અનોખી પહેલ! ખેડાના કાજીપુર ગામે શાળામાં બાળકો ચલાવે છે બેંક, નામ રખાયું ‘બેંક ઓફ કાજીપુરા’

 ખેડા જિલ્લાના કાજીપુરા ગામની સરકારી શાળા દ્વારા આગવી પહેલ કરવામાં આવી છે. શાળામાં બેંક ઓફ કાજીપુરા નામની અનોખી બેંક શરૂ કરવામાં આવી છે. જેનું સંપૂર્ણ સંચાલન ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે.

અનોખી પહેલ! ખેડાના કાજીપુર ગામે શાળામાં બાળકો ચલાવે છે બેંક, નામ રખાયું ‘બેંક ઓફ કાજીપુરા’

નચિકેત મહેતા/ખેડા: ગુજરાતમા ઘણી ખરી સરકારી શાળામા ઉચ્ચ ગુણવત્તા વાળુ શિક્ષણ મળી રહ્યુ નથી, પરંતુ ખેડા જિલ્લાના ખેડા તાલુકાના કાજીપુરા ગામની સરકારી શાળા ધ્વારા એક અનોખી પહેલ કરાતા હાલ આ શાળા સૌ કોઈનુ ધ્યાન ખેંચી રહી છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે અનોખી બેન્ક શરૂ કરવામાં આવી છે. જેનુ નામ ‘બેંક ઓફ કાજીપુરા’ રખાયુ છે. 

મહત્વની વાત એ છે કે આ બેન્કનું સંપૂર્ણ સંચાલન કાજીપુરા શાળાના ધોરણ-1 થી ધોરણ-8 ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. એક તરફ જી-20 અંતર્ગત ગુજરાતના આંગણે અત્યારે રિઝર્વ બેંકના ગવર્નર અને નાયબ ગવર્નર, જી-20 દેશોના નાણા મંત્રીઓની બેઠકો યોજાઇ રહી છે. ત્યારે ખેડા જિલ્લાની નાનકડા ગામની વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત આ શાળાએ નાણાકીય વ્યવસ્થાપનનું એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. 

આ અંગે કાજીપુરા શાળાના આચાર્ય સુનિલભાઈએ જણાવ્યુ કે, " કાજીપુર પ્રાથમિક શાળા ખેડા જિલ્લાના ખેડા તાલુકામાં આવેલી છે. કાજીપુરા પ્રાથમિક શાળામાં બાળકો આત્મનિર્ભર બને. નાણાંકીય બચતનું ખ્યાલ કેળવે, તે હેતુથી અમે આ વર્ષે 2023-24 માં બેંક ઓફ કાજીપુરા બનાવેલી છે. બાળકો આબેહૂબ બેંકના પ્રકારે જ નાણાકીય લેવડ દેવડ કરે તે માટે બેંકના ટાઈપનુજ કેબિન બનાવેલું છે. 

મેનેજર , કેશિયર. બેંકનો મુખ્ય હેતુ એ કે બાળકો નાણાંકીય બચત કરે, શાળામાં આવતા અકસ્મિક ખર્ચા જેવા કે પ્રવાસ પર્યટન, હોય વાનગી મેળો હોય કે કોઈ બીજા સામાજિક ખર્ચા હોય, તો બાળકોના વાલી પાસેથી પૈસા માંગવા ના પડે અને પોતે આત્મા નિર્ભર બને. પોતે પોતાનો બચત કરી શકે. એટલા માટે એ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને અને બેન્ક ઓફ કાજીપુરા બનાવેલી છે. બેંક ઓફ કાજીપુરામાં દરેક બાળકો ઘરેથી પૈસા લાવતા હોય છે. વાપરવા માટે. એ પૈસા પુરે પૂરા પૈસા આપી દેવાના નહીં. પણ એમાંથી 40 - 50% નાણા બચત કરે, બચાવે. 

બીજો ઉદ્દેશ્ય એ છે કે, વાલીઓ બાળકોને પૈસા આપે છે. તો બાળકો બહાર થી પડીકા લાવે અને ખાય છે. જે પણ અમે બંધ કરાવ્યા છે. પડીકા ખાવા નહિ. પડીકા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એ પણ ઉદ્દેશ્ય સાર્થક થાય છે આમાં કે બહારથી પડીકા ખાતા નથી. અને થોડા પૈસા વાપરે અને બીજા પૈસા બેંકમાં જમા કરાવે છે. અને પોતાનો ખર્ચો પોતે જ સારી રીતે કરી શકે. અને અમારું ગામ ગરીબ ગામ છે. ઘણા ખરા વાલીઓ ગરીબ છે. ઘણા બધા ખર્ચા આવે તો કોઈના વાલી આપે ના આપે, તો બાળક પોતે પૈસા ભેગા કર્યા હોય તેમાંથી જ તે પોતે ખર્ચો કરી શકે છે. બસ એટલે જ કાજીપુરા બેન્કનો ઉદ્દેશ્ય છે."

આ અંગે શાળાની વિદ્યાર્થીની મિત્તલના જણાવ્યા અનુસાર, "હું ધોરણ-6 માં ભણું છું. મારા પપ્પા મને રોજ પૈસા વાપરવા આપે છે. એમાંથી થોડા પૈસા હું જમા કરાવું છું. અને થોડા પૈસા હું વાપરૂ છું. જે મને ઓચિંતા કામમાં આવે છે. પ્રવાસ આવે કે મને મનપસંદ વસ્તુઓ ગમતી લેવી હોય ત્યારે ખરીદવા માટે આ પૈસા કામમાં આવે છે. એટલે હું મારા આચાર્ય શિક્ષક નો આભાર માનું છું."

આ શાળામા આ વર્ષે આ બેન્કની શરૂઆત થતા બાળકોએ બચત કરેલા નાણાં તેઓ પ્રવાસ, બાળમેળા, સ્કૂલ યુનિફોર્મ, અન્ય પુસ્તકો તેમજ પોતાના શિક્ષણને લગતી ચીજવસ્તુઓમાં વાપરી શકે છે. બાળકોની આ બેંક ‘નાણાં હોય ત્યારે બધા વાપરવા નહીં, પણ તેની થોડી બચત પણ કરવી’ ના ધ્યેયમંત્ર સાથે કાર્ય કરે છે. જેને લઈ બાળપણમાં જ શિક્ષણની સાથે બચતનો પણ ગુણ કેળવાય તે સિદ્ધાંત સાથે આ શાળા અને આ બેન્ક એકસાથે કાર્યરત છે. 

આપને જાણીને નવાઈ લાગશે કે આ બેન્કમાં ધોરણ-૬માં અભ્યાસ કરતો દ્રવેશ ઠાકોર મેનેજર અને ધોરણ-7 માં અભ્યાસ કરતી પ્રિયા ઠાકોર કેશિયર તરીકે ફરજ બજાવે છે. આ બેંકમાં કુલ 142 ખાતા છે. આ બેંક દ્વારા બાળકોના પૈસા પર વાર્ષિક 8% વ્યાજ શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. 

આ રીતે વિદ્યાર્થીઓને નાનપણથી જ બચત અને તેના ફાયદાના ગુણો ખીલવવામાં આ બેન્ક ઉપયોગી સાબિત થઇ રહી છે. જેને લઈ ખેડા જીલ્લાની આ સરકારી શાળાના વિદ્યાર્થીઓ ભવિષ્યમા કોઈ સારી શૈક્ષણીક સંસ્થાના ટોપર કે ઉચ્ચ હોદો ભોગવતા જોવા મળે તો નવાઈ નહી લાગે. ત્યારે દરેક સરકારી શાળાઓમા આવુ પ્રેકટીકલ જ્ઞાન આપવામા આવે તો ગુજરાતમા બંધ થઈ રહેલી સરકારી શાળાઓમા નવા પ્રાણ ફેંકાઈ શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news