RTE હેઠળ બીજા રાઉન્ડમાં રાજ્યમાં 4966 બાળકોને મળ્યો પ્રવેશ, 5 જૂન સુધી રજૂ કરવા પડશે આધાર-પુરાવા
બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા. ૦૫ જૂન ૨૦૨૩ સુધીમાં સંબંધિત શાળામાં યોગ્ય આધાર-પુરાવા રજૂ કરી પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવાની રહેશે.
Trending Photos
ગાંધીનગરઃ RTE એક્ટ-૨૦૦૯ પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ તા. ૨૯/૦૫/૨૦૨૩, સોમવારનાં રોજ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વધુ ૪,૯૬૬ જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા.૦૫/૦૬/૨૦૨૩, સોમવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવાનો રહેશે એમ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રાજ્ય સરકારનાં પ્રયાસોથી વાલીઓમાં જાગૃતિ આવતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ રાજ્યની કુલ ૯,૮૩૩ જેટલી બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદા-જુદા માધ્યમમાં કુલ ૮૨,૮૫૩ જેટલી જગ્યાઓ RTE એક્ટ હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કીમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં ૫૪,૯૦૩ જેટલા વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં ૪૮,૮૯૦ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં નિયત થયેલ પ્રવેશો પૈકી ૧,૧૩૦ જેટલા બાળકો અગાઉના શૈક્ષણિક વર્ષમાં ધો-૧/ધો-૨માં અભ્યાસ કરેલ હોય તેમ જ અન્ય કારણોસર નિયમાનુસાર જિલ્લા કક્ષાએથી RTE હેઠળ પ્રવેશો રદ કરવામાં આવ્યાં છે.
RTE એક્ટ હેઠળ ઉપલબ્ધ જગ્યાઓ પૈકી બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં ૩૦,૧૨૭ જેટલી જગ્યાઓ ખાલી રહી છે. જેમાં ગુજરાતી માધ્યમની ૧૪,૫૪૬, અંગ્રેજી માધ્યમની ૧૨,૪૬૬, હિન્દી માધ્યમની ૨,૮૨૮ તથા અન્ય માધ્યમની ૨૮૭ જગ્યાઓનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, RTE ACT-૨૦૦૯ની કલમ ૧૨.૧(ક) અન્વયે બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલી ૩૩,૯૦૭ જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા ૧૩,૨૯૯ અરજદારોને શાળાઓની પુનઃ પસંદગીની તક તા. ૨૩/૦૫/૨૦૨૩ થી તા. ૨૫/૦૫/૨૦૨૩ દરમિયાન આપવામાં આવી હતી. આ સમયગાળામાં એકંદરે કુલ ૮, ૩૮ અરજદારોને શાળાઓની પુનઃ પસંદગી કરી હતી, જ્યારે બાકીના ૫,૦૬૧ અરજદારોએ પ્રથમ રાઉન્ડ પૂર્વે ભરેલ ફોર્મની શાળાઓ યથાવત રાખી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે