પિતાનો વલોપાત - 22 વર્ષે અમને સંતાનપ્રાપ્તિ થઈ હતી, અને 2 મિનિટમાં દીકરાને જીપ નીચે કચડી નાંખ્યો
Trending Photos
- કવિશના માતા પિતાને 22 વર્ષ બાદ ભગવાને સંતાન પ્રાપ્તિનું સુખ આપ્યું હતું, પણ માત્ર 7 જ વર્ષમાં આ બાળક પણ ભગવાને છીનવી લીધો
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના માંજલપુર વિસ્તારમાં હિટ એન્ડ રન (hit and run) ની સમસમી જવાય તેવી ઘટના બની છે. રેસિંગ જીપના તોતિંગ જીપ નીચે 7 વર્ષનો માસુમ બાળક કચડાયો હતો, અને તેનુ ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું. હિટ એન્ડ રનના આ બનાવમાં પટેલ પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો છે. જે દીકરાને પામવા માટે પરિવારે 22 વર્ષ રાહ જોઈ હતી, તેને એક ઝાટકે જીપચાલકે પૈડા નીચે કચડી નાંખ્યો.
જીપે સ્કુટી પર જતા પરિવારને અડફેટે લીધો
વડોદરાના માંજલપુર ભૂતિયા માતાના મંદિર પાસેના ખુલ્લા મેદાન પાસે ગઈકાલે સાંજે પૂર ઝડપે આવતો જીપ ચાલક સ્કુટી પર જતા એક જ પરિવારના ત્રણ સભ્યોને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં સ્કુટી પર સવાર ત્રણેયને ઈજા પહોંચી હતી. પણ 7 વર્ષના માસુમ કવિશ પટેલને વધુ ઈજા પહોંચતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જીપ ચાલક નશો કરેલી હાલતમાં હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જીપ ચાલકે આ અકસ્માત કર્યા બાદ અલવા નાકા પાસે જીપને ડિવાઈડર પર ગાડી ચડાવી હતી, જ્યાં તે જીપ છોડી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
જીપ આરએસપી નેતાના પુત્રની નીકળી
માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ છાસીયાએ કહ્યું કે, માંજલપુર પોલીસે જીપને કબ્જે લઈ જીપ ચાલકની તપાસ કરતા જીપ આર.એસ.પી નેતા ઘનશ્યામ ફૂલબાજેના પુત્ર દેઉલ ફૂલબાજેની હોવાનુ સામે આવ્યું છે. પોલીસે જીપ માલિક દેઉલ ફૂલબાજેના ઘરે જઈ તપાસ કરી હતી, પણ ઘર પર કોઈ નહિ મળ્યું. સાથે જ દેઉલે પોતાનો ફોન પણ બંધ કરી દીધો છે. મહત્વની વાત છે કે, પોલીસને જીપમાંથી એક ફોન, તલવારનું કવર અને નંબર પ્લેટ મળી આવી છે. માંજલપુર પોલીસે હાલમાં ફરાર દેઉલ ફૂલબાજેની શોધખોળ હાથ ધરી છે.
આરોપીને નહિ પકડે તો હું આત્મહત્યા કરી લઈશ - પિતા
મૃતક કવિશ પટેલના પિતા રાજેશ પટેલે ઝી 24 કલાકની સાથેની વાતચીતમાં કહ્યું કે, હજી પણ આરોપીને પોલીસ પકડી શકતી નથી. મારા દીકરાને ન્યાય નહિ મળે તો હું પણ આપઘાત કરી લઈશ. આરોપીને પોલીસ વહેલામાં વહેલી તકે પકડી પાડે. મારા દીકરાને ન્યાય અપાવે પોલીસ આરોપીઓ હજી સુધી. અમે ઘર પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.
સંતાનપ્રાપ્તિનું સુખ ભગવાને છીનવી લીધું
હિટ એન્ડ રનની ઘટનાને કલાકો વીતી ગયા બાદ પણ હજી સુધી પોલીસ આરોપીને પકડી શકી નથી. જેથી મૃતક બાળકના પરિવારે પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. મહત્વની વાત છે કે, મૃતક કવિશ પટેલને તેના માતા પિતાએ ગામડેથી તેના કાકાને ઘરે અભ્યાસ માટે મોકલ્યો હતો. ત્યારે મૃતક કવિશ ટ્યુશનથી પોતાની બે બહેનો સાથે ઘરે જતો હતો તે દરમિયાન જ જીપ ચાલકે અકસ્માત સર્જ્યો. મૃતક કવિશના માતા પિતાને 22 વર્ષ બાદ ભગવાને સંતાન પ્રાપ્તિનું સુખ આપ્યું હતું, પણ માત્ર 7 જ વર્ષમાં આ બાળક પણ ભગવાને છીનવી લીધો. જેથી કવિશનો પરિવાર તૂટી ગયો છે. તેના પિતા અને પરિવારના સભ્યોએ પોલીસ પાસે આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સાથે જ મૃતકના પિતા રાજેશ પટેલે આરોપી નહિ પકડાય અને કડક કાર્યવાહી નહી થાય તો આપઘાત કરી લેવાની પણ ચીમકી ઉચ્ચારી છે. કલાકો બાદ પણ આરોપી નહિ પકડાતા પરિવાર પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે