વર્ષમાં એકવાર માત્ર દેવ દિવાળીએ ખૂલે છે ગુજરાતનું આ મંદિર, સૂર્યાસ્ત પહેલા દરવાજા બંધ કરી દેવાય છે
Dev Diwali 2024 : આજે દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે દેવદિવાળીનું મહાપર્વ... વહેલી સવારથી મંદિરોમાં ભક્તોની ભીડ... પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા છે... ત્યારે ગુજરાતની ધાર્મિક નગરી પાટણમાં બિરાજમાન કાર્તિકેય સ્વામી ભગવાનનું મંદિર વર્ષમાં એકવાર દેવ દિવાળીના દિવસે જ ખૂલે છે. ત્યારે કાર્તિકેય પૂર્ણિમા નિમિત્તે આજે મંદિરના દ્વાર ખૂલતા દર્શન કરવા ભક્તોનું ઘોટાપૂર ઉમટ્યું
Trending Photos
Patan News પ્રેમલ ત્રિવેદી/ પાટણઃ ધાર્મિક નગરી પાટણમાં બિરાજમાન કાર્તિકેય સ્વામી ભગવાનનું મંદિર વર્ષમાં એકવાર જ ખુલે છે. ત્યારે કાર્તિકેય પૂર્ણિમા નિમિતે આજે મંદિરના દ્વાર ખુલતા દર્શન કરવા ભક્તોનું ઘોટાપૂર ઉમટી પડ્યું છે. પાટણમાં આવેલ પ્રાચીન છત્રપતેશ્વર મહાદેવ મંદિરમાં શિવ પરિવાર એક સાથે બિરાજમાન છે. જેમાં ખાસ કરી શિવના પુત્ર કાર્તિકેય ભગવાનનું મંદિર દર્શનાર્થે વર્ષમાં એક વાર જ ખુલ્લું મુકવામાં આવે છે. દેવ દિવાળીના દિવસે ભક્તો ભગવાન કાર્તિકેયના દર્શન કરી ધાન્યતા અનુભવે છે અને કાર્તિકેય પૂર્ણિમા જેના દિવસે કાર્તિકેયે ભગવાનનું મંદિર દર્શન માટે ખુલ્લું મુકવામાં આવે છે.
ભગવાન કાર્તિકેયની કહાની
પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન શિવના બે પુત્રો ગણેશ અને કાર્તિકેય ભગવાન વચ્ચે પૃથ્વીના ભ્રમણની શરત લાગી અને તે સમયે કાર્તિકેય ભગવાન પોતાના વાહન મોર લઇ સમય મર્યાદામાં પૃથ્વીનું સાત વાર ભ્રમણ કર્યું હતું. પરંતુ ભગવાન ગણેશ ચતુર હોઈ તેમને પૃથ્વીનું ભ્રમણ કરવાના બદલે પોતાના માતા-પિતાના સાત ફેરા કરી ભ્રમણ પૂરુ કરતા તમામ ભગવાને ગણેશના વખાણ કર્યા હતા અને ભગવાન શિવ ખુશ થઇ હતા. ગણેશના બે પત્નીઓ સાથે લગ્ન કરાવ્યા હતા ત્યારે ભગવાન કાર્તિકેય ક્રોધિત થઇ પોતાને શાપ આપ્યો હતો. જે મારું મુખ જોશે તે વિધવા થશે ત્યારે તમામ ભગવાન દ્વારા તેમને શાંત પાડી સમજવતાં તેમને નિર્ણય કર્યો હતો કે મારા મુખને વર્ષની શરૂઆતની પ્રથમ પૂર્ણિમાના દિવસે જે પરણિત મહિલાઓ મારા મુખના દર્શન કરશે તે સૌભાગ્ય વતી બનશે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ મળશે ત્યારથી ભગવાન કાર્તિકેયનું મંદિર વર્ષ માં એકવાર જ વાર ખુલે છે. મંદિરના દ્વાર ખુલતા મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક પહેરી દર્શનનો લાભ લીધો હતો.
સૂર્યાસ્ત પહેલા દરવાજા બંધ કરી દેવાય છે
નૂતન વર્ષ પછી આવતી પ્રથમ પૂર્ણિમા એટલે કે કાર્તિકેય ભગવાનના દર્શન કરવાની પૂર્ણિમા હોઈ તેને કાર્તિકેય પૂર્ણિમા કહેવામાં આવે છે. આ કાર્તિકેય પૂર્ણિમાના દિવસે જ પાટણમાં આવેલ છત્રપતેશ્વર મંદિરમાં સમગ્ર શિવ પરિવાર બિરાજમાન છે અને સાથે ભગવાન કાર્તિકેય પણ બિરાજમાન છે. અહીં સૂર્યોદય પેહલા ભગવાનના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા અને ભગવાનનું મુખ ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું. આ મંદિર અને ભગવાનનું મુખ સૂર્યાસ્ત પહેલા બંધ કરી દેવામાં આવે છે. જેથી આજે કાર્તિકેય ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ છે. આજે મંદિર ખુલતા સવારથી ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા.
પાટણમાં ગાયકવાડ સરકાર દ્વારા બનાવેલ પ્રાચીન મંદિરમાં કાર્તિકેય ભગવાનનું મુખ વર્ષમાં એકવાર જ જોવા મળે છે અને તેમના દર્શન માત્રથી ભક્તો ના દુઃખ દર્દ દૂર થતા હોઈ ભક્તો ભગવાન કાર્તિકેય પર અપાર શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે આવે છે.
શામળાજીના દર્શને ઉમટ્યા ભક્તો
અરવલ્લીના શામળાજી મંદિર ખાતે માનવ મહેરામણ ઉભરાયું. કાર્તિકે પૂનમના મેળાનો રંગ જામ્યો. દેવ દિવાળી નિમિત્તે વર્ષની પહેલી પૂનમના દર્શન કરવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શામળાજી મંદિર પહોંચ્યા છે. જય શામળિયાના નાદથી શામળાજી વિષ્ણુ મંદિર ગુંજી ઉઠ્યું. વિવિધ રાજ્યો અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના શરણે દર્શન કરવા માટે પહોંચ્યા. દેવ દિવાળી અને પૂનમ નિમિત્તે ભગવાન શામળિયાનો વિશેષ વાઘાથી શણગાર કરવામાં આવ્યો હતો. નવા વર્ષની પહેલી પૂનમે શુભ શરૂઆત કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા પહોંચ્યા હતા. દિવાળીના તહેવારોથી લઈને અત્યાર સુધી આશરે અઢી લાખ કરતાં પણ વધુ દર્શનાર્થીઓએ ભગવાન શામળીયાના દર્શન કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે