ ઉપર તથા તિથલ બીચ પર આવેલા મંદિરોમાં જોવા મળી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news