ભાજપમાં વય વટાવી ચૂકેલાનું પત્તું કપાશે, મહિલા કાર્યકરોને સૌથી વધુ નડશે નવો નિયમ
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ વયના કાર્યકરને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. પાટીલના આ નિર્ણયથી પક્ષમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ સર્જાયો છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. એમાંય ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલની ટિકિટ અંગેના નવા નિયમોની જાહેરાત બાદ હડકંપ મચ્યો છે. ભાજપમાં 60 વર્ષની વય વટાવી ચૂકેલાં કાર્યકરોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Councils Election) માટે પ્રદેશ ભાજપે નવા ચહેરાઓને તક મળે તે માટે મોટા નિર્ણય કર્યા હોવાનો તર્ક આપવામાં આવ્યો છે. જોકે, પાટીલના આ નિર્ણયથી પક્ષમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ સર્જાયો છે. ત્યારે આ નિર્ણયને કારણે સૌથી વધારે મહિલા કાર્યકરોને નુકસાન થશે.
ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ટિકિટ વિતરણના નવા નિયમથી ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ જ્યાં નવા કાર્યકરોમાં આ નિયમથી ઉત્સાહ જણાઈ રહ્યો છે. ત્યાં બીજી તરફ વર્ષોથી પક્ષ માટે કામ કરનારા જૂના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના નવા નિયમને કારણે અમદાવાદમાં વય વટાવી ચૂકેલા 23 કોર્પોરેટરનું આ વખતે પત્તું કપાશે. અમદાવાદમાં 60 વર્ષથી વધુના 23 કોર્પોરેટર કપાશે જેમાં 14 મહિલા અને 9 પુરુષ કોર્પોરેટર સમાવેશ થાય છે.
વય વટાવી ચૂકેલાં અમદાવાદના 23 કોર્પોરેટરનું પત્તું કપાશે, જેમાં 14 મહિલા છે
1. પુષ્પા મિસ્ત્રી
2. કલ્પના વૈદ્ય
3. ચંચળ પરમાર
4. કાશ્મીરા શાહ
5. ક્રિષ્ના ઠાકર
6. કાશી પરમાર
7. હેમા આચાર્ય
8. કપિલા ડાભી
9. જયશ્રી જાગરિયા
10. અરુણા પંડ્યા
11. કલા યાદવ
12. કલાવતી કુલબુર્ગી
13. ફાલ્ગુની શાહ
14. તારા પટેલ
પક્ષ માટે કામ કરનારા મહિલા કાર્યકરોની વ્યથા
ભાજપમાં વર્ષો સુધી પક્ષ માટે કામ કરનારા મહિલા કાર્યકરો આ નવા નિયમને કારણે હાંસિયામાં ધકેલાયી ગયા છે. જેને કારણે હવે આવા કાર્યકરો કોઈકને કોઈક રીતે પોતાની વ્યથા ઠાલવી રહ્યાં છે. મહિલા કાર્યકરોનું કહેવું છેકે, પક્ષમાં કાર્યકરો તરીકે જોડાયા પછી 50 વટાવો ત્યારે ટિકિટ મળે છે. અને ટિકિટ મળ્યા બાદ તમે સિસ્ટમને પુરી રીતે સમજ્યા હોવ અને કોઈ હોદ્દા મળે તે પહેલાં જ 60 વર્ષ થઈ જાય છે. એવામાં આ નવા નિયમને કારણે તમે કોઈ મોટા હોદ્દા સુધી પહોંચી શકતા નથી. આમ, અમદાવાદમાં આ નિર્ણય સૌથી વધુ મહિલાઓને જ નડશે.
પાટીલની જાહેરાત બાદ ભાજપમાં ઉકળતા ચરુની સ્થિતિ
સોમવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જાહેરાત કરી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રણ ટર્મ કે તેથી વધુ જીતેલા, 60 વર્ષથી વધું ઉંમરના કે પછી નેતાના પરિવારમાં કોઇને ટિકિટ અપાશે નહિ. જોકે, આ જાહેરાતની સૌથી વધુ અસર અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના કોર્પોરેટરોને પડશે.
ભાજપે જાહેર કર્યા છે આ 3 નવા નિયમો
ભાજપ પ્રદેશ પ્રમુખ (BJP State President) સી આર પાટીલે (CR Patil) સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ત્રણ મુખ્ય માપદંડ તૈયાર કર્યા અને પાર્લામેન્ટ્રી બોર્ડે (Parliamentary Board) પણ સહમતિ આપી. 60 વર્ષથી વધુની વયના દાવેદારોને ટીકિટ ન આપવા નિર્ણય લેવામાં આવ્યો તો સાથે જ 3 ટર્મથી વધુ સમય કોર્પોરેટર (Corporator) રહેલાઓને પણ ટીકિટ ન આપવા નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ભાજપના આગેવાનો, હોદેદારોના પરિવારજનોને ટીકિટ નહીં અપાય. આ ત્રણ નિયમો લાગુ થતા મોટાભાગના દાવેદારોની આશા પર પાણી ફરી વળ્યું છે.
ભાજપના નવા નિયમો અમદાવાદના 39 કોર્પોરેટરને નડશે
60 વર્ષથી વધુ વય હોય, 3 ટર્મ પુરી થઈ ગઈ હોય કે પછી હોદ્દેદારોના પરિવારજનોને પણ ટિકિટ નહીં આપવામાં આવે. આ ત્રણ નિયમમાં અમદાવાદમાં ભાજપના 39 કોર્પોરેટર કપાશે. 3 પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનની પણ ટિકિટ કપાશે. બીજલ પટેલ, અમિત શાહ, મયૂર દવે જેવા અમદાવાદના મોટા નેતાઓનું પણ પત્તું કપાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે