પેપર લીક કાંડ: NSUI અને કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં વિરોધ, સુરતમાં યોજાયું CMનું બેસણું
લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા કોંગ્રેસ અને NSUI દ્વારા રાજ્યમાં ઠેર-ઠેર દેખાવો સાથે વિરોધ કરીને કર્યા ચક્કાજામ
Trending Photos
અમદાવાદ: લોકરક્ષકનું પેપર લીક થવા મામલે હવે કોંગ્રેસે રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસે પેપર લીક થવા માટે રાજ્ય સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરીને તમામ જિલ્લા મથકો પર આવેદન પત્ર આપ્યું છે. અમદાવાદમાં પણ લોકરક્ષકનું પેપર લીક થયા મામલે NSUIના કાર્યકરો વિરોધ કરે તે પહેલા પોલીસે કાર્યકરોની અટકાયત કરી છે. CTMમાં પેપર લીક થયા મામલે NSUIના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવાના હતા કાર્યકરોની અટકાયત કર્યાં બાદ રામોલ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.
જામનગરમાં પણ NSUIએ કર્યો ચક્કાજામ
લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા જામનગરમાં NSUIએ વિરોધ કર્યો હતો. અનુપમ ટોકીઝ સામેના રોડ પર NSUIના વિદ્યાર્થી નેતાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ લોકરક્ષક દળની પરીક્ષાના પેપરની હોળી કરી વિરોધ દર્શાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને NSUIના કાર્યકર્તાઓને વિરોધ કરતા અટકાવી ચક્કજામ દૂર કરવામાં આવ્યો..
વડોદરામાં પણ NSUIનો વિરોધ
વડોદરામાં લોકરક્ષક દળનું પેપર લીક થયા મામલે કોંગ્રેસ અને NSUIએ કોર્પોરેશન કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતા. મનપાના કર્મચારીનું નામ સામે આવતા કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી હતી. સમગ્ર મામલે યોગ્ય તપાસ થવી જોઇએ તે માગ સાથે કાર્યકરોએ પ્રદર્શન કર્યું.
વધુ વાંચો...પેપર લીક કૌભાંડ : આવી રીતે પાંચ આરોપીઓએ ફોડ્યું પેપર, જાણો સમગ્ર ઘટનાક્રમ
બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરાતા થઇ અટકાયત
બનાસકાંઠાના પાલનપુરમાં કલેક્ટર કચેરીમાં જતા જોરાવત પેલેસનો ગેટ બંધ કરી કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકરક્ષકનું પેપર લીક થવાના મામલે કોંગ્રેસ કાર્યકરોનો આક્રમક દેખાવ જોવા મળ્યો. જેને પગલે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. પોલીસે 4 કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત કરેલા કાર્યકરોને નહીં છોડવામાં આવે તો કોંગ્રેસે ધરણાં ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.
નવસારીમાં પણ પરીક્ષા રદ થતા વળતરની માગ
નવસારીમાં પણ લોકરક્ષકની પરીક્ષા રદ થતાં પરીક્ષાર્થીઓને વળતર ચૂકવવા માગ કરવામાં આવી છે. વાંસદાના ધારાસભ્ય અંનત પટેલે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં પેપર લીક થવાની ઘટનાને વહીવટી તંત્ર માટે શરમ જનક ગણાવી છે. અને કહ્યું છે કે, લોકશાહી ઉપર વિશ્વાસ કાયમ રહે એ માટે પરિક્ષાર્થીઓને આર્થિક સહાય સાથે મેરીટ મુજબ ભરતી કરવા માંગ કરી છે. પેપર લીક મામલે SITની રચના કરવાની માગ સાથે દોષીતોને કડક સજાની પણ માંગ કરી છે.
વધુ વાંચો...ભાજપમાં દીવા તળે અંધારા જેવો ઘાટ : આ 2 નેતા નીકળ્યા પેપર લિકના માસ્ટરમાઈન્ડ, પક્ષે કરી હકાલપટ્ટી
સુરતમાં રૂપાણીનું બેસણું કરી વિરોધ
સુરતના લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાને મામલે કોંગ્રેસનો ધરણાંનો કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો. કાર્યકરો દ્વારા યોગ્ય તપાસ થાય તે અંગેની માંગણી કરવામાં આવી છે. પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. જ્યારે NSUI દ્વારાતો વિરોધમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું બેસણું કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે