MP ચૂંટણીની સરખામણી ગુજરાત સાથે, શું માળવા બનશે મધ્ય પ્રદેશનું 'સુરત'? 

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના મતદાનને ચાર દિવસ વીતી ગયા છે. મુકાબલામાં સામેલ બંને મુખ્ય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ પરિણામની રાહ જોઈ રહી છે.

MP ચૂંટણીની સરખામણી ગુજરાત સાથે, શું માળવા બનશે મધ્ય પ્રદેશનું 'સુરત'? 

નવી દિલ્હી: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના મતદાનને ચાર દિવસ વીતી ગયા છે. મુકાબલામાં સામેલ બંને મુખ્ય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ પરિણામની રાહ જોઈ રહી છે. 230 વિધાનસભા બેઠકોમાં 116નો આંકડો મેળવો એ તેમનો પહેલો લક્ષ્યાંક છે. તેના ઉપરની સીટો જો મળે તો જનતાના આશીર્વાદ હશે તેવું તેઓ માને છે. 

આવામાં જે ગણિત ગણવામાં આવી રહ્યું છે તેમાં મધ્ય પ્રદેશની ચૂંટણીની સરખામણી ગુજરાત ચૂંટણી સાથે સતત થઈ રહી છે. ગુજરાતની ચૂંટણીની ખાસિયત એ હતી કે સમગ્ર ગુજરાતમાં બે પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર હતી અને બંનેને લગભગ બરાબર બેઠકો મળી. પરંતુ કોંગ્રેસ થોડી આગળ નીકળી જ હતી ત્યાં સૂરતની 20 બેઠકોના પરિણામે તેને હલાવી નાખી. જ્યાં ભાજપે એકતરફી રીતે 18 બેઠકો મેળવી લીધી. 

ભાજપે સુરતની આ બેઠકો એવા સમયમાં જીતી હતી જ્યારે જીએસટીને લઈને વ્યાપારીઓએ મહિનાઓ સુધી પોતાની દુકાનો બંધ રાખી હતી. કરોડો રૂપિયાનું નુકસાન ઉઠાવ્યું હતું. પોલીસનો લાઠીચાર્જ સહન કર્યો હતો. ચૂંટણીના ધૂરંધરો એવી અટકળો કરતા હતાં કે ભાજપ અહીં ખરાબ રીતે હારશે પરંતુ જ્યારે પરિણામ આવ્યું તો દરેક જણ સ્તબ્ધ થયા. 

સુરતનો કિસ્સો
સૂરતમાં આ દમદાર પ્રદર્શનના અનેક કારણો હતાં. સુરત ભાજપનો પરંપરાગત ગઢ હતો. આ ગઢને બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવી. અહીં તેમણે સી પ્લેન ઉડાવ્યું. છેલ્લા સમયમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે બળવાની એક ચિંગારીને પાર્ટી પ્રત્યે સદભાવનામાં ફેરવી. આ પ્રકારે સુરત જીતીને ભાજપ ગુજરાત જીતી ગયું. 

આવી જ કઈંક સ્થિતિ મધ્ય પ્રદેશની પણ છે. એમપીમાં ચંબલ-ગ્વાલિયર, બુંદેલખંડ, બઘેલખંડ, મહાકૌશલ અને સેન્ટ્રલ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. આ વિસ્તારોમાં એકતરફી કોઈ પણ પાર્ટીને સમર્થન મળવાની શક્યતા ઓછી છે. જો કે રાજકીય પંડિતોનું માનીએ તો કોંગ્રેસે પહેલેથી આગળ વધી રહી છે. 

mandsaur violence

માળવા-નિમાડ
આવામાં બધાની નજર માલવા નિમાડ પર છે. માલવા નિમાડનો અર્થ ઈન્દોર, ઉજ્જૈન અને મંદસૌર વગેરેનો વિસ્તાર. આ વિસ્તારમાં ભાજપ પરંપરાગત રીતે શક્તિશાળી છે. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન છેલ્લા 8 વખતથી ઈન્દોરના સાંસદ છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહની નજીક ગણાતા મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અહીંના પ્રમુખ નેતા છે અને તેમના પુત્ર પણ આ વખતે ચૂંટણીના મેદાનમાં છે. મધ્ય પ્રદેશ ભાજપના અનેક નેતાઓ પારસ જૈન, અર્ચના ચિટનિસ, અતરસિંહ આર્ય, વિજય શાહ અને બાલકૃષ્ણ પાટીદાર આ વિસ્તારમાંથી આવે છે. 

આ બાજુ કોંગ્રેસ તરફથી ચાર પૂર્વ મંત્રી સુભાષ સોજતિયા, નરેન્દ્ર નાહટા, હુકુમ સિંહ કરાડા અને બાલા બચ્ચન ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન સિંહ વર્મા અને વિજય લક્ષ્મી સાધૌ પણ અહીં જ ચૂંટણીના મેદાનમાં છે. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ ઉપાધ્યક્ષ જીત પટવારી પણ ચૂંટણી લડી રહ્યાં છે. કોંગ્રેસે જયસ નેતા ડો. હીરાલાલ અલાવાને પણ મેદાનમાં ઉતાર્યા છે. આદિવાસી વિસ્તારોમાં અલાવા એક નવી અપીલ બનીને ઉભર્યા છે. 

આ વિસ્તારમાં વિધાનસભાની 66 બેઠકો  છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને આ 66માંથી 56 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 9 બેઠકો ગઈ  હતી. એટલે કે આ વિસ્તાર પર કબ્જો જમાવવા માટે કોંગ્રેસે ખાસ્સી મહેનત કરવી પડશે. જો કોંગ્રેસ આ વિસ્તારમાં 30થી 35 બેઠકો નહીં જીતે તો તેના માટે ભોપાલના વલ્લભ સદનના દરવાજા ખુલશે નહીં. 30થી 35 બેઠકો જીતવાનો અર્થ એ છે કે કોંગ્રેસે અહીં પોતાના પ્રદર્શનમાં 3 થી 4 ગણો વધારો કરવો પડે. પ્રદર્શનમાં સુધારો ત્યારે આવે જ્યારે કોઈ પાર્ટીનો જબરદસ્ત અંડરકરન્ટ હોય.

મંદસૌરમાં ખેડૂતોનું આંદોલન
માળવા-નિમાનની આ સંવેદનશીલ સ્થિતિને ભાજપ અને કોંગ્રેસ બંને સમજે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ માટે ચૂંટણી પ્રચારની શરૂઆત માળવામાં ખેડૂત-મજૂર રેલીથી કર્યો હતો. અહીં જ તેમણે પહેલીવાર ખેડૂતોના દેવા માફ કરવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસે નિમાડની પસંદગી એટલા માટે કરી કારણ કે જૂન 2017માં મંદસૌરમાં ખેડૂતો પર ફાયરિંગ થયું હતું અને આ વિસ્તાર કૃષિ સંકટ અને ખેડૂતોના ગુસ્સાનું કેન્દ્ર બની ગયો હતો. 

આ નાજૂક સ્થિતિને સમજતા ભાજપે પણ માલવાને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવા માટે બધુ ખુલ્લું મૂકી દીધુ હતું. વોટિંગના 3 દિવસ પહેલા જ અમિત શાહ પોતે અહીં હાલાત પર નજર રાખી રહ્યાં હતાં. તે સમય સુધી ભાજપને જે ફીડબેક મળી રહ્યો હતો તે મુજબ પ્રદેશની 47 બેઠકો એવી હતી જેને પાર્ટી કાંટે કી ટક્કર ગણી રહી હતી. આ બેઠકોને ભાજપ તરફ વાળવા માટે છેલ્લી ઘડીએ દરેક દાવ પાર્ટીએ ફેંક્યો. જ્યાં જરૂર પડી ત્યાં પાર્ટીએ બળવાખોરોને મનાવ્યાં અને જરૂર પડી ત્યાં પોતાના ઉમેદવારોને પાછળ કરીને બળવાખોરોને આગળ ધપાવ્યાં જેથી કરીને કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસનો ઉમેદવાર જીતી ન શકે. 

કોંગ્રેસની સરખામણીમાં માલવા-નિમાડમાં ભાજપના પડકારો ઓછામાં ઓછા આંકડામાં તો સરળ દેખાય છે. કોંગ્રેસે જો પોતે 3થી 4 ગણું આગળ વધવું હશે તો બીજી બાજુ ભાજપે જો ગત વર્ષ કરતા અડધાથી વધુ એટલે કે લગભગ 35 બેઠકો પણ આ વિસ્તારની મળે તો માળવા-નિમાડના સાથથી જ મધ્ય પ્રદેશમાં સત્તા જળવાઈ શકે છે. 

વોટિંગ બાદ બંને પાર્ટીઓ દાવો કરે છે કે તેમણે પોતાના ભાગનું ગણિત માંડી લીધુ છે. પરંતુ અસલમાં બધુ જ મતદારોના હાથમાં છે. તેમણે મધ્ય પ્રદેશના આ સુરતની કેવી સૂરત બનાવી છે તે તો પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news