આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો જન્મદિવસ : એકવાર મળ્યા પછી ક્યારેય ન ભૂલો તેવું વ્યક્તિત્વ
Gujarat CM Bhupendra Patel Birthday : આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ...61 વર્ષના થયા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી...સેવાકાર્યો સાથે થશે મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી
Trending Photos
Bhupendra Patel : આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ છે. તેઓએ આજે જીવનના 61 વર્ષ પુર્ણ કરી 62 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. દાદાના હુલામણા નામે ઓળખાતા અને સ્વભાવે મૃદુ તેમજ મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના આગવા સ્વભાવના કારણે નાનાથી માંડી મોટામાં ખૂબ લોકપ્રિય છે. મેમનગર નગરપાલીકાના કાર્પોરેટર લઇ અન્ય હોદ્દા તેમજ રાજ્યના મુખ્યમંત્રી સુધીની તેઓની આ સફર રાજકીય રીતે અત્યંત બિન વિવાદાસ્પદ રહી છે. સતત હસતા ચહેરે જોવા મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોઇપણ વ્યકતિ મળે તો એટલુ ચોક્કસ કહી શકે કે તેમને મળ્યા પછી પોતાના સ્વજનને મળ્યા હોય એવો અનુભવ થયો. સપ્ટેમ્બર 2021 માં ગુજરાતના બદલાયેલા રાજકીય સમીકરણો અંતર્ગત તેઓએ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો. જે બાદ વર્ષ 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમની આગેવાનીમાં ભાજપે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ એવી 156 બેઠકો મેળવી ડંકો વગાડી દીધો. વહીવીટી કુશળતા અને અધિકારીઓ પાસે કામ લેવાની તેમની આવડતના કારણે આજે તેઓ વહીવટી અને રાજકીય રીતે સંપૂર્ણ પકડ જમાવી ચૂક્યા છે.
મુખ્યમંત્રીની ખુરશી સુધી મોટી સફર ખેડી
મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી તરીકે જો કોઈનું નામ લેવામાં આવે તો એક જ નામ સામે આવે, અને તે છે હાલના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ છે. ત્યારે તેમના આ જન્મદિને તેમને શુભેચ્છા આપવા માટે પરિવારજનો, મિત્રવર્તુળ, ભાજપના અગ્રણીઓ તેમજ ગુજરાતની જનતા આતુર છે. જોકે કોમનમેનથી સીએમ સુધીની ખુરશી ભૂપેન્દ્રભાઈ પટેલને કંઈ એમ જ મળી ગઈ નથી. તેના માટે તેમણે મોટી સફર ખેડી છે.
અમદાવાદની પોળમાં વિત્યુ બાળપણ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદ શહેરમાં થયો. કિશોર અવસ્થાથી જ સંઘ સાથે જોડાયેલ ભૂપેન્દ્ર પટેલે 1982માં અમદાવાદની સરકારી પોલિટેકનિકથી સિવિલ એન્જિયનિયરીંગમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવી. સૌમ્ય સ્વભાવના ભૂપેન્દ્રભાઈનું બાળપણ અમદાવાદના દરિયાપુર વિસ્તારની કડવા પોળમાં વીત્યું. 1988માં ભૂપેન્દ્રભાઈ બાંધકામ વ્યવસાય સાથે જોડાયા. આમ, તો વ્યવસાયે તેઓ બિલ્ડર પરંતુ પ્રજાલક્ષી કાર્યોને વાચા આપતાં-આપતાં નગરપાલિકાના સભ્ય બન્યા.
તેમના રાજકીય જીવન પર નજર કરીએ તો ...
- 1999-2000માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા
- 2008થી 2010 દરમિયાન કોર્પોરેશનનના સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેન રહ્યા
- વર્ષ 2010થી 2015 સુધી થલતેજ વોર્ડના કાઉન્સીલર રહ્યા
- વર્ષ 2015 થી 2017 સુધી ઔડાના ચેરમેન પદે રહ્યા
- AMCની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ સારી રીતે કામગીરી બજાવી
- 2017માં ભુપેન્દ્રભાઈએ ઘાટલોડિયા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું
- પોતાના મતવિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી તેઓ ઓળખાય છે
- પહેલી ચૂંટણીમાં 1,17,000 મતોની વિક્રમજનક સરસાઈથી જીત મેળવી
- 2017 થી ધારાસભ્ય બન્યા ત્યારથી જ પોતાના મતવિસ્તાર માટે સતત દોડતા રહેતા
જોકે તેમના જીવનમાં ભાગ્યના જોરે અચાનક એક વળાંક આવ્યો, ગુજરાતના રાજકીય આલમમાં એક ફેરબદલ કરવાની ભાજપ હાઈ કમાંડને જરૂરિયાત ઉભી થઇ. 11 મી સપ્ટેમ્બર 2021ના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને 12 મી સપ્ટેમ્બર 2021ના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભાની બેઠકમાં ભુપેન્દ્ર પટેલને સર્વાનુમતે ભાજપના વિધાનસભાના નેતા અને મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને 13 સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની સફર શરૂ કરી અને કાર્યદક્ષતાને પગલે એક પછી એક પ્રજાલક્ષી નિર્ણયો લઇ પ્રજાજનોમાં પ્રિય બનવા લાગ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અનેક વખત જાહેરમાં ભૂપેન્દ્રભાઈના કાર્યશૈલીની પ્રશંસા કરી ચૂક્યા છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લો પ્રોફાઈલ વ્યક્તિત્વની સાથે સાથે ખૂબ જ ધાર્મિક મનોવૃત્તિ ધરાવે છે. તેઓ દાદા ભગવાન પંથમાં ખુબ જ આસ્થા ધરાવે છે, તો સ્વામિનારાયણ સંપ્રદાયને પણ એટલું જ માન આપે છે. આવા ધાર્મિક મનોવૃત્તિ ધરાવતા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જન્મદિન નિમિત્તે ઝી 24 કલાક તરફથી મંગલમય શુભકામના...
આજે જન્મદિનની શરૂઆત મુખ્યમંત્રીએ ત્રિમંદિરમાં દર્શન કરીને કરી હતી. સાથે જ ભાજપના કાર્યકરો નોટબુક, ફૂડપેકેટનું વિતરણ કરશે. તો સોલા સિવિલ ખાતે દર્દીઓને ફળ, તથા દર્દીઓના સગાઓને નિઃશુલ્ક ભોજન કરાવાશે. તેમના જન્મદિન નિમિત્તે 13 સ્થળોએ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. તેમજ 20 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે