PM મોદીના સમર્થનમાં નિવેદન આપી ફસાયા રાજ્યપાલ કલ્યાણસિંહ
ચૂંટણી પંચે કલ્યાણસિંહને દોષી માનતા જણાવ્યું કે, રાજ્યપાલ કલ્યાણસિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરવા સંબંધિત નિવેદન આપીને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે
Trending Photos
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ની આચાર સંહિતા લાગુ થયા બાદ રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં નિવેદન આપીને ફસાઈ ગયા છે. સૂત્રોએ જણાવ્યું કે, ચૂંટણી પંચે કલ્યાણસિંહના નિવેદનનને આચાર સંહિતાનું ઉલ્લંઘન સ્વીકાર્યું છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહે વડા પ્રધાન મોદીનું સમર્થન કરવા સંબંધિત નિવેદન આપીને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ચૂંટણી પંચે આ ઘટનામાં પોતાની તપાસ પૂરી કરી લીધે છે અને તેના નિષ્કર્ષ અંગે ટૂંક સમયમાં જ રાષ્ટ્રપતિને જાણ કરવામાં આવશે.
રાષ્ટ્રપતિને માહિતગાર કરાશે
ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું કે, આ સમગ્ર ઘટનાની તપાસ પુરી થઈ ગયી છે. કલ્યાણ સિંહ એક બંધારણિય પદ પર બેસેલા છે. આથી ચૂંટણી પંચ પોતાના રિપોર્ટ અંગે રાષ્ટ્રપતિને પત્ર લખીને જાણ કરશે.
ઉલ્લેખનીય છે કે, કલ્યાણ સિંહે તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના અલીગઢમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને લોકસભા ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે અપીલ કરી હતી.
ચૂંટણી પંચે તેમના આ નિવેદનને આચાર સંહિતા લાગુ હોવા દરમિયાન બંધારણિય પદ પર રહેલી વ્યક્તિનું રાજકીય નિવેદન તરીકે ગણ્યું છે. સિંહે પોતાના કથિત નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આપણે બધા જ ભાજપના કાર્યકર્તા છીએ. મોદીજી બીજી વખત વડા પ્રધાન બને.'
અલીગઢના કલેક્ટર પાસે માગ્યો હતો રિપોર્ટ
ચૂંટણી પંચે આ અંગે સંજ્ઞાન લેતા અલીગઢના કલેક્ટર પાસે સમગ્ર ઘટના અંગે વિસ્તૃત રિપોર્ટ માગ્યો હતો. જેમાં કલ્યાણસિંહ સામે આચાર સંહિતાના ઉલ્લંઘનની પુષ્ટિ થઈ છે. આ અગાઉ 1990માં હિમાચલ પ્રદેશના તત્કાલિન રાજ્યપાલ ગુલશેર અહેમદ દ્વારા તેમના પુત્ર માટે પ્રચાર કરવા બાબતે પંચે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ અહેમદે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે