રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા! તમે ક્યારેય ખાડા નગરીમાં ગયાં છો? ના ગયાં હોય તો જાણો આ કહાની

નવસારી પાલિકાએ ગત વર્ષે અંદાજે 12 કરોડ રૂપિયાના ખર્ચે શહેરના રસ્તાઓ બનાવ્યા, પણ વરસાદમાં રસ્તાઓ પર નાના મોટા ખાડાઓ પડ્યા છે.

રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા! તમે ક્યારેય ખાડા નગરીમાં ગયાં છો? ના ગયાં હોય તો જાણો આ કહાની

ધવલ પરીખ/નવસારી: કરોડોના ખર્ચે શહેરોમાં બનતા રસ્તાઓ પર ચોમાસામાં વરસાદ પડતાં જ નવસારી ખાડા નગરીમાં ફેરવાય છે. શહેરના મુખ્ય રસ્તાઓ સહિત આંતરિક રસ્તાઓ પર પડેલા ખાડાને કારણે વાહનચાલકોને હાલાકી વેઠવી પડે છે. નવસારી પાલિકાએ ગત વર્ષે અંદાજે 12 કરોડ રૂપિયાના ખર્ચે શહેરના રસ્તાઓ બનાવ્યા, પણ વરસાદમાં રસ્તાઓ પર નાના મોટા ખાડાઓ પડ્યા છે. દર વર્ષે ચોમાસમાં પડતા ખાડાઓને કારણે લાંબા સમય સુધી હેરાન થવાની વાતે શહેરીજનોમાં રોષ વ્યાપ્ત છે. 

પાલિકાના મુખ્ય કામોમાંથી એક શહેરીજનોને સારા રસ્તા અપાવવાનું છે. રસ્તા બનાવવા પૂર્વે રોજ કેટલા વાહનો પસાર થશે, રસ્તાની ક્ષમતા, મજબૂત કેટલા રહેશે એનો રિપોર્ટ, એમાં ઉપયોગ થતા મટીરિયલની ગુણવત્તાની ચકાસણી કરીને પછી જ બનાવવામાં આવે છે. જેમાં રસ્તા કેટલા વર્ષો સુધી ટકશે અને એની વોરંટી લેવામાં આવતી હોય છે. પરંતુ દર વર્ષે રસ્તા પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા બાદ પણ ચોમાસામાં વરસાદ પડતાં જ રસ્તામાં ખાડા પડી જાય છે. ઘણી જગ્યાએ તો રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા એ જાણી શકાતું નથી. 

નવસારીમાં ગત વર્ષે અંદાજે 12 કરોડ રૂપિયાના ખર્ચે શહેરના કેટલાક મુખ્ય માર્ગો સહિત આંતરિક માર્ગો પણ બનાવવામાં આવ્યા હતા. પરંતુ ચોમાસાના મધ્યમાં જ નવસારીના રસ્તાઓ પર ખાડો પડ્યા છે. જ્યાંથી પસાર થતા રાહદારીઓ સાથે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવા પડે છે. રસ્તામાં ખાડાને કારણે ટૂ વ્હીલરના ચાલકને કમરનો દુઃખાવો મફતમાં મળી રહ્યો છે. ખાડાને કારણે અકસ્માતો પણ થાય છે. પરંતુ શહેરીજનો તંત્ર સામે રોષ ઠાલવીને બેસી રહે છે. 

ગત દિવસોમાં જ શહેરમાં પડેલા ભારે વરસાદમાં પડેલા જુનાથાણા નજીક પડેલા ભુવા સમાન ખાડામાં એક યુવાન પડી ગયો હતો અને ઘાયલ થયો હતો. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે યુવાને કલેકટર, DSP અને પાલિકાને ઈમેલ કરીને ફરિયાદ કરી, સમસ્યાના નિવારણ માંગ કરી છે. નહીં તો કાનૂની કાર્યવાહીની ચેતવણી પણ આપી છે.

શહેરમાં પડેલા ખાડામાં પાલિકા વરસાદનું બહાનું કાઢી યોગ્ય સમારકામ નથી કરતી, જેથી નવસારીજનોએ ચોમાસાના પૂર્ણ થવા સુધી ખાડાઓને સહન કરવા પડશે. જોકે પાલિકાએ શહેરના જુનાથાણા, શનિ મંદિર નજીક, લાયબ્રેરી જેવા વિસ્તારોમાં લાખોના ખર્ચે બ્લોક નાંખ્યા છે. જેથી ખાડાની સમસ્યાનું નિવારણ થાય, પરંતુ બ્લોક પણ ઉખડી જવા સાથે એમાં પણ ખાડા પડતા ફરી અંદાજે 12 લાખના ખર્ચે નવા બ્લોક નીખવાની તૈયારી કરી છે. ત્યારે પાલિકા રસ્તા બનાવવતા કોન્ટ્રાકટર પાસે રીપેરીંગ કરાવશે કે પછી નવો ખર્ચો પાડયા કરશે. 

વિ/ઓ : શહેરમાં ચોમાસાના મધ્યમાં જ રસ્તાઓ પર પડેલા ખાડાઓ મુદ્દે શહેરીજનોમાં રોષ વ્યાપ્ત છે. વર્ષોની સમસ્યા છતાં પાલિકા દ્વારા રસ્તાની ક્ષમતા અને સ્થિતિ સુધારવામાં પાલિકા ઉણી ઉતરી રહી છે. શહેરીજનોની ફરિયાદ પર પાલિકાએ જ્યાં વધુ ખાડાઓ છે. ત્યાં અંદાજે 12 લાખ રૂપિયાના ખર્ચે બ્લોક નાંખવાનો પ્લાન બનાવ્યો છે. જોકે વરસાદી માહોલમાં ડામર ટકતો ન હોવાની વાત સાથે ખાડાઓ ભરવાની પાલિકાએ તૈયારી કરી છે. 

જોકે રસ્તા બનાવનારા કોન્ટ્રાકટર યોગ્ય રીતે કામગીરી ન કરતા હોવાની વાત પર પાલિકા મુખ્ય અધિકારીએ વોરંટી પિરિયડમાં રસ્તાઓ હોય, સમારકામ કોન્ટ્રાકટર પાસેથી કરાવવાનું જણાવ્યું હતું. જ્યારે વિજલપોર રેલ્વે ઓવરબ્રિજના નિર્માણને કારણે સર્વિસ રોડ પર ખાડા પડ્યા છે અને એ કામ ભરૂચના હાઇવે ઓથોરિટી અધિકારી પ્રોજેક્ટ જોઈ રહ્યા હોવાથી એમના ઉપર ખો આપી દીધી હતી.

વર્ષોથી નવસારી શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓ બને છે. પણ એની ગુણવત્તા યોગ્ય ન રહેતા ખાડા પડે છે. જેને પુરવા પાછળ લાખો ખર્ચાય છે. પણ સમસ્યાનું કાયમી ઉકેલ ન આવતા શહેરીજનો પાલિકાની કાર્યપ્રણાલી ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news