બ્રેકિંગ ન્યૂઝ : હોબાળા બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યો સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ

Gujarat Congress MLA Suspend In Vidhansabha : રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોનો ગૃહમાં હોબાળો... વિરોધ કરી રહેલા નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા.... કાળા કપડાં પહેરીને પહોંચ્યા હતા કોંગ્રેસના તમામ ધારાસભ્યો....

બ્રેકિંગ ન્યૂઝ : હોબાળા બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યો સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ

Gujarat Congress : ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો. રાહુલ ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ દેખાવ કર્યા હતા. વિધાનસભા પ્રવેશ દ્વાર પાસે ધારાસભ્યોએ નારેબાજી કરી હતી. રાહુલ ગાંધી સામે થયેલ કાર્યવાહીનો ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. અદાણી મામલે જેપીસીની કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ હતી. જેના બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ દ્વારા નિયમ 51 હેઠળ કોંગ્રેસ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. જેના બાદ કોંગ્રેસના ધારાસભ્યોને ટીંગાટોળી કરીને ગૃહની બહાર કાઢવામાં આવ્યા. આજના એક દિવસ માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. જોકે, બાદમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોને વિધાનસભાના સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલા દેખાવો અને અધ્યક્ષની ટકોર પછી પણ નહીં માનતા તેઓને એક દિવસ માટે જ નહીં પણ સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મૂકવામાં આવી હતી. આ દરખાસ્તને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતુ. જેના અંતે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને વિધાનસભાના સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીની સભ્યતા રદ કરાતા યૂથ કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. વિપક્ષના અનેક સભ્યો કાળા કપડાં પહેરીને સંસદ ભવનમાં પહોંચ્યા છે. આજે સભ્યતા રદ કરવાનો મુદ્દો કોંગ્રેસ સંસદમાં ઉઠાવશે. ત્યારે રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસનો રાજ્યભરમાં વિરોધ ચાલી રહ્યો છે. કાળા કપડાં પહેરી ગુજરાત કોંગ્રેસ નેતાઓએ વિધાનસભાના પગથિયે વિરોધ દર્શાવ્યો.

વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવા મુદ્દે વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, કોઇ કાયદો હોવા ન છતાં વિપક્ષનું પદ અપાયુ નથી. પહેલાં માહિતી ૧૦ વર્ષની મળતી અત્યારે ૨ વર્ષથી વધારે માહિતી નથી આપતા. કેટલાક વિભાગ માં માહિતી અધિકારનો કાયદો નથી લાગતો. બંધારણીય સંસ્થામાં વિપક્ષને બોલવા ન દેવા, ધારાસભામાં કોંગ્રેસને માત્ર ૧૪ મિનિટ એ બતાવે છે કે કોઇએ કંઇ બોલવાનું નહી. જિગ્નેશ મેવાણી પર કેમ કેસ થયા ? હાર્દીક પટેલ કેમ ભાજપમાં ગયો ? બધા કેસ સમાપ્ત અને હાર્દીક પટેલ પવિત્ર છે. સુરતની હકીકત પણ આવનારા દિવસોમાં સામે આવશે. ભાજપની સરકાર તાનાશાહી કરી રહી છે. કોંગ્રેસ  વિરોધ કરે એ ભાજપને પોષતું નથી એ પણ કોઇ પણ સ્થળ હોય.

કોંગ્રેસના ધારાસભ્યોની ગેરહાજરીમાં પ્રશ્નોત્તરી શરૂ કરાઈ
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા બાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, ગુજરાતના પ્રજાના પ્રશ્નોના સમયને આ રીતે રાજકીય વિરોધ માં બગાડી શકાય નહીં એટલે કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. પ્રશ્નોત્તરી બાદ આ સંદર્ભે સંસદીય મંત્રી પોતાને જે કહેવું હોય તે કહે. અધ્યક્ષની ટકોર બાદ કોંગ્રેસના સભ્યોની ગેરહાજરીમાં પ્રશ્નોત્તરીનો પ્રારંભ કરાયો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news