વડોદરાની યુવતીના પોતાની જાત સાથે લગ્ન, ક્ષમા બિંદુએ આત્મવિવાહ બાદ કર્યો મોટો ખુલાસો
આત્મવિવાહ કર્યા બાદ પત્રકાર પરિષદમાં ક્ષમા બિંદુએ જણાવ્યું હતું કે, મને શંકા હતી કે 11 મી જૂને મારા લગ્ન થશે કે કેમ. ડરના કારણે મેં લગ્ન જલદી કરી લીધા. પંડિતે કહ્યું અમે લગ્ન કરાવી વિવાદમાં પડવા માંગતા નથી. મેં ગઈકાલે સાંજે પાંચ વાગ્યે લગ્ન કર્યા
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરા: રાજ્યમાં હાલ એક કિસ્સો ખુબ જ ચર્ચામાં છે. આ કિસ્સો બીજા કોઈ નહીં પરંતુ એક યુવતીએ પોતાની જાત સાથે જ આત્મવિવાહ કર્યા છે. આ કિસ્સો વડોદરાની ક્ષમા બિંદુનો છે. ક્ષમા બિંદુ એક એવી યુવતી છે જે પોતાની જાતને પ્રેમ કરે છે અને તેને અન્ય કોઈના પર નિર્ભર ન પડે તેથી તેણે પોતાની જાત સાથે જ લગ્ન કરી લીધા છે. જો કે, ક્ષમા બિંદુએ 11 જૂનના લગ્ન કરવાની જાહેરાત કરી હતી. પરંતુ વિરોધના વંટોળ વચ્ચે નક્કી કરેલી તારીખના બે દિવસ અગાઉ ગુપ્ત રીતે આત્મવિવાહ કરી લીધા છે.
આત્મવિવાહ કર્યા બાદ પત્રકાર પરિષદમાં ક્ષમા બિંદુએ જણાવ્યું હતું કે, મને શંકા હતી કે 11 મી જૂને મારા લગ્ન થશે કે કેમ. ડરના કારણે મેં લગ્ન જલદી કરી લીધા. પંડિતે કહ્યું અમે લગ્ન કરાવી વિવાદમાં પડવા માંગતા નથી. મેં ગઈકાલે સાંજે પાંચ વાગ્યે લગ્ન કર્યા. સ્પીકરના માધ્યમથી મંત્રો સાંભળી લગ્ન વિધિ પૂર્ણ કરી હતી. શરૂઆતમાં ગણેશ પૂજા કરી ખુદને વરમાળા પહેરાવી હતી. ત્યારબાદ સિંદૂર અને મંગળ સૂત્રની વિધિ પૂર્ણ કરી અને બાદમાં ફેરા લીધા હતા.
ક્ષમાએ વધુમાં જણાવ્યું હતું કે, અચાનક લગ્ન કર્યા જેથી મિત્રો અને સ્વજનનો લગ્નમાં આવી ન શક્યા. ખુદ સાથે લગ્ન કર્યા બાદ હું ખુબ જ ખુશ છું. કાચમાં પોતાને દુલ્હન ના પહેરવેશમાં જોઈ આંખમાં આંસુ આવી ગયા હતા. સમાજમાં સ્ત્રી પુરૂષ વચ્ચેના ભેદભાવના કારણે મેં પોતાની સાથે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. લગ્ન બાદ મારી જિંદગી બહેતર થઈ ગઈ છે. હવેથી મારે કોઈના પર નિર્ભર નહીં રહેવું પડે. ભવિષ્યમાં હું કોઈની પત્ની નહીં બનું અને બીજા લગ્ન પણ નહીં કરું. મારે મારા લગ્નની નોંધણી કરાવી છે.
ક્ષમાએ લોકોને પ્રશ્ન પૂછતા કહ્યું કે, હું પૂછવા માંગુ છું કે લોકો મને ગાંડી કેમ કહે છે. આવા નિવેદનો કરનાર લોકોએ વિચારવું જોઇએ કે મારા માણસ પર શું અસર પડતી હશે. હું ટૂંક સમયમાં લગ્નની નોંધણી માટે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીશ. મેં મારી જાત માટે સેંથામાં સિંદૂર ભર્યું છે. હું પોતાની જાતને ખૂબ જ પ્રેમ કરું છું. હું પોતે પોતાની જાતને સારી રીતે સમજી શકું છું.
ઉલ્લેખનીય છે કે, વડોદરાની ક્ષમા બિંદુએ આખરે ગણતરીના લોકોની હાજરીમાં પોતાની સાથે આત્મવિવાહ કરી લીધા. પીઠી, સંગીત સમારોહથી લઇને સાત ફેરા સહિતની તમામ વિધિ ઘરમાં જ સંપન કરી હતી. હિન્દુ રીતિરવાજ પ્રમાણે જેમ વર અને કન્યા હોય છે, તેમ તે કન્યા પણ બની અને વર પણ બની. આ પળને ખાસ બનાવવા માટે તેણે અરીસામાં પોતાનુ પ્રતિબંધ પણ જોયુ હતું. તેને જીવનમાં પુરુષની જરૂર નથી. ક્ષમા બિંદુએ 8 જૂને સાંજે પોતાના ઘરે જ આત્મવિવાહ કરી લીધા હતા.
જો કે, ક્ષમાએ 11 જૂને મંદિરમાં લગ્ન કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આત્મવિવાહને લઈ ભાજપ નેતા સુનિતા શુક્લએ વિરોધ કર્યો હતો. જે બાદ આત્મવિવાહના ઉઠેલા વિરોધને કારણે તેણે નક્કી કરેલી તારીખના બે દિવસ પહેલા જ તેણે ઘરે સાદગીથી લગ્ન કરી લીધા હતા. ક્ષમાએ 8 થી 10 મિત્રોની હાજરીમાં આત્મવિવાહ કર્યા હતા. પૂજારી ન મળતાં બ્લુ ટૂથ પર મંત્ર વગાડી પોતાની જાત સાથે ફેરા ફરી લીધા હતા. આમ, દેશમાં પહેલા આત્મવિવાહ સંપન્ન થયા છે અને ક્ષમા બિંદુ આત્મવિવાહ કરનારી દેશની પહેલી યુવતી બની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે