વિધાનસભાની વાતઃ નરેન્દ્ર મોદીને MLA અને CM બનાવનાર આ બેઠકના રાજકીય સમીકરણો વિશે જાણો
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ભાજપ માટે ગુજરાત વિધાનસભાની સૌથી સેફ સીટોમાં આ સીટ અવ્વલ છે. એજ કારણ છેકે, નરેન્દ્ર મોદી પહેલીવાર સીએમ બન્યા બાદ પહેલીવાર જ્યારે વિધાનસભા ચૂંટણી લડ્યા ત્યારે આ સેફ ગણાતી સીટ પરથી લડ્યાં હતાં. એના માટે તે સમયે ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ પોતાની બેઠક ખાલી કરીને નરેન્દ્ર મોદીને આપી હતી.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાંથી પહેલીવાર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા તે બેઠક એટલે રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક. ગુજરાત વિધાનસભા ચૂંટણીની VIP બેઠકોમાંથી એક એવી રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. વર્ષ 2001માં નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ ત્યારે ભાજપ તેમને ધારાસભ્ય બનાવવા માટે સલામત બેઠકની શોધમાં હતા.એ સમયે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક ખાલી કરી અને નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટણી લડ્યા, જીત્યા અને ધારાસભ્ય બન્યા.
રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી હાલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્ય છે. હાઈ પ્રોફાઈલ એવી આ બેઠક પર ફરીથી વિજય રૂપાણીને ચૂંટણી લડાવવાની તેમના સમર્થકો માંગ કરી રહ્યા છે. વર્ષોથી ભાજપનો ગઢ રહેલી આ બેઠક સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. અને ભાજપને આ બેઠક પર વિશ્વાસ છે. એવામાં જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ ટક્કર આપવી હશે તો મજબૂત ઉમેદવારો ઉભો રાખવો પડશે.
શું છે જ્ઞાતિગત સમીકરણો?
રાજકોટ પશ્ચિમ બેઠકમાં 3 લાખ 14 હજાર જેટલા મતદારો છે. જેમાં પાટીદારોનું વર્ચસ્વ છે. 72 હજાર પાટીદાર મતદારો છે. સાથે 44 હજાર બ્રાહ્મણ મતદારો છે. 30 હજાર વાણિયા અને 24 હજાર લોહાણા મતદારો છે. આ બેઠક પર સવર્ણોનું પ્રભુત્વ છે. અને તેઓ ભાજપ તરફી રહ્યા છે. એટલે જ આ બેઠક ભાજપ માટે સુરક્ષિત છે.
રાજકોટ પશ્ચિમ બેઠકનો ઈતિહાસ-
વર્ષ વિજેતા પક્ષ
2017 વિજય રૂપાણી ભાજપ
2014 (પેટા ચૂંટણી) વિજય રૂપાણી ભાજપ
2012 વજુભાઈ વાળા ભાજપ
2007 વજુભાઈ વાળા ભાજપ
2002 (પેટા ચૂંટણી) નરેન્દ્ર મોદી ભાજપ
2002 વજુભાઈ વાળા ભાજપ
1998 વજુભાઈ વાળા ભાજપ
1995 વજુભાઈ વાળા ભાજપ
1990 વજુભાઈ વાળા ભાજપ
1985 વજુભાઈ વાળા ભાજપ
1980 મણીભાઈ રાણપરા કોંગ્રેસ (I)
1975 અરવિંદભાઈ મણિયાર BJS
1972 પ્રદ્યુમ્મનસિંહજી જાડેજા કોંગ્રેસ
1967 એમ પી જાડેજા SWA
ક્યા પરિબળો જીતમાં ભજવશે ભાગ?
રાજકોટના શહેરી વિસ્તારમાં આવતી આ બેઠક મધ્યમવર્ગીય અને ઉચ્ચ મધ્યમવર્ગીય મતદારો ધરાવે છે. જેઓ મોટાભાગે નોકરી કે વ્યવસાય કરે છે. ગુજરાતને બે મુખ્યમંત્રી આપનાર આ બેઠક હાઈપ્રોફાઈલ છે. જેના મતદારો વિસ્તારમાં થયેલા કામને જોઈને મત આપવામાં માને છે. એટલે જ જે-તે પક્ષના ઉમેદવારોએ કરેલા કામ અને લોકસંપર્ક આ બેઠક પર જીત માટે મહત્વનો રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે