ગુજરાત પર મોટી આફત : આજથી 22 જાન્યુઆરી સુધી આવશે કમોસમી વરસાદ, અંબાલાલની આગાહી
IMD Weather Alert : વર્ષ 2025 ની શરૂઆતથી જ ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. શિયાળો અને વરસાદનું આવનજાવન ચાલુ છે. ત્યારે ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. કારણ કે, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. સ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થશે. ગુજરાતમાં પણ શરૂઆત થઈ ગઈ છે. અંબાલાલ પટેલે પણ ભરશિયાળે વરસાદની આગાહી કરી છે.
ઠંડી સાથે વરસાદ આવશે
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. પવન સાથે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે 22 જાન્યુઆરી સુધીમાં કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી છે. આગામી બે દિવસ વધુ ઠંડી પડે તેવી આગાહી તેમણે કરી છે.
ડાંગ, વલસાડમાં આવ્યો કમોસમી વરસાદ
શુક્રવારે રાતે દક્ષિમ ગુજરાદતના ડાંગ અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ વિસ્તારના વાતાવરણમાં એકાએક મોટો પલટો આવ્યો હતો. ડાંગ જિલ્લાના ચીંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. તો વલસાડના ધરમપુર તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠાથી ખેડૂતોની ચિંતા વધી છે. છેલ્લા ચાર દિવસથી વાદળછાયા વાતાવરણથી શિયાળુ પાક પકવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. બીજીતરફ ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણથી રમણીય દ્રશ્યો જોવા મળ્યા.
11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
દેશના હવામાન વિભાગે આગાહી કરી છે કે, નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન બદલાશે. હવામાન વિભાગે મેદાની વિસ્તારોમાં પણ હળવા વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આગાહી અનુસાર, 20 જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ પછી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 21 અને 23 જાન્યુઆરી સુધી વરસાદ અને હિમવર્ષામાં વધારો થશે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 21 થી 23 જાન્યુઆરી દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. 21 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
Trending Photos