ગુજરાતમાં વરસાદ છતા પણ સાબરકાંઠા જિલ્લામાં લોકોને ઉનાળે તરસ્યા રહેવું પડે તેવી સ્થિતિ
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા : જીલ્લામાં ઓછા વરસાદને લઈ હાલમાં ડેમની સપાટીઓમાં કોઈ વધારો થયો નથી. જેના કારણે હાલ તો ડેમના તળીયા પણ દેખાઈ રહ્યા છે, અને જો વરસાદ ખેંચાય તો પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ શકે તેમ છે. સાબરકાંઠા જીલ્લાના ૮ તાલુકા ૬ જેટલા જળાશયો આવેલા છે. ધરોઈ જળાશય સાથે મળીને ૭ જળાશય થાય છે. જળાશયની પરિસ્થિતિ વાત કરીએ તો ગત સાલ કરતા આ વર્ષે સરેરાશ ૨ ટકાથી લઈને ૧૪ ટકા સુધીનો જથ્થો ઓછો છે. તો હાલની પરિસ્થિતિ એવી છે કે, સિંચાઈ માટે પણ પાણી આપી શકાય તેમ નથી તો ડેમના તળીયા નીચા જવાથી કુવાના સ્તર પર નીચા ગયા છે. હાલ વરસાદ ખેચાતા ખેતી માત્ર ઝરમર વરસાદથી પાક માત્ર લીલો થઈ રહ્યો છે પરંતુ જો વધુ વરસાદ નહિ આવે તો ચોક્કસ પણે ખેતીમાં પણ નુકસાન જવાની ભીતી સેવાઈ રહી છે અને કુવાના તળ પણ નીચે જશે.
સાબરકાંઠા જીલ્લામાં આવેલ જળાશયની વાત કરીએ તો ગુહાઈ જળાશયમાં ૧૧ ટકા, હાથમતી માં ૩૧.૮૫ ટકા, હરણાવ જળાશયમાં ૨૯.૮૫ ટકા, ખેડવામાં ૧૨.૪૯ ટકા અને ધરોઈમાં ૩૪.૦૭ ટકા પાણીનો જથ્થો છે. જે ગત સાલ કરતા પણ આ વર્ષે ઓછો છે. રીચાર્જ જવાનપુરા અને ગોરઠીયામાં ૯ ઓગસ્ટ પછી ગેઈટ બંધ કરાશે ત્યારે પાણીનો સંગ્રહ થશે. પરંતુ સરેરાશ જળાશયોની વાત કરીએ તો આ વર્ષે ૨ ટકાથી લઈને ૧૪ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જેને લઈને જળાશયની સ્થિતી વિકટ બની છે, અને જો વરસાદ વધુ પાછો ખેચાય તો સિંચાઈ તો ઠીક પણ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે તેમ છે. ગુહાઈ જળાશય કે જે હિંમતનગર સહિત અન્ય તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાનુ પાણી પુરુ પાડે છે પરંતુ વરસાદ ખેંચાય તો સમસ્યા સર્જાઈ શકે તેમ છે. ચોમાસું શરુ થયું ત્યારથી અત્યાર સુધીમાં વરસાદ પડ્યો છે પણ છુટો છવાયો અને ઝરમર પડ્યો છે. તો જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં તીવ્રતા સાથે વરસાદ પડ્યો નથી. જેથી હાલમાં કોઈ પણ જળાશયમાં આવક હજુ સુધી થઇ નથી વરસાદ થયો છે પણ જળાશયો ખાલી થઇ રહ્યા છે.
હાલ તો ગુહાઈ જળાશય પીવાનુ પાણી પુરુ પાડે છે પરંતુ નર્મદામાંથી પાણી નાખવામાં આવે તો આવનાર સમયમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે નહિ. અન્ય જળાશયોની વાત કરીએ તો વરસાદ વધુ પડે તો જ જળાશયની સપાટીમાં વધારો થાય તેમ છે. જેથી હાલ તો કુદરત પર આશ રાખી લોકો બેઠા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે