ગુજરાતના દરિયામાં ડોલ્ફીન-શાર્કનો શિકાર કરતી ગેંગ પકડાઇ, કોલ્ડરૂમમાં અનેક માછલીઓ મળી
સુરક્ષા એજન્સીઓને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોરબંદરના દરિયાઇ વિસ્તારના 12 નોટીકલ માઇલ દૂર મધદરિયે ગત તારીખ 15 માર્ચના રોજ ભારતીય કોસ્ટગાર્ડ, ગુજરાત પોલીસ તથા વન વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ડાયનાસ-2 નામની માછીમારી બોટ સાથે બોટમાં સવાર 10 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
Trending Photos
અજય શીલુ/પોરબંદર: જંગલ વિસ્તારોમાં તો પશુ-પક્ષીઓ અને પ્રાણીઓના શિકાર કરતા શિકારીઓ અવાર-નવાર ઝડપાતા હોય છે. પરંતુ અહીં તો પોરબંદરના દરિયાઇ વિસ્તારના 12 નોટીકલ માઇલ દૂર મધદરિયેથી સુરક્ષા એજન્સીઓ દ્વારા જોઇન્ટ ઓપરેશન હાથ ધરી ગેરકાયદેસર ડોલ્ફિન શિકાર કરી રહેલ 10 આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.
દરિયામાં અત્યાર સુધી દાણ-ચોરી તથા ડ્રગ્સના જથ્થા સાથે તો અનેક વખત આરોપીઓ ઝડપાયાની ઘટનાઓ બનતી રહે છે પરંતુ સુરક્ષા એજન્સીઓને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોરબંદરના દરિયાઇ વિસ્તારના 12 નોટીકલ માઇલ દૂર મધદરિયે ગત તારીખ 15 માર્ચના રોજ ભારતીય કોસ્ટગાર્ડ, ગુજરાત પોલીસ તથા વન વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ડાયનાસ-2 નામની માછીમારી બોટ સાથે બોટમાં સવાર 10 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. બોટમા તપાસ દરમિયાન બોટમાં ગેરકાયદેસર શિકાર કરવામાં આવેલ 22 ડોલફીન મૃત હાલતમાં મળી આવી હતી.
આ ઓપરેશન અંગેની તમામ તપાસ વન વિભાગ તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે.આરોપીઓના કોવીડ ટેસ્ટ સહિતની કાર્યવાહી કર્યા બાદ આરોપીઓ તથા મુદામાલને હાલમાં પોરબંદર વન વિભાગના ચોબારી રેસ્ટ હાઉસ ખાતે રાખવામાં આવ્યું છે.પકડાયેલ બોટને હાલ પોરબંદરના અસ્માવતી બંદર ખાતે લાંગરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ દ્વારા જે ડોલફીનનો શિકાર કરવામાં આવ્યો છે તે ડોલફીન વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના શેડ્યુલ-2 હેઠળ પ્રોટેક્ટેડ છે જેથી ડોલફીનનો શિકાર કરવા પર પ્રતિબંધ છે.
ડોલફીનના શિકારીઓ સાથે કડક વલણ અપનાવવાને બદલે પોરબંદર વન વિભાગના સ્થાનિક આરએફઓ ભમર જાણે કે આરોપીઓની આગતા સ્વાગતા કરતા હોય તેમ આરોપીઓને વન વિભાગના રેસ્ટ હાઉસ ખાતે રાખી આરોપીઓ તથા મુદામાલને મીડિયાની છુપાવવા પ્રયાસો કરતા જોવા મળ્યા હતા. ડોલ્ફીન માછલી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના શેડ્યુલ-2માં આવે છે. શેડ્યુલ-1માં નહીં તે શેડ્યુલ -2 માં આવે છે તેની પણ જાણકારી નહીં ધરાવનાર આરએફઓ દ્વારા મિડીયાને કવરેજ કરતા રોક્યા હતા અને અમે તમને વિડીયો મોકલી આપીશું તેઓ જવાબ આપતા જોવા મળ્યા હતા.
પકડાયેલ આરોપીઓને જ્યારે કોવિડ ટેસ્ટ માટે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે પકડાયેલ આરોપીઓએ એવું જણાવ્યું હતું કે,તેઓ 26 તારીખે કોચીથી નિકળ્યા હતા અને ડોલફીનનો તેઓ શા માટે શિકાર કરતા હતા અને તેને ક્યાં વહેંચતા હતા તે અંગે બોટ સાથે પકડાયેલ આરોપીને પુછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, અમોને કોઈ જાણકારી નથી અને આ બોટ માલિક કોઇ એન્ટોની હોવાનું જણાવ્યું હતું.
સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયામાં પ્રતિબંધિત ડોલફીનનો શિકાર કરતા શિકારીઓને તથા મૃત ડોલફીન માછલીના મુદામાલને હાલ તો વન વિભાગને સોંપવામાં આવ્યા છે. પરંતુ આ આરોપીઓ કેટલા સમયથી આ રીતે શિકાર કરતા હતા તેઓ વિરુદ્ધ ક્યાં ફરિયાદ નોંધાશે અને આગળ શું કાર્યવાહી થશે તે અંગે વન વિભાગ દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે