ચમત્કારી છે પોરબંદર નજીક આવેલું મોચા હનુમાન મંદિર, ફ્રાંસથી ફરવા આવેલા મહિલા અહીં આવી બની ગયા સંતોષગિરી માતાજી

Mocha Hanuman Temple:સંતોષગીરી માતાજી વર્ષો પહેલા ભારત ભ્રમણ કરવા આવ્યા હતા. તે સમયે તેમની ઉંમર 22 વર્ષની હતી. જ્યારે તેઓ ફરતા ફરતા મોચા આવ્યા અને આ મંદિરે હનુમાનજીના દર્શન કર્યા તો તેઓ અહીં જ રોકાઈ ગયા. તેઓ છેલ્લા 50 વર્ષથી વધુના સમયથી અહીં જ વસવાટ કરે છે. માથા પર જટા અને ભગવા કપડામાં જોવા મળતા સંતોષગિરી માતાજી ફ્રાંસને ભુલી હનુમાનજીની ભક્તિના રંગે રંગાઈ ગયા છે.

ચમત્કારી છે પોરબંદર નજીક આવેલું મોચા હનુમાન મંદિર, ફ્રાંસથી ફરવા આવેલા મહિલા અહીં આવી બની ગયા સંતોષગિરી માતાજી

Mocha Hanuman Temple: સોમનાથ થી દ્વારકા સુધીની ભૂમિને તપો ભૂમિ કહેવી ખોટું નહીં ગણાય. સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતી સૌરાષ્ટ્રની આ ધરતી પર અનેક ચમત્કારી અને પવિત્ર સ્થળ આવેલા છે. આવી જ એક ચમત્કારી જગ્યા છે પોરબંદર નજીક આવેલા મોચા ગામ ખાતે. સોમનાથ થી દ્વારકા જવાના રસ્તા પર પોરબંદર પહેલા મોચા નામનું ગામ આવે છે. આ ગામમાં હનુમાનજીનું એક પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિર ચમત્કારી હોવાનું સ્થાનિકોનું માનવું છે. આસપાસના ગામના લોકો મોચા હનુમાન ચાલીને આવવાની માનતા રાખે છે અને તેમનું કહેવું છે કે હનુમાનજી તેમની મનોકામના ગણતરીના દિવસોમાં પૂરી કરે છે. આ મંદિરની એક અનોખી વાત એ પણ છે કે અહીંના પૂજારી ફ્રાન્સના એક મહિલા છે જેમનું નામ સંતોષગિરી માતાજી છે. 

સંતોષગીરી માતાજી મોચા હનુમાનના ભક્ત કેવી રીતે બન્યા તેની પાછળ પણ એક રોચક કથા છે. સ્થાનિકોનું કહેવું છે કે સંતોષગીરી માતાજી વર્ષો પહેલા ભારત ભ્રમણ કરવા આવ્યા હતા. તે સમયે તેમની ઉંમર 22 વર્ષની હતી. તેમણે ભારતમાં હિમાલય સહિત દરેક જગ્યાનું ભ્રમણ કર્યું. જ્યારે તેઓ ગુજરાતમાં ફરતા ફરતા પોરબંદર આવ્યા અને તેમણે મોચા હનુમાનના દર્શન કર્યા તો તેઓ અહીં જ રોકાઈ ગયા. ત્યારથી આજ સુધી ફ્રાન્સના આ મહિલા અહીં હનુમાનજીની સેવા પૂજા કરે છે. તેઓ વર્ષોથી અહીંના લોકોને સમર્પિત થઈ જીવન જીવી રહ્યા છે. સામાન્ય રીતે હનુમાનજીના મંદિરમાં મહિલાઓ સેવા કરતા નથી પરંતુ આ એકમાત્ર એવું અનોખું મંદિર છે જ્યાં હનુમાનજીની પૂજા અર્ચના વર્ષોથી સંતોષગીરી માતાજી કરે છે. તેઓ મોરચા દર્શન કરવા આવ્યા અને તેમને હનુમાનજીની ભક્તિનો એવો રંગ લાગ્યો કે તેઓ બધું જ છોડીને અહીં જ વસી ગયા. 

તેઓ છેલ્લા 50 વર્ષથી વધુના સમયથી અહીં જ વસવાટ કરે છે. માથા પર જટા અને ભગવા કપડામાં જોવા મળતા સંતોષગિરી માતાજી ફ્રાંસને ભુલી હનુમાનજીની ભક્તિના રંગે રંગાઈ ગયા છે. તેઓ હનુમાનજીની પૂજા અર્ચના કરવાની સાથે આસપાસના અંતરિયાળ ગામોમાં રહેતા લોકોમાં જાગૃતિ ફેલાવવાનું સામાજિક કાર્ય પણ કરે છે. તેઓ બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે છે અને સાથે જ લોકોને વ્યસન મુક્તિ, સ્વચ્છતાનો સંદેશ પણ આપે છે, ગામડાના આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને આગળ ભણવા માટે પણ તેઓ મદદ કરે છે.

મોચા હનુમાન મંદિર પોરબંદર નજીક ખૂબ નાનકડા ગામમાં આવેલું છે પરંતુ અહીં એકવાર મુલાકાત લેવા જેવી છે. અહીં હનુમાનજીના મંદિરની સાથે તમે પ્રકૃતિને માણી પણ શકો છો. આ મંદિર ખાતે તમને માનસિક શાંતિનો અનુભવ થશે સાથે જ અહીં બાળકો માટે ભૂલભૂલામણી સહિતની રમતો પણ તૈયાર કરવામાં આવી છે જેથી લોકો પરિવાર સાથે મંદિરે દર્શન કરવાની સાથે આનંદનો સમય પણ પસાર કરી શકે. અહીં આવતા દરેક ભક્તોને સંતોષગીરી માતાજી પ્રેમથી જમાડે છે. આજે વર્ષો પછી જ્યારે સંતોષગીરી માતાજીને કોઈ મળે તો તે સૌરાષ્ટ્રની ભાતીગળ ભાષા બોલીને લોકોને આશ્ચર્યચકિત કરી દે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news