ભાજપના કીર્તિસિંહ વાઘેલાએ હારનું ઠીકરું કાર્યકર્તાઓ પર ફોડ્યું, કહ્યું-હું તમારા કારણે હાર્યો
ભાજપના નેતાઓેનો ઋણ સ્વીકાર કાર્યક્રમ... કાંકરેજથી હારેલા ભાજપના ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલાનો રોષ... કિર્તીસિંહે હારની જવાબદારી કેટલાક કાર્યકરો પર ઢોળી... તો પાટણથી હારેલા રાજુલ દેસાઈએ કાર્યકરોનો આભાર માન્યો... ભાજપના રાજુલ દેસાઈએ હારનું કારણ પણ સ્પષ્ટ કર્યું... એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે લોકસંપર્ક શરૂ કર્યો
Trending Photos
Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ ક્યાંક ખુશીનો, તો ક્યાંક નિરાશાનો માહોલ છે. વિજેતા ધારાસભ્યો મતદારોનો આભાર માની રહ્યા છે. હારેલા ઉમેદવારો આત્મમંથન કરી રહ્યા છે. જો કે ભાજપના એક હારેલા ઉમેદવારે પોતાની હારનું ઠીકરું પોતાના જ પક્ષના કેટલાક કાર્યકરો પર ફોડ્યું છે.
વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ વિજેતા ઉમેદવારો પોતાને જીતાડવા બદલ જનતાનો આભાર માની રહ્યા છે. ઘણા હારેલા ઉમેદવારો પણ જનતા વચ્ચે જઈ રહ્યા છે. મતદારોનો આભાર માનીને પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે. ભાજપે આ કાર્યક્રમોને ઋણ સ્વીકાર કાર્યક્રમ નામ આપ્યું છે. આ દરમિયાન જુદા જુદા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
બનાસકાંઠાની કાંકરેજ બેઠક પરથી હારી ગયેલા ભાજપના ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલાએ પણ ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તેમણે પોતાની હારનું ટોપલું પક્ષના જ કેટલાક કાર્યકરો પર ઢોળ્યું. કેટલાક કાર્યકરો પર તેમણે કોંગ્રેસ માટે કામ કરવાનો આક્ષેપ કર્યો. સાથે જ તેમની આવી હરકતો ચલાવી નહીં લેવાની ચીમકી પણ ઉચ્ચારી.
વિધાનસભાની આ ચૂંટણીમાં જ્યાં ભાજપની સુનામીમાં તમામ વિપક્ષો ફેંકાઈ ગયા છે, ત્યાં કાંકરેજમાં અલગ ઘાટ સર્જાયો છે. 2017માં આ જ બેઠક પરથી જીતેલા અને રાજ્ય સરકારમાં મંત્રી બનેલા કિર્તીસિંહે આ વખતે હારનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસના ઉમેદવાર અમૃતજી ઠાકોરે વાઘેલાએ 5200 મતોથી મ્હાત આપી છે. તેમના આક્રોશ પરથી જણાય છે કે તેઓ હાર પચાવી શક્યા નથી.
તો આ તરફ પાટણમાં ભાજપના હારેલા ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈએ મતદારો અને કાર્યકરોનો આભાર માન્યો. ઋણ સ્વીકાર કાર્યક્રમમાં તેમણે લોકો સાથે રહેવાની વાત કરી. સાથે જ પોતાની હારનું કારણ પણ લોકોની સમક્ષ રજૂ કર્યું.
અમદાવાદની એલિસબ્રિજ બેઠક પર ભાજપમાંથી જીતેલા અમિત શાહે તો પોતાના મતવિસ્તારમાં લોકસંપર્ક પણ શરૂ કરી દીધો છે. પોતાના મતવિસ્તારના કોર્પોરેટર સાથે તેમણે લોકો સાથે મુલાકાત કરી. અગાઉ 25 વર્ષ સુધી કોર્પોરેટર રહી ચૂક્યા હોવાથી લોકો વચ્ચે જવાનો તેમને અનુભવ છે. જનસંપર્ક દરમિયાન લોકોએ અમિત શાહનું સ્વાગત પણ કર્યું.
તો આ તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સુરતની કતારગામ બેઠક પરથી હારેલા ગોપાલ ઈટાલિયાએ પણ મતદારોનો ઋણ સ્વીકાર કર્યો. તેમણે પોતાને 55,713 મત આપવા બદલ મતદારોનો આભાર માન્યો અને આ માટે કતારગામમાં જાતે જઈને ઠેર ઠેર બેનર લગાવ્યા હતા. હારેલો ઉમેદવાર મતદારોનો આ રીતે આભાર વ્યક્ત કરે તે દ્રશ્યો કદાચ પહેલી વાર જોવા મળ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે