ભુજ વિધાનાસભા બેઠક : વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષની બેઠક કોને તારશે? જાણો ભુજના રાજકીય સમીકરણો
Gujarat Elections 2022 : વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષની બેઠક પર પુરો થશે કોંગ્રેસનો વનવાસ? કે પછી ફાવશે AAP?
Trending Photos
અમદાવાદ :કચ્છ જિલ્લાની 6 માંથી ભુજ સહિતની પાંચ બેઠકો ભાજપ પાસે છે. જ્યારે એક જ કોંગ્રેસ પાસે છે. કચ્છ જિલ્લાની અતિ મહત્વની વિધાનસભા બેઠક ભુજ છે. કચ્છ જિલ્લાનું મોટું શહેર ભુજ છે. રાજ્યનો સૌથી મોટો જિલ્લો એટલે કચ્છ અને તેનું વડુ મથક અને સૌથી મોટું શહેર એટલે કે ભુજ. ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા કચ્છ જિલ્લાની 6 માંથી ભુજ સહિતની પાંચ બેઠકો ભાજપ પાસે છે. જ્યારે એક જ કોંગ્રેસ પાસે છે. ગ્રામીણ અને શહેરી તેમજ NRI મતદારો ધરાવતી બેઠક નિર્ણાયક છે. અને એટલે જ તેના પર હાર-જીત મહત્વની છે.
ભુજનું મહત્વ વધારે એટલા માટે છે, કારણ કે આ બેઠકે ગુજરાતને પહેલા મહિલા વિધાનસભા અધ્યક્ષ આપ્યા છે. નિમાબેન આચાર્ય છેલ્લી બે ટર્મથી ભુજથી ચૂંટાતા આવે છે અને 27 સપ્ટેમ્બર 2021ના તેમણે વિધાનસભાના પહેલા મહિલા અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. તેમની બેઠક હોવાના કારણે જ ભુજ હાઈપ્રોફાઈલ બની છે.
ભુજમાં ક્યા પરિબળો અસરકારક?
ભૌગોલિક અને આર્થિક દ્રષ્ટિએ કચ્છ જિલ્લાની મહત્વની બેઠક ભુજ છે. જ્યાં કુલ 2 લાખ 90 હજાર 976 મતદારો છે. જેમાંથી 1 લાખ 48 હજાર 211 પુરુષ અને 1 લાખ 42 હજાર 764 મહિલા મતદારો છે. અને એક અન્ય મતદાર છે. આ બેઠક પણ રાજકીય નિર્ણયો લેવામાં પાટીદાર, દલિત, મુસ્લિમ, લોહાણા, જૈન, બ્રાહ્મણ સહિતની જ્ઞાતિના લોકો ભાગ ભજવે છે. જેમાં પાટીદારોની વસતિ સૌથી વધારે છે. એટલે જ ભુજને સર કરવા માટે જ્ઞાતિગત સમીકરણો મોટો ભાગ ભજવે છે.
ભુજ બેઠકનો ઈતિહાસ
વર્ષ | વિજેતા ઉમેદવાર | પક્ષ |
2017 | ડૉ. નીમાબેન આચાર્ય | BJP |
2012 | ડૉ. નીમાબેન આચાર્ય | BJP |
2007 | વાસણ આહિર | BJP |
2002 | આહિર શિવજીભાઈ | INC |
1998 | ઝવેરી મુકેશભાઈ | BJP |
1995 | ઝવેરી મુકેશભાઈ | BJP |
1990 | ગઢવી પુષ્પાબેન | BJP |
1985 | પંચોલી કુમુદીની | INC |
1980 | શાહ મોહનલાલ | INC |
1975 | ધોળકીયા કુંદનલાલ | NCO |
1972 | રામજી ઠાકર | INC |
1967 | એમએમ મહેતા | INC |
1962 | ગુલાબશંકર અમૃતલાલ | SWA |
2022 માં શું થશે?
1962થી અત્યાર સુધીમાં ભુજ વિધાનસભા બેઠક પર 13 વખત ચૂંટણી થઈ છે. જેમાં ભાજપ છ વાર જીત્યું છે. જ્યારે કોંગ્રેસ પાંચ વાર જીત્યું છે. છેલ્લી 3 ટર્મથી આ બેઠક ભાજપ જીતી રહ્યું છે. ત્યારે આ બેઠક પર આ વખતે ટક્કર રસપ્રદ રહેશે. કારણ કે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો છે. આમ આદમી પાર્ટીએ ભુજ વિધાનસભા બેઠક માટે લેઉઆ પટેલ સમાજના રાજેશ પિંડોરિયાના નામની જાહેરાત કરી છે. જેથી ભુજ બેઠક પરનો જંગ આ વખતે રસપ્રદ બની રહેશે તે નક્કી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે