અમદાવાદના દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Pradhan Mantri Rashtriya Bal Puraskar : લખી-વાંચી ન શકતા ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમને સંસ્કૃતના ૨૦૦૦ જેટલા શ્લોકો કંઠસ્થ છે... લિમ્કા બુક ઓફ રેકોર્ડ સહિત ૧૮ જેટલા અલગ-અલગ રેકોર્ડ બુક્સમાં ઓમની સિદ્ધિઓની નોંધ લેવાઈ
Trending Photos
Ahmedabad News : અમદાવાદના ૧૭ વર્ષીય દિવ્યાંગ તરુણ ઓમ જિજ્ઞેશ વ્યાસે રાષ્ટ્રીય સ્તરે પોતાનું તથા પોતાના પરિવાર સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરાયો છે. દિવ્યાંગ ઓમ વ્યાસને કળા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે તેની અદ્વિતીય સિદ્ધિઓ માટે આ નેશનલ એવોર્ડ એનાયત થયો છે. વીર બાળ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત સમારંભમાં દેશના ૧૭ બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તેમાં ગુજરાતના દિવ્યાંગ બાળ ઓમ જિજ્ઞેશ વ્યાસને પણ બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દિવ્યાંગ બાળ ઓમ વ્યાસની સિદ્ધિઓની સરાહના કરતાં ગુજરાતનું ગૌરવ વધારવા માટે તેને અભિનંદન પણ પાઠવ્યા છે. ઓમ વ્યાસ થોડા સમય પહેલાં જ પોતાના માતા-પિતા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં પ્રત્યક્ષ મળવા આવ્યો હતો એ વેળાએ પણ મુખ્યમંત્રી તેની સિદ્ધિઓથી પ્રભાવિત થયા હતા અને ઓમ જેવા દિવ્યાંગ બાળકો અન્ય દિવ્યાંગ વ્યક્તિઓ માટે પ્રેરણા રૂપ બનશે તેમ જણાવ્યું હતું.
ઓમ વ્યાસની વિશેષતા વિશે વાત કરીએ તો, તે લખી કે વાંચી શકતો નથી, પરંતુ તેને સુંદરકાંડ તથા ભગવદ ગીતાના શ્લોકો સહિત સંસ્કૃતના 200 જેટલા શ્લોકો કંઠસ્થ છે. આશ્ચર્યની વાત એ છે કે, ઓમ માત્ર ભક્તિનાં ગીતો અને શ્લોકોમાં જ રુચિ ધરાવે છે, તેના માટે મનોરંજનનું સાધન એટલે માત્ર આધ્યાત્મિક ભક્તિ ગીતો. ઓમની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ આધ્યાત્મિક ક્ષેત્રે તેની અભિરુચિ વધતી જાય છે.
ઓમને આ ઉપરાંત હનુમાન ચાલીસા, શિવમહિમ્ન સ્ત્રોત, શિવમાનસ પકજા, રામ રક્ષાસ્ત્રોત, શિવ તાંડવ, ગાયત્રી મંત્રી, ગાયત્રી ચાલીસા, સાંઈ ભવાનીના શ્લોકો અને મારી હુંડી સ્વીકારો મહારાજ, શંભુ શરણે પડી વગેરે જેવાં ભજનો કંઠસ્થ છે. અને નવાઈની વાત એ છે કે, આ બધું ઓમ વ્યાસે માત્ર સાંભળી સાંભળીને કંઠસ્થ કર્યું છે.
ઓમ વ્યાસે અત્યાર સુધી અનેક શો પણ કર્યા છે. અને અનેક એવોર્ડ્સ, મેડલ્સ, ટ્રોફી અને સર્ટિફિકેટથી તેનું સન્માન કરવામાં આવ્યું છે. ઓમની આવી ટેલેન્ટને કારણે તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડસ, એશિયા બુક ઓફ રેકોર્ડસ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ જેવી અલગ અલગ ૧૮ રેકોર્ડ બુક્સમાં નામ પણ નોંધાયું છે.
દિવ્યાંગ ઓમ વ્યાસને વર્ષ ૨૦૧૭માં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રીય દિવ્યાંગજન પુરસ્કાર પણ એનાયત કરાયો હતો અને વડાપ્રધાને તેની પ્રશંસા પણ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે