હવામાન વિભાગનો મોટો ધડાકો : જાન્યુઆરીમાં ફરી એકવાર આવશે વરસાદ, આ જિલ્લાઓમાં છે આગાહી
IMD Weather Alert : રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થતા લોકોને રાહત થઈ છે. બર્ફિલા પવનનું જોર ઘટતા ઠંડીમાં ઘટાડો થયો છે. એક દિવસમાં તાપમાનનો પારો 2 ડિગ્રી ઉંચકાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતા ઠંડીમાં રાહત અનુભવાઈ છે. હજુ ત્રણ દિવસ ઠંડીમાં કોઈ વધારો નહિ થાય. પરંતું ત્રણ દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો વધવાની આગાહી છે. આ સાથે જ જાન્યુઆરીમાં વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બદલાવાનું છે. કારણ કે જાન્યુઆરીમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે.
જાન્યુઆરીમાં ફરી એકવાર વરસાદ આવશે
જાન્યુઆરીના અંતમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. પવન સાથે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે 22 જાન્યુઆરી સુધીમાં કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી છે. આગામી બે દિવસ વધુ ઠંડી પડે તેવી આગાહી તેમણે કરી છે.
મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે
દેશના હવામાન વિભાગે આગાહી કરી છે કે, નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન બદલાશે. હવામાન વિભાગે મેદાની વિસ્તારોમાં પણ હળવા વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આગાહી અનુસાર, 20 જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ પછી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 21 અને 23 જાન્યુઆરી સુધી વરસાદ અને હિમવર્ષામાં વધારો થશે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 21 થી 23 જાન્યુઆરી દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. 21 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
ક્યાં ક્યાં વરસાદનું છે એલર્ટ
18 જાન્યુઆરીથી સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાલયના પ્રદેશ અને ઉત્તર પશ્ચિમના મેદાનોમાં હવામાન બદલાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 22 જાન્યુઆરી દરમિયાન પર્વતીય રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. 21 અને 22 જાન્યુઆરીએ રાજસ્થાન, ચંદીગઢ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના છે. તામિલનાડુ અને કેરળમાં 19 જાન્યુઆરીએ ભારે વરસાદનું એલર્ટ છે.
Trending Photos