કલમ-370: કોંગ્રેસના નેતાઓ વેરવિખેર, જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ કર્યું સમર્થન
જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે પોતાના ટ્વીટર હેન્ડલ પર જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35A દૂર કરવાને સમર્થન આપ્યું છે
Trending Photos
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ મંગળવારે લોકસભામાં પસાર થઈ ગયું. આ બિલની તરફેણમાં 370 જ્યારે વિરોધમાં 70 વોટ પડ્યા હતા. જોકે, આ બિલ મુદ્દે કોંગ્રેસના નેતાઓમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો હતો. કેટલાક નેતાઓએ જમ્મુ-કાશ્મીરમાંથી ધારા-370 દૂર કરવાને સમર્થન આપ્યું હતું તો કેટલાક વિરોધમાં રહ્યા હતા. કોંગ્રેસના જ એક મોટા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ ટ્વીટ કરીને જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 અને ધારા 35A દૂર કરવાના સરકારના નિર્ણયને સમર્થન આપ્યું હતું.
પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટર પર લખ્યું કે, "હું જમ્મુ કાશ્મીર અને લદ્દાખ અંગે લેવાયેલા નિર્ણયને ટેકો આપું છું. સાથે જ ભારતમાં તેના પૂર્ણ એકીકરણને પણ સમર્થન કરું છું. જોકે, તેમણે લખ્યું કે, જો આ કામમાં બંધારણીય પ્રક્રિયાનું પાલન થતું તો સારું રહેતું. એ સ્થિતિમાં આ અંગે કોઈ સવાલ ન ઉઠાવતું. તેમ છતાં, આ બાબત આપણા દેશના હિતમાં છે અને હું તેનું સમર્થન કરું છું."
ઉલ્લેખનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાથી પહેલા મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ મિલિંદ દેવડા, કોંગ્રેસના પૂર્વ સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડા અને પૂર્વ સાંસદ જનાર્દન દ્વિવેદી પણ જમ્મુ-કાશ્મીરમાંથી ધારા-370 દૂર કરવાને સમર્થન આપી ચૂક્યા છે. જોકે, કોંગ્રેસ પાર્ટીએ લોકસભા અને રાજ્યસભામાં આ અંગેના બિલનો ભરપૂર વિરોધ કર્યો હતો.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે