જામતારા પર જગત જમાદાર કરશે જમ્બો રિસર્ચ? જાણો શું હશે ખાસ વાત?
ઝારખંડના જામતારાથી અનેક ઓછું ભણેલાં કે પછી 12 ચોપડી પાસ યુવકો અત્યંત હાઈટેક સિસ્ટમની સિક્યોરિટીને ડિકોડ કરવામાં સફળ રહ્યાં છે. કૂતુહલ એ વાતનું છે કે આટલું ઓછું ભણેલાં આ યુવકો ટેક્નિકલી આટલા સાઉન્ડ કેવી રીતે?
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ નેટફ્લિક્સ પર ગયા વર્ષે આવેલી જામતારાઃ સબ કા નંબર આયેગા વેબસિરિઝ તો યાદ જ હશે! આ સિરિઝથી ખાસ્સું ચર્ચામાં આવેલું ઝારખંડનું જામતારા ઓનલાઈન ઠગાઈ એટલે કે સાયબર ક્રાઈમનું હબ મનાય છે. હવે આ જ જામતારાના ભેજાબાજોના ભેજાની કમાલ ચકાસવામાં એક અમેરિકન રિસર્ચ એજન્સીને રસ પડ્યો છે. આ રિસર્ચ એજન્સી જામતારા આવીને ઠગોનું લિટરલી બ્રેઇન મેપિંગ કરવા માગે છે.
“ઈતને પૈસે કમાકર તુમ ક્યા કરોગે?” જવાબ: “જામતારા કે સબસે અમીર આદમી બનેંગે” આ સંવાદ તો કદાચ આપને યાદ જ હશે. નેટફ્લિક્સની લોકપ્રિય વેબસિરિઝ જામતારાનો આ સંવાદ છે. એ જ જામતારા જે ઓનલાઈન ઠગાઇનું હબ બની ગયું છે. હવે આ જામતારા પર એક અમેરિકન એજન્સી રિસર્ચ કરવા જઇ રહી છે. અમેરિકન એજન્સીને શું જાણવું છે એ જ્યારે તમે જાણશો તો તમને વધારે નવાઈ લાગશે. આ અમેરિકન રિસર્ચ એજન્સીને રિસર્ચ એ કરવું છે કે આખરે આ સામાન્ય ગ્રામીણ વિસ્તારના તેમજ ઓછું ભણેલાં, ટેક્નોલોજી સાથે જેમનો બહુ ઓછો સંબંધ હોય શકે છે એવા યુવકો કેવી રીતે સારામાં સારી એન્ક્રિપ્ટેડ સિસ્ટમને ડિકોડ કરે છે? કેવી રીતે હજારોના એકાઉન્ટ હેક કરે છે? આ યુવકો ભણેલાં ઓછું હોય છે છતાં સાયબર ક્રાઈમ શાખા પણ હજુ આ આખા નેટવર્કનો પૂરો તોડ કાઢી શકી નથી.
ઝારખંડનું જામતારા આખા દેશમાં ઓનલાઈન ઠગાઈના કેન્દ્ર તરીકે બદનામ થઈ ચૂક્યું છે. સાયબર ક્રાઈમ માટે અહીંથી દેશભરના નાગરિકોને કોલ કરીને છેતરવામાં આવે છે. જ્યારે સાયબર ક્રાઈમનું કોઈ મોટું નેટવર્ક શોધવામાં આવે છે તો તેના તાર ચોક્કસથી જામતારા સુધી લંબાતા હોય છે. જામતારામાં ગેરકાયદે કોલ સેન્ટર બનાવીને લોકોને ઠગતા આરોપી મોટાભાગે ઓછું ભણેલા અથવા ગ્રેજ્યુએશન કરતાં વિદ્યાર્થીઓ પણ હોય છે. જામતારાની આ કુખ્યાતિ વિદેશ સુધી પહોંચતા હવે એક અમેરિકન એજન્સીને તેમાં રસ જાગ્યો છે. મજાની વાત એ છે કે અમેરિકન એજન્સીના રિસર્ચની આ વાત જામતારા સુધી પણ પહોંચી ગઈ છે. અને એ લોકો આ બાબતને ગર્વથી જોઇ રહ્યાં છે.
બ્રેઈન મેપિંગ કરીને ભેજાબાજોના કિમિયા જાણશે એજન્સી!
અમેરિકન એજન્સીએ જરૂરી કાયદાકીય મદદ માટે દિલ્હીમાં ડીજીપી સ્તરના અધિકારી સાથે બેઠક પણ કરી લીધી છે. અને આ અંગે સલાહ લેવા ઉપરાંત જરૂરી ચર્ચા કરવામાં આવી છે. આ તરફ જામતારાના એસીપી દિપક કુમાર સિંહાનું કહેવું છે કે તેમનો સંપર્ક હજુ કરવામાં આવ્યો નથી. પણ જો અમેરિકન એજન્સી આવું કોઈ રિસર્ચ કરવા માગે છે તો તેમનું સ્વાગત છે.
એજન્સી જામતારાના ઠગ યુવકોનું બ્રેઇન મેપિંગ કરી ડેટા કલેક્ટ કર્યાં બાદ તેનું એનાલિસિસ કરશે. એજન્સીને એ જાણવામાં ખુબ જ રસ છે કે એન્ક્રિપ્ટ કરેલી પેમેન્ટ સિસ્ટમ કે પછી આખે આખા એકાઉન્ટ હેક કરવાનું જ્ઞાન આ ઓછા ભણેલાં લોકો પાસે ક્યાંથી આવે છે? એ લોકો કંઈ રીતે ડીલ કરે છે? ઓનલાઈન છેતરપિંડીના આ કિમિયાગરોનો ડેટા કલેક્ટ કર્યાં બાદ જ્યારે આ એજન્સી તેનું એનાલિસિસ કરશે ત્યારે જે પરિણામ મળશે એ જાણવું ઘણું જ રસપ્રદ હશે. હાલમાં તો જોવાનું એ છે કે આ એજન્સી તેના રિસર્ચવર્કમાં આગળ વધી શકશે ખરી?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે