દિવંગત પિતાની સંપત્તિ પર પુત્ર, કુંવારી અને વિધવા પુત્રીનો હક, પણ છૂટાછેડા લીધેલ પુત્રી હકદાર નહીં

Delhi High Court એ હાલમાં જ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો જેમાં કહ્યું કે અપરણિત કે વિધવા પુત્રી પોતાના મૃત પિતાની સંપત્તિમાં હકદાર હોય છે. પરંતુ છૂટાછેટા લીધેલા હોય તેવી પુત્રી પર તે લાગૂ થતું નથી

દિવંગત પિતાની સંપત્તિ પર પુત્ર, કુંવારી અને વિધવા પુત્રીનો હક, પણ છૂટાછેડા લીધેલ પુત્રી હકદાર નહીં

Delhi High Court એ હાલમાં જ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો જેમાં કહ્યું કે અપરણિત કે વિધવા પુત્રી પોતાના મૃત પિતાની સંપત્તિમાં હકદાર હોય છે. પરંતુ છૂટાછેટા લીધેલા હોય તેવી પુત્રી પર તે લાગૂ થતું નથી. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે આ ચુકાદા પાછળ તર્ક આપતા કહ્યું કે છૂટાછેડા લીધેલી પુત્રી ભરણ પોષણ માટે પિતા પર નિર્ભર હોતી નથી. ડિવોર્સ્ડ પુત્રી  ભરણ પોષણ કે દેખભાળ માટે પતિ પર આશ્રિત હોય છે. તે પૂરા હક સાથે ભરણપોષણ ભથ્થુ માંગવા માટે કાયદાનો સહારો લઈ શકે છે.

અત્રે જણાવવાનું કે દિલ્હી હાઈકોર્ટે એક તલાકશુદા મહિલાની અપીલને ફગાવતા આ ટિપ્પણી કરી. જેણે ફેમિલી કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. દિલ્હીની ફેમિલી કોર્ટે મહિલાને માતા અને ભાઈ પાસેથી ભરણ પોષણ ખર્ચ આપવાની ભલામણ કરતી તેની અરજી ફગાવી દીધી હતી. 

દિલ્હી હાઈકોર્ટે મહિલાની અરજી પર ચુકાદો આપતા ક હ્યું કે અપરણિત દીકરી કે વિધવા દીકરી પાસે પરિજનો પાસેથી ભરણપોષણ તથા સંપત્તિમાં ભાગ લઈને જીવન વિતાવવા સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી. જ્યારે ડિવોર્સ્ડ પુત્રી પાસે તેના પતિ પાસેથી ભરણપોષણ ભથ્થું મેળવવાનો હક હોય છે. ન્યાયમૂર્તિ સુરેશકુમાર કૈત અને ન્યાયમૂર્તિ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે કહ્યું કે ભરણપોષણનો દાવો હિન્દુ દત્તક ગ્રહણ અને ભરણપોષણ અધિનિયમની કલમ 21 હેઠળ કરાયો છે જે એવા આશ્રિતો માટે છે જે ભરણ પોષણનો દાવો કરી શકે છે. 

મૃત પિતાની સંપત્તિ પર કોનો દાવો કેટલો મજબૂત
હાઈકોર્ટે કહ્યું કે ભરણપોષણનો અધિકાર આ અધિનિયમની કલમ 21માં સંબંધીઓની નવ શ્રેણીઓ માટે ઉપલબ્ધ કરાયો છે. જેમાં ડિવોર્સ્ડ પુત્રીનો ઉલ્લેખ નથી. અત્રે જણાવવાનું કે અરજીકર્તા મહિલાના પિતાનું 1999માં મોત થયું હતું. છૂટાછેડા લીધેલી મહિલાના પરિવારમાં તેના ઉપરાંત એક ભાઈ અને બે બહેનો છે. મહિલાએ કોર્ટમાં દલીલ કરી હતી કે કાનૂની વારસદાર હોવાના નાતે તેને તેના મૃત પિતાની સંપત્તિમાં ભાગ અપાયો નથી. 

દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો
મહિલાનો દાવો છે કે તેની માતા અને ભાઈએ તેને દર મહિને 45000 રૂપિયા આપવાનો વાયદો એ શરત પર કર્યો હતો કે તે સંપત્તિમાં તેનો ભાગ માંગશે નહીં. મહિલાએ વધુમાં કહ્યું કે તેને માતા અને ભાઈએ નવેમ્બર 2014 સુધી નિયમિત  આધાર પર ભરણપોષણનો ખર્ચો પણ આપ્યો. મહિલાના પતિએ સપ્ટેમ્બર 2001માં એકતરફી તલાક આપી દીધા. મહિલાએ  કોર્ટમાં કહ્યું કે તેના પતિ વિશે કશું ખબર નહોવાના કારણે તે કોઈ ભરણપોષણ  ભથ્થું લઈ શકી નહીં. 

દિલ્હી હાઈકોર્ટે મહિલાની અરજી પર કહ્યું કે પરિસ્થિતિ ગમે તેટલી જટિલ કેમ ન હોય પરંતુ હિન્દુ દત્તક ગ્રહણ અને ભરણપોષણ અધિનિયમની કલમ 21ને બદલી શકાય નહીં. આથી તમે તમારા પતિ પાસેથી ભરણપોષણ ભથ્થું મેળવવા માટે કાનૂની વિકલ્પનો સહારો લઈ શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news