પીએમ મોદીએ મંત્રીઓને 'કડક શબ્દો'માં કહ્યું, મંત્રાલયોમાં તમારા સંબંધીઓની નિમણૂક ન કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાની મંત્રી પરિષદના સભ્યોને નિર્દેશ આપ્યાં કે એવા દાવા કરો જે પૂરા થઈ શકે તેમ હોય અને મંત્રાલયોમાં સલાહકારોની ભૂમિકામાં તમારા સંબંધીઓને નિયુક્ત ન કરો.

પીએમ મોદીએ મંત્રીઓને 'કડક શબ્દો'માં કહ્યું, મંત્રાલયોમાં તમારા સંબંધીઓની નિમણૂક ન કરો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાની મંત્રી પરિષદના સભ્યોને નિર્દેશ આપ્યાં કે એવા દાવા કરો જે પૂરા થઈ શકે તેમ હોય અને મંત્રાલયોમાં સલાહકારોની ભૂમિકામાં તમારા સંબંધીઓને નિયુક્ત ન કરો. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રીય મંત્રિપરિષદ (મોદી કેબિનેટ)ની બેઠકની અધ્યક્ષતા કરતા પીએમ મોદીએ મીડિયા અને સાર્વજનિક રીતે બિનજરૂરી ટિપ્પણીઓનો હવાલો આપ્યો અને મંત્રીઓને સ્પષ્ટ રીતે કહ્યું કે માત્ર તથ્યોને જણાવો અને એવા દાવા કરો જે પૂરા થઈ શકે. 

મંત્રી પરિષદની  બેઠકમાં જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ ઉપર પણ ચર્ચા થઈ. વડાપ્રધાને મંત્રીઓને જમ્મુ અને કાશ્મીર માટે યોજનાઓ અને પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું કહ્યું. સૂત્રોના જણાવ્યાં મુજબ આગામી કેટલાક દિવસોમાં જમ્મુ અને કાશ્મીર માટે કરોડો રૂપિયાના પેકેજની જાહેરાત થઈ શકે છે. 

વડાપ્રધાને મંત્રીઓને એમ પણ કહ્યું કે તેઓ પોતાના સંબંધિત મંત્રાલયોમાં કે વિભાગોમાં સલાહકારની ભૂમિકામાં પોતાના સંબંધીઓને નિયુક્ત ન કરે. શાસનની ગતિ અને દિશામાં સુધાર લાવવા માટે મોદીએ કહ્યું કે કેબિનેટના મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ વચ્ચે સારો સમન્વય હોવો જોઈએ. તેમણે મંત્રીઓને કહ્યું કે તેમનો સંવાદ પોતાના મંત્રાલયના સચિવો જેવા  ટોચના અધિકારીઓ સુધી સીમિત ન હોવો જોઈએ. તેમનો સંવાદ પદક્રમમાં અપેક્ષાકૃત નીચલા સ્તરના અધિકારીઓ, જેમ કે સંયુક્ત સચિવો, ડાઈરેક્ટરો અને ઉપ સચિવો સાથે પણ હોવો જોઈએ. જેથી કરીને અધિકારીઓને લાગે કે તેઓ પણ ટીમનો હિસ્સો છે. 

સમયસર ઓફિસ ન પહોંચતા મંત્રીઓને કડક સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મંત્રીઓએ અધિકારીઓને પ્રોત્સાહિત અને ઉત્સાહિત કરવા જોઈએ. વડાપ્રધાને કહ્યું કે મંત્રીઓએ સવારે 9 વાગ્યા સુધીમાં ઓફિસ પહોંચી જવું જોઈએ અને કેટલાક મંત્રીઓએ તેમના નિર્દેશ પર ધ્યાન આપવાની જરૂર છે અને તેમણે એમ કરવું જોઈએ. મોદીએ કહ્યું કે તેમણે અનેકવાર પોતાની કેબિનેટના સહયોગીઓને અનુશાસન, સમયની પાબંદી અને કામ કરવાની પ્રતિબદ્ધતાના સંદર્ભમાં નેતૃત્વ કરવા માટે જણાવ્યું છે. તેમણે કહ્યું કે ટોચના મંત્રીઓ સમયના ચુસ્ત બનશે તો તેનો સકારાત્મક પ્રભાવ તેમના સંબંધિત મંત્રાલયોની રચનાત્મકતા અને દક્ષતા પર તથા સમગ્ર સરકારના કામકાજ પર પડશે. 

જુઓ LIVE TV

જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટે યોજનાઓ પર કામ કરે મંત્રીઓ
વડાપ્રધાને જમ્મુ અને કાશ્મીમાં વિકાસની પહેલો પર ભાર મૂકતા બુધવારે કેન્દ્રીય મંત્રીઓને ક્ષેત્ર માટે યોજનાઓ અને પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે જણાવ્યું. મોદીએ આ સાથે જ રાજ્યના તે અધિકારીઓ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કાયમ કરવાનું આહ્વાન પણ કર્યું જે વર્તમાન સમયમાં દેશના વિવિધ ભાગોમાં રહે છે. 

ગૃહ મંત્રીએ કર્યું જમ્મુ અને કાશ્મીર પર પ્રેઝન્ટેશન
સૂત્રોએ જણાવ્યું કે મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેબિનેટ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહે કાશ્મીરની સ્થિતિ પર એક પ્રેઝન્ટેશન રજુ કર્યું અને જમ્મુ તથા કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ રદ કરવાના પગલાં અંગે વિસ્તૃત માહિતી આપી. તેમના જણાવ્યાં મુજબ શાહે કહ્યું કે ખીણમાં સ્થિતિમાં ધીમે ધીમે સુધાર થઈ રહ્યો છે. અનેક સ્થળો પર સંચાર અને સુરક્ષા પ્રતિબંધો છે. તેમણે આ પ્રતિબંધોનો બચાવ કરતા કહ્યું કે તે વ્યાપક હિત માટે છે. તેમણે આ સાથે જ એ વાત પર ભાર મૂક્યો કે સંચાર અને લોકોની અવરજવર પર પૂર્ણ રોક નથી. 

(ઈનપુટ-ભાષા)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news