આંખોમાં જોવા મળતો‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’થી ગભરાવાની જરૂર નથી, આંખમાં આ લક્ષણો દેખાય તો ડોક્ટરની સલાહ લો
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી જિલ્લા સિવિલ હોસ્પિટલ-મેડીકલ કોલેજમાં સારવારની સુવિધા છે. આંખમાં લાલાશ-દુખાવો થાય તો નજીકના આંખના તબીબ પાસે જ સારવાર લેવી. અસર જણાય તો તબીબની સલાહ વિના આંખમાં ટીપાં-દવા નાખવી નહી. ચેપ ધરાવતાં દર્દીએ ચશ્મા પહેરવાની સાથે સ્વચ્છતા રાખવી તેમજ ભીડ-ભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદઃ રાજ્યના અમુક જિલ્લાઓમાં હાલમાં આંખો સાથે સંબંધિત ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’ના નાના-મોટા કેસો નોંધાયા છે. આંખોમાં જોવા મળતો આ વાઈરલ કનઝંક્ટીવાઈટીસથી ગભરાવાની જરૂર નથી પણ, આંખોની સમયસર સારવાર અને વધુ ન ફેલાય તે માટે સાવચેતી સાથે સ્વચ્છતા રાખવી ખુબ જરૂરી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાઈરલ કનઝંક્ટીવાઈટીસની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’થી બચવા સૌથી મહત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા છે. જેમાં પોતાના હાથ અને મો ચોખ્ખા રાખવા, સાબુથી સમયાન્તરે હાથ અને મો ધોવું. ખાસ કરીને ભીડ-ભાડ વાળી જગ્યાઓ જેમ કે, હોટેલ, હોસ્ટેલ, મેળાવડા, થીયેટર, એસ.ટી.સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મોલ, વગેરે જાહેર સ્થળોએ સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન રાખવું અને શક્ય હોય તો આવા સ્થળોએ જવા-આવવાનું ટાળવું જોઈએ. આંખોમાં લાલાશ જણાય, દુખાવો થાય અથવા ચેપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઇ સારવાર કરાવવી. પોતાની જાતે ડોકટરની સલાહ વિના વગર મેડીકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઇને નાખવા નહીં. ડોક્ટરે દર્શાવેલ ટીપા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે.
વધુમાં પરીવારના કોઈ સભ્યને કનઝંક્ટીવાઈટીસની અસર થઈ હોય તો તેણે પોતાનો હાથ રૂમાલ, નાહ્વવાનો ટુવાલ તથા વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી તેમજ અન્યનો સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો. વાઇરલ કનઝંક્ટીવાઈટીસની અસર ઓછા સમય માટે રહેતી હોવાથી અસરગ્રસ્ત દર્દીઓએ ગભરાઇ જવાની જરૂર નથી પણ તબીબના માર્ગદર્શન હેઠળ સારવાર ચાલુ રાખવી અને ડોક્ટરની સૂચના મુજબ સમયાન્તરે હોસ્પિટલમાં તપાસ કરાવતા રહેવું. અસરગ્રસ્ત દર્દીએ શક્ય હોય તો આંખોને ચશ્માથી રક્ષિત કરવી જોઈએ.
અમદાવાદમાં આંખ આવવાની બીમારી વકરી
સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં આંખ આવવાની ફરિયાદ સાથે દર્દીઓમાં વધારો થતો હોય છે. અમદાવાદમાં આવેલા સોલા સિવિલ હોસ્પિટલમાં 10 ગણા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આંખ આવવાની ફરિયાદ સાથે સામાન્ય રીતે 5 દર્દીઓ આવતા જેની સામે હાલ રોજના 40 દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટર ખુશી શાહે કહ્યું કે, આંખો લાલ થવી, આંખો દુઃખવી, આંખોમાંથી પાણી પડવું તેમજ આંખોમાં સોજા આવવાની ફરિયાદ વધી છે.
કોરોનાની જેમ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને આંખ આવવાની સમસ્યા થતી હોય છે. કંજકટિવાઇટીસ એ ચેપી રોગ છે, એનાથી બચવા હાઇજિન બાબતે તમામ લોકોએ ખાસ તકેદારી લેવી જરૂરી છે. આંખો આવી હોય એવા વ્યક્તિના સંપર્કમાં આવેલી ચીજનો વપરાશ કરવા અથવા તેના સંપર્કમાં આવવાથી સમસ્યા થઈ શકે છે, ડોક્ટર ખુશી શાહે કહ્યું કે, કોઈપણ પ્રકારના લક્ષણ દેખાય તો જાતે જ કોઈ ઉપચાર અથવા કોઈ અખતરા કર્યા વગર તબીબની સલાહ અનુસરવી જોઈએ.
સ્કૂલના બાળકો પણ આવી રહ્યા છે, વાલીઓ ચિંતિત જોવા મળે છે. એન્ટીબાયોટિક આપવામાં આવે છે, તકલીફ વધુ હોય તો ભારે દવા પણ આપવી પડે છે. એક અઠવાડિયાથી 10 દિવસમાં તકલીફ દૂર થતી હોય છે. અનેક દર્દીઓ સિંધુર લગાવીને આવી છે, આવા અખતરા ના કરવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે