Saif Ali Khan Case: પરોઠું-પાણીની બોટલ, CCTV...સૈફ પર જીવલેણ હુમલો કરનારો કેવી રીતે પકડાયો તે ખાસ જાણો
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના જ ઘરમાં ચોરીના ઈરાદે આવેલા વ્યક્તિએ જીવલેણ હુમલો કર્યો અને સૈફ મોતના મુખમાંથી પાછા આવ્યા એવું કહીએ તો ખોટું નહીં હોય. આ હુમલાખોર આખરે કેવી રીતે પકડાયો તે પણ જાણવા જેવું છે.
Trending Photos
સૈફ અલી ખાનના ઘર પર હુમલો કરનારાને પોલીસે રવિવારે સવારે થાણા વિસ્તારમાંથી પકડ્યો. ધરપકડ બાદ કોર્ટ તરફથી હુમલાખોરની 5 દિવસની પોલીસ કસ્ટડી પણ મળી છે. પરંતુ શું તમે જાણો છો કે આખરે આ હુમલાખોર કેવી રીતે પોલીસને હાથે ચડ્યો? કઈ કઈ ચીજોએ પોલીસને મદદ કરી. વાત જાણે એમ છે કે પોલીસને તેને પકડવા માટે ગૂગલ પે, પરોઠા, અને પાણીની બોટલ જેવી વસ્તુઓએ ખુબ મદદ કરી છે.
ગૂગલ પે, પરોઠા, પાણીની બોટલ...
મીડિયા રિપોર્ટ્સ મુજબ ગૂગલ પે દ્વારા પરોઠા અને પાણીની બોટલ માટે કરાયેલું પેમેન્ટ મુંબઈ પોલીસ માટે એક મહત્વનો પુરાવો સાબિત થયો. જેણે મોહમ્મદ શરીફુલ ઈસ્લામ (30) સુધી પોલીસને પહોંચાડી દીધી. ગૂગલ પેના આ ટ્રાન્ઝેક્શનની મદદથી આરોપીનો મોબાઈલ નંબર મળ્યો જેને ટ્રેસ કરીને પોલીસ થાણા સુધી પહોંચી. ત્યાં વધુ એક પુરાવો મળ્યા બાદ પોલીસે એક મજૂર કેમ્પ પાસે ગાઢ જંગલમાં શોધ શરૂ કરી.
ટીવી પર ફોટો જોઈ ડરી ગયો
એવું કહેવાય છે કે લગભગ 100 પોલીસકર્મીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા. સર્ચ દરમિયાન ટીમ લગભગ પાછી ફરવાની હતી અને અચાનક એક ટોર્ચના પ્રકાશમાં જમીન પર કોઈ વ્યક્તિ સૂતેલો દેખાયો. એક અધિકારી જેવા નજીક ગયા કે તે વ્યક્તિ ભાગવાની કોશિશ કરવા લાગ્યો. ત્યારબાદ પોલીસે તેને પકડી લીધો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે જ્યારે તેણે ટીવી પર અને યુટ્યુબ પર પોતાનો ફોટો જોયો તો તે ડરી ગયો હતો અને થાણા ભાગી ગયો. તેણે જણાવ્યું કે તે પહેલા પણ થાણામાં એકવાર કામ કરી ચૂક્યો છે અને તે વિસ્તારથી તે પરિચિત હતો.
મોબાઈલ કવર ખરીદ્યું
પોલીસે પહેલા આરોપીને બાન્દ્રા રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજથી ટ્રેક કર્યો હતો. ત્યારબાદ દાદર સ્ટેશન બહાર તેણે એક દુકાનમાંથી મોબાઈલ કવર ખરીદ્યું, પરંતુ ત્યાં તેણે કેશ પેમેન્ટ કર્યું હતું. પછી તે કબૂતરખાના અને વરલી તરફ આગળ વધ્યો. વરલીના સેન્ચ્યુરી મિલ પાસે એક સ્ટોલ પર પોલીસને આરોપીનો પુરાવો મળ્યો. સીસીટીવી ફૂટેજમાં તે સ્ટોલ માલિક સાથે બેવાર વાતચીત કરતો દેખાયો. પોલીસે સ્ટોલ માલિકની ઓળખ કરતા તે નવીન એક્કા હતો અને જાણવા મળ્યું તે કોલીવાડામાં રહે છે.
પોલીસે કેવી રીતે મેળવ્યો મોબાઈલ નંબર
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે એક્કા જય હિન્દ મિત્ર મંડળમાં રહેતો હતો પરંતુ તે ઘર બંધ હતું. ત્યારબાદ મકાન માલિક રાજનારાયણ પ્રજાપતિના પુત્ર વિનોદે પોલીસને એક્કાનો મોબાઈલ નંબર આપ્યો. એક્કાની પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીએ પરોઠા અને પાણીની બોટલના પૈસા ગૂગલ પેથી ચૂકવ્યા હતા. આ મોબાઈલ નંબરથી પોલીસે થાણાના કાસારવડાવલી મજૂર કેમ્પમાં આરોપીનો મહત્વનું પુરાવો મેળવ્યો.
20 ટીમોએ લીધી કેમ્પની તલાશ
કેમ્પમાં આરોપી અંગે જાણકારી મળી કે તેણે થોડા મહિના પહેલા એક કોન્ટ્રાક્ટર અમિત પાંડે સાથે કામ કર્યું હતું. લગભગ 20 ટીમોએ કેમ્પમાં તલાશી લીધી પરંતુ આરોપી ત્યાંથી ભાગી ચૂક્યો હતો અને તેણે શનિવારે રાતે 10 વાગ્યાની આસપાસ પોતાનો ફોન બંધ કરી દીધો. ત્યારબાદ પોલીસે કેમ્પ પાસે મેન્ગ્રોવ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને આખરે ડીસીપી નવનાથ ધાવલેના નેતૃત્વમાં આરોપી પકડાયો.
આંતરરાષ્ટ્રીય ષડયંત્ર કે શું?
કોર્ટમાં મુંબઈ પોલીસે સંભવિત આંતરરાષ્ટ્રીય ષડયંત્રની તપાસ માટે શહજાદની 14 દિવસી કસ્ટડી માંગી કારણ કે તે બાંગ્લાદેશી નાગરિક છે. જો કે કોર્ટે 5 દિવસની કસ્ટડી મંજૂર કરી અને કહ્યું કે આંતરરાષ્ટ્રીય ષડયંત્રથી ઈન્કાર કરી શકાય નહીં. જો કે કોર્ટમાં શહજાદનું પ્રતિનિધિ કરતા વકીલે તર્ક આપ્યો કે તે બાંગ્લાદેશી નહીં પરંતુ મુંબઈમાં રહેતો ભારતીય નાગરિક છે.
શરીફુલને બલિનો બકરો બનાવાય છે?
આરોપીના વકીલે આગળ કહ્યું કે આ મામલાને બિનજરૂરી રીતે વધારીને રજૂ કરાય છે. કારણ કે તેમાં સૈફ અલી ખાન સામેલ છે. નહીં તો એક સામાન્ય રીતે આ મામલો ગણાત. આરોપી એક યુવક છે જેનું કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી અને તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે