સરકારી કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ પાસે કરાવાયું મજૂરી કામ, બનાસકાંઠાની સ્કૂલનો વીડિયો થયો વાયરલ
બનાસકાંઠા જિલ્લાની એક સ્કૂલમાં મંગળવારે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ પાસે બાંકડા ઉપાડવામાં આવ્યા છે, જેનો વીડિયો વાયરલ થતાં વિવાદ થયો છે.
Trending Photos
બનાસકાંઠાઃ શાળાએ અભ્યાસ કરવાં જતાં બાળકો પાસે ક્યારેક એવું કામ કરાવવામાં આવે છે જેની ખુબ ચર્ચા થતી હોય છે. હવે બનાસકાંઠાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેણે શિક્ષણ તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની સૂરજપુરા ગામની પ્રાથમિક શાળામાં મંગળવારે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ પાસે મજૂરની જેમ કામ કરાવવામાં આવ્યું છે.
બાંકડા ઉપાડવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ
પાલનપુરના સૂરજપુરા ગામની પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સરકારી કાર્યક્રમ માટે બહારથી ખુરશી અને ટેબલો મંગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળાના નાના વિદ્યાર્થીઓ પાસે આ બાંકડાઓ ઉપાડવામાં આવ્યા હતા. બાંકડા ઉપાડી ટેમ્પામાં મુકવાના હતા અને આ કામ વિદ્યાર્થીઓ કરતા જોવા મળ્યા હતા.
વાયરલ વીડિયો પ્રમાણે શાળામાં સેવાસેતુ કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારબાદ વિદ્યાર્થીઓ બાંકડા ઉપાડતા જોવા મળી રહ્યાં છે. આ બાંકડા વજનવાળા હોવાને કારણે વિદ્યાર્થીઓ તેને ઊંચકી શકતા નથી તે પણ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે શાળામાં અભ્યાસ કરવા જતાં બાળકો પાસે આ પ્રકારનું મજૂરી કામ કરાવવાનો વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતના શિક્ષણ વિભાગ પર સવાલો ઉઠી રહ્યાં છે.
વાલીઓમાં રોષ
સૂરજપુરા ગામની સ્કૂલનો આ વીડિયો વાયરલ થયા બાદ વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ પાસે ભારે વજનના બાંકડા ઉઠાવી તેને ટેમ્પોમાં ભરવાનું કામ આપવામાં આવ્યું હતું. વાલીઓ પણ હવે સવાલ ઉઠાવી રહ્યાં છે કે અમારા બાળકો શાળાએ અભ્યાસ કરવા જાય છે મજૂરી કરવા નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે