શાળામાં નવું બિલ્ડીંગ, વિદ્યાર્થીઓ ભણવા માટે તૈયાર, પરંતુ શિક્ષકોની અછતને કારણે બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ
ગુજરાતમાં શાળાઓ અને શિક્ષકોનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહે છે. શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોએ અનેક વખત આંદોલન પણ કર્યાં છે, પરંતુ ભરતી ન થતાં શાળાઓમાં શિક્ષકોની અછતને કારણે બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે.
Trending Photos
અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ તમે ગુજરાતમાં જર્જરિત અનેક શાળાઓ જોઈ હશે...કે પછી વિદ્યાર્થીઓ વગરની શાળાઓ જોઈ હશે. તો સુવિધા વગરની શાળા પણ જોઈ હશે...પરંતુ અમે આપને એક એવી શાળા વિશે આજે વાત કરીશું...જે શાળાનું બિલ્ડીંગ નવું નક્કોર છે, અનેક સુવિધાથી સજ્જ છે આ શાળા. શાળામાં પુરતા વિદ્યાર્થીઓ પણ છે. પરંતુ નથી તો શિક્ષકો...હા શિક્ષકોની અછતને કારણે શાળા મરણપથારીએ પહોચી ગઈ છે...ત્યારે શિક્ષકોની અછત પર વાલીઓ કેવા વિફર્યા?, અને કઈ છે આ શાળા?, જુઓ આ અહેવાલમાં....
જુઓ આ છે એ શાળા...જ્યાં તમને શાળાનું સારી સુવિધાવાળુ બિલ્ડીંગ જોવા મળશે...તમામ સુવિધાથી સજ્જ આ શાળામાં પુરતા વિદ્યાર્થીઓ પણ છે...અહીં સરકાર કે સરકારી તંત્રએ નતો પ્રવેશોત્સવ કરવો પડે છે, નતો ગુણોત્સવ કરવો પડે છે...એક પણ ઉત્સવ વગર તમામ વિદ્યાર્થીઓ શાળામાં આવે છે અને પોતાની રીતે ભણે પણ છે...અછત છે તો માત્ર શિક્ષકોની...હા શિક્ષકો વગર કેમ ભણવું તે વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને ખબર નથી પડતી....બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ડાભી ગામની આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં છેલ્લા 12 મહિનાથી માત્ર બે શિક્ષક પર ભૂલકાઓનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે...પરંતુ ધોરણ 9થી 12ના 195 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે શિક્ષકો હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘોર અંધકારમાં મુકાયેલું છે....તેથી જ આ મામલે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પરિણામ ન આવતાં વાલીઓ વિફર્યા અને શાળાની તાળાબંધી કરી હતી.
શું છે સમસ્યા?
બનાસકાંઠાના ડાભી ગામની શાળામાં છેલ્લા 12 મહિનાથી માત્ર 2 શિક્ષક
ધોરણ 9થી 12ના 195 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 શિક્ષક
વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘોર અંધકારમાં મુકાયેલું છે
ડાભી ગામની આ શાળામાં 7 શિક્ષકનું મહેકમ છે પરંતુ હાલ માત્ર બે શિક્ષક પર શાળા ચાલે છે. વારંવાર માગણી છતાં કાયમી શિક્ષકની નિમણૂક ન કરવામાં આવતાં વાલીઓએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી શિક્ષકની નિમણૂક કરવામાં નહીં આવે ત્યાં સુધી શાળાના તાળા ખોલવામાં નહીં આવે....
તો આ મામલે અમે જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કર્યો અને શિક્ષકોની ઘટ પર પ્રશ્ન કર્યો તો તેમણે આશ્વાસન આપ્યું કે આગામી સમયમાં ગામ લોકોની માગણી પુરી કરાશે...
જિલ્લા શિક્ષણ અધિકારી જ નહીં અમે શિક્ષકોની અછત અને બાળકોના બગડતાં ભણતર પર રાજ્યના શિક્ષણ મંત્રીને પણ સવાલ કર્યો....મા અંબાના દર્શન માટે આવેલા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને આ મામલે પ્રશ્ન કર્યો તો તેમણે જવાબ આપ્યો કે, માધ્યમિક શાળાઓમાં ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે ટૂંક સમયમાં જ આ ભરતી પ્રક્રિયા થવાની છે અને જે શિક્ષકોની ઘટ છે તે પણ જલદી પૂરી થઈ જશે....
ગુજરાત મોડલની દેશમાં ચર્ચાઓ થાય છે. ગુજરાત બહાર અનેક લોકો ગુજરાત મોડલના વખાણ પણ કરે છે પરંતુ એ લોકોને ખબર નથી કે તમે જે વખાણ કરી રહ્યા છો ત્યાં આવી પોલંપોલ પણ ચાલે છે...ગુજરાતમાં અનેક શાળાઓ જર્જરિત છે, ઓરડા વગરની છે. તો ક્યાંક વિદ્યાર્થીઓ નથી..પરંતુ બનાસકાંઠાની આ શાળામાં તો શિક્ષકો જ નથી...ખબર નહીં કે શિક્ષણ એ દરેક વ્યક્તિનો અધિકાર છે તે અધિકારીથી પણ બાળકોને વંચિત રાખવાનું કામ સરકાર કેમ કરી રહી છે?...સરકારે એ ન ભૂલવું જોઈએ કે દેશ કે પછી રાજ્યના વિકાસમાં પાયો શિક્ષણ જ હોય છે. જો શિક્ષણ જ નહીં હોય તો વિકાસનો કોઈ મતબલ નથી...ત્યારે આશા રાખીએ કે જલદી શિક્ષકની નિમણૂક થશે અને રાજ્યની જે પણ શાળામાં જે જરૂરિયાત છે તે સરકાર વહેલી તકે પૂર્ણ કરશે....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે