દિવાળી પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિરમગામના લોકોને ભેટ; 640 કરોડના વિકાસ કાર્યો થશે

રાજ્યની વિકાસયાત્રા વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં રોજેરોજ વિકાસકાર્યો રૂપી અવિરત યાત્રા સતત ચાલતી જ રહે છે. રાજ્યમાં ક્યાંક ને ક્યાંક પ્રજાકીય કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત દ્વારા રાજ્ય સરકાર સતત પ્રજાની સુખાકારી માટે કામગીરી કરી રહી છે.

દિવાળી પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિરમગામના લોકોને ભેટ; 640 કરોડના વિકાસ કાર્યો થશે

ઝી બ્યુરો/ગાંધીનગર: દિવાળી પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરમગામને રૂપિયા 640 કરોડના વિકાસ કાર્યોની લોકોને ભેટ આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ દ્વારા દુનિયામાં દેશનું માન વધાર્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર પણ પ્રજાના પ્રશ્નો અને તેમની સમસ્યાઓના નિવારણ માટે સતત પ્રયાસરત છે. રાજ્યની વિકાસયાત્રા વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં રોજેરોજ વિકાસકાર્યો રૂપી અવિરત યાત્રા સતત ચાલતી જ રહે છે. રાજ્યમાં ક્યાંક ને ક્યાંક પ્રજાકીય કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત દ્વારા રાજ્ય સરકાર સતત પ્રજાની સુખાકારી માટે કામગીરી કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ વિશે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા લાંબા ગાળાનું વિચાર્યું છે. રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2003માં તેમણે રાજ્યમાં ઉદ્યોગ-ધંધા અને રોજગાર ક્ષેત્રના વિકાસ માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દુનિયાભરમાં જાણીતી છે. આજે અમદાવાદ જિલ્લામાં વેપાર-ધંધા અને ઉદ્યોગોનો વિકાસ ઉડીને આંખે વળગે છે. અમદાવાદના સાણંદ અને ધોલેરામાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો વિકાસ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. દેશના દરેક વડાપ્રધાનએ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને ભારતમાં લાવવા માટે પ્રયત્નો કર્યા હતા, પણ સફળતા માત્ર નરેન્દ્ર મોદીને જ મળી છે. એ જ રીતે, દેશમાં ગ્રીન એનર્જી સેક્ટરના વિકાસ માટે પણ મહત્વની કામગીરી થઈ રહી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં શરૂ કરવામાં આવેલા વિવિધ વિકાસ પ્રકલ્પો અને અભિયાનો વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે દેશ દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યો છે અને ગુજરાતનું તેમાં મહત્વનું યોગદાન રહ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશમાં પ્રાકૃતિક ખેતીનું મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આજે ખેડૂતો રાસાયણિક ખાતર છોડીને જમીનનું અને પોતાનું સ્વાસ્થ્ય સુધારવા તરફ વળ્યા છે. રાજ્ય સરકાર ખેડૂતોને દિવસે જરૂરી વીજળી મળી રહે તે માટે પણ  કામગીરી કરી રહી છે. આજે ભારત અને ગુજરાતની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઈ રહી છે ત્યારે દેશ સ્વચ્છતામાં પણ આગળ રહે તે ઉદ્દેશ સાથે વડાપ્રધાનએ સ્વચ્છતા અભિયાન શરૂ કરાવ્યું છે એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌને સ્વચ્છતાના આગ્રહી બનવા જણાવ્યું હતું તેમજ સ્વભાવ અને સંસ્કારમાં સ્વચ્છતા લાવવા અનુરોધ કર્યો હતો. 

મુખ્યમંત્રીએ 'એક પેડ માં કે નામ' અભિયાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગ સામે દેશમાં ગ્રીન કવર વધારવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાનએ આ અભિયાન શરૂ કરાવ્યું છે. ગુજરાતે પણ આ અભિયાનમાં લીડ લઈને એક જ વર્ષના ગાળામાં ગ્રીન કવરમાં બે ટકાનો વધારો કર્યો છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પાણી બચાવવાના ઉદ્દેશ સાથે 'કેચ ધ રેઈન' અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ વરસાદનું ટીપેટીપું બચાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના વિકસિત ભારત સંકલ્પ વિશે જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું કે, વર્ષ 2047 સુધી વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત લીડ લેશે. સૌના સહિયારા પ્રયાસ સાથે આપણે વિકસિત ભારત બનાવવામાં યોગદાન આપીશું એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, 7મી ઓક્ટોબર 2001માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા અને તે દિવસથી તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના સૂત્રને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં અવિરત વિકાસની શરૂઆત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના અથાક પ્રયત્નોથી આજે ગુજરાતને દેશમાં રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે, તો ગુજરાત દેશમાં આર્થિક રીતે વધુ સદ્ધર બને તે માટે આપણે સૌએ રાજ્ય અને દેશના વિકાસમાં ભાગીદારી નોંધાવવી જોઈએ.

આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતની ધુરા સંભાળી ત્યારથી ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. તેમણે જે દિશા બતાવી છે તે જ દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં અનેક ક્ષેત્રે વિકાસ સાધ્યો છે. તેમણે જણાવ્યું  કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરમગામને 640 કરોડના વિકાસ કાર્યોની લોકોને ભેટ આપી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news