અનેક રાજ્યોમાં સંગઠન સ્તરે ધરખમ ફેરફારોની તૈયારીમાં છે ભાજપ, જો RSS લીલી ઝંડી આપશે તો....

તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અનેક રાજ્યોમાં અનપેક્ષિત પરિણામો બાદ હવે ભાજપમાં જાણે હડકંપ મચેલો છે. પરિણામો પર મહામંથન તો ચાલી જ રહ્યું છે પરંતુ હવે કડક પગલાં લેવાની પણ જાણે તૈયારીઓ થઈ રહી છે.

અનેક રાજ્યોમાં સંગઠન સ્તરે ધરખમ ફેરફારોની તૈયારીમાં છે ભાજપ, જો RSS લીલી ઝંડી આપશે તો....

તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અનેક રાજ્યોમાં અનપેક્ષિત પરિણામો બાદ હવે ભાજપમાં જાણે હડકંપ મચેલો છે. પરિણામો પર મહામંથન તો ચાલી જ રહ્યું છે પરંતુ હવે કડક પગલાં લેવાની પણ જાણે તૈયારીઓ થઈ રહી છે. ભાજપ નેતૃત્વ પોતાના સંગઠનાત્મક ચૂંટણી સાથે કેટલાક રાજ્યના સંગઠનમાં પણ મોટા ફેરફાર કરી શકે છે. જેમાં યુપી પણ સામેલ છે. અત્રે જણાવવાનું કે યુપીમાં ભાજપે લોકસભા ચૂંટણીમાં ભારે પછડાટ ખાધી છે. આ બધા વચ્ચે ભાજપ નેતૃત્વએ તમામ રાજ્યોના સંગઠન મંત્રીઓ સાથે વિચાર વિમર્શ પણ કર્યો છે. હવે મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં પણ ચર્ચા થશે. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે થનારી સમન્વય બેઠક આ દિશમાં મહત્વની બની રહેશે. 

ભાજપની સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા સદસ્યતા અભિયાન સાથે શરૂ થઈ રહી છે. પરંતુ મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સંગઠન ચૂંટણીની પ્રક્રિયા શરૂ  થશે નહીં. આ રાજ્યોમાં પાર્ટીનું પૂરું ફોકસ આગામી વિધાનસભા ચૂંટણી પર રહેશે. બાકી રાજ્યોમાં પાર્ટી નવા સભ્ય અભિયાન સાથે સંગઠનની ફેર રચના કરશે. તેમાં મંડળ, જિલ્લા અને પ્રદેશ અધ્યક્ષોની ચૂંટણી સામેલ છે. ત્યાબાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પણ થવાની છે. જો કે આ પહેલા પાર્ટી અનેક રાજ્યોના નેતૃત્વમાં ફેરફાર કરી શકે છે. જેમાં ઉત્તર પ્રદેશ પણ સામેલ છે. 

અત્રે ખાસ જણાવવાનું કે લોકસભા ચૂંટણીના નિરાશાજનક પરિણામો બાદ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી પોતે નૈતિકતાના આધારે રાજીનામાની રજૂઆત કરી ચૂક્યા છે. આ ઉપરાંત રાજ્યના મોટા નેતાઓ વચ્ચે પણ સતત નિવેદનબાજી  થઈ રહી છે. ભાજપ નેતૃત્વએ ગુરુવારે રાતે બિહાર અને રાજસ્થાનમાં નવા પ્રદેશ અધ્યક્ષોની નિયુક્તિ કરી હતી. મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે કેટલાક વધુ રાજ્યોમાં પણ નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક થઈ શકે છે. ખાસ કરીને એવા રાજ્યો કે જ્યાં પાર્ટીને ભવિષ્યમાં સંગઠનની દ્રષ્ટિથી પોતાની તૈયારી સારી કરવાની છે. જો કે આ નિયુક્તિઓથી પાર્ટીની સંગઠન ચૂંટણી પર કોઈ પ્રભાવ પડશે નહીં. સંગઠન ચૂંટણીમાં આ રાજ્યોમાં નવા અધ્યક્ષ ફરીથી આવી શકે છે. જેમાંથી કેટલાક રાજ્યોમાં જ્યાં હાલ નવા અધ્યક્ષ બન્યા છે તેમને યથાવત રાખવામાં આવી શકે છે. 

સૂત્રો મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવ સંઘ સાથે 21 જુલાઈથી ત્રણ દિવસ સુધી કેરળમાં યોજાનારી સમન્વય બેઠક બાદ પાર્ટીમાં રાષ્ટ્રીય સ્તર ઉપર પણ ઘણું બધું બદલાય તેવી શક્યતા છે. હાલ પાર્ટીના હાલના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના નેતૃત્વમાં કામગીરી ચાલી રહી છે. પરંતુ પાર્ટીનો એક વર્ગ સતત કાર્યકારી અધ્યક્ષની નિયુક્તિની પણ માંગણી કરી રહ્યો છે. હવે સંઘ સાથેની બેઠક બાદ જ એ નક્કી થશે કે પાર્ટી આગામી સંગઠનાત્મક ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી કોઈ કાર્યકારી અધ્યક્ષની નિયુક્તિ કરે કે ત્યાં સુધી નડ્ડાના નેતૃત્વમાં જ આગળ વધવું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news