પૂર્વ મુખ્યમંત્રીના રોડ અકસ્માતમાં મૃત્યુના 15 વર્ષ પછી પરિવારને મળ્યું વળતર, વીમા કંપનીની ભલી થજો!
મુખ્યમંત્રી જેવા ઉચ્ચ હોદ્દાપર બિરાજમાન હોય તેવી વ્યક્તિના પરિવારને પણ વીમાનું વળતર મેળવવા માટે વીમા કંપનીના ધક્કા ખાવા પડે છે. વાત સીધી રીતે તમારા ગળે નહીં ઉતરે પણ આ હકીકત છે. પૂર્વ મુખ્યમંત્રીનું રોડ અકસ્માકમાં મૃત્યુ થયું પણ તેમનો પરિવાર 15 વર્ષ સુધી વળતર માટે વીમા કંપનીના ધક્કા ખાતો રહ્યો... જાણવા જેવો છે કિસ્સો.
Trending Photos
નવી દિલ્હીઃ આપણા ભારત દેશમાં વીમા કંપનીઓ પોતાની કેવી મનમાની ચલાવે છે અને કેવો મનઘડત વહીવટ કરે છે તેનું ઉત્તમ ઉદાહરણ આ ઘટના છે. દેશમાં કાયદાની આંટીઘૂંટીમાં 15 વર્ષ પછી કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રી રહેલા પરિવારને વળતર મળ્યું છે. હવે આવા સક્ષમ પરિવારોને પણ વળતર લેવા માટે 15 વર્ષ રાહ જોવી પડી હોય તો સામાન્ય વ્યક્તિઓએ તો વળતરનો વિચાર જ નહીં કરવાનોને? અજબગજબની આ આખી ઘટના વિશે વિસ્તારથી વાંચો...
15 વર્ષ પહેલાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબસિંહ વર્મા. જોકે, એ ઘટનાના 15 વર્ષ વિત્યા બાદ તેમના પરિવારને વીમા કંપની દ્વારા વળતર ચુકવવામાં આવ્યું. આ વાત દરેકને વિચારતા કરી મુકે તેવી છે. જો એક મુખ્યમંત્રી કક્ષાની વ્યક્તિ અને તેના પરિવારની વીમા કંપનીઓ આવી દશા કરતી હોય તો પછી સામાન્ય માણસની તો વાત જ કયાં રહી.
રોડ અકસ્માતમાં મોતને ભેટેલા દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબસિંહ વર્માના પત્ની અને પુત્રને કોર્ટે 6 લાખ 35 હજારનું વળતર આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ રકમમાં દુર્ઘટનાગ્રસ્ત વાહનનો વીમો કરનારી કંપનીને સાડા સાત ટકા વ્યાજની પણ ચૂકવણી કરવા માટે કોર્ટે આદેશ કર્યો છે. દિલ્લીની રોહિણી સ્થિત MACT ચન્દ્ર બોસની કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા દિલ્લીના મુખ્યમંત્રી રહેલા સાહિબસિંહ વર્માના મોત પર વળતર નક્કી કરતા કહ્યું કે, જ્યારે દુર્ઘટના બની ત્યારે તેમની ઉંમર 64 વર્ષની હતી. તેના હિસાબથી ભવિષ્યના સાત વર્ષની આવકને આધાર માનતા વળતરની રકમ નક્કી રકમ નક્કી કરવામાં આવી છે.
કોર્ટે પૂર્વ મુખ્યમંત્રીની પત્નીને કુલ વળતરમાંથી 3 લાખ 85 હજાર 937 રૂપિયા આપ્યા છે. જ્યારે પુત્રને બે લાખ રૂપિયા વળતર તરીકે મળશે. આ પહેલા 50 હજાર રૂપિયા વળતર તરીકે આપવામાં આવ્યા હતા. આ રકમ પણ કુલ વળતરમાં જોડવામાં આવી છે. જો કે આ રકમની આગામી પાંચ વર્ષ સુધી બેંક FD કરાવવામાં આવી છે. FD પર મળનારા વ્યાજને અરજીકર્તાના બેંકખાતામાં જમા કરાવવામાં આવશે.
પત્ની અને પુત્રએ કરી હતી અરજી-
આ કેસમાં મૃતક સાહિબસિંહ વર્માની પત્ની અને પુત્રએ વળતરની અરજી દાખલ કરતા કહ્યું હતું કે, સાહિબસિંહ વર્મા વર્ષ 1996થી 1998 સુધી દિલ્લીના મુખ્યમંત્રી રહ્યા. ત્યારપછી 13મી લોકસભામાં વર્ષ 1999થી 2004 સુધી સાંસદ રહ્યા. સાહિબસિંહ વર્માનું 30 જૂન 2007માં અલવર પાસે રોડ અકસ્માતમાં મોત થયું હતું. તેમની ટાટા સફારી ગાડીને ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. મૃતક વર્માની પત્નીનું કહેવું હતું કે આ ઘટના સમયે તેમનો દીકરો પરિણિત ન હતો અને કોઈ કામ કરતો ન હતો. વળતરના દાવામાં કહેવામાં આવ્યું હતું કે તેઓ અને તેમનો દીકરો જીવન નિર્વાહ કરવા માટે પતિ સાહિબસિંહ પર નિર્ભર હતા.
આ ઘટના આમ તો સામાન્ય છે પરંતુ મોટી વાત એ છે કે આપણા દેશમાં કાયદાની આંટીઘૂટી કેવી છે તે અહીં ચરિતાર્થ થઈ રહ્યું છે. 15 વર્ષ કોઈ વ્યક્તિને વળતર મળે તે કોઈ કામનું રહેતું નથી. હાલ વર્મા પરિવાર આર્થિક રીતે સદ્ધર છે. સાહિબ વર્માનો પુત્ર પ્રવેશ વર્મા હાલ દિલ્લીથી ભાજપના સાંસદ છે. તેમના માટે વળતરની રકમ હાલ મહત્વપૂર્ણ નથી. પરંતુ આવી ઘટનામાં કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો તેનું થાત તે વિચારવા જેવું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે