ગુજરાતની ખાસ કોર્ટનો પ્રથમ ચુકાદો, દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલવાના કેસમાં ત્રણ આરોપીને આજીવન કેદ

વર્ષ 2012માં ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડવાના આરોપમાં અમદાવાદના જમાલપુરથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે આ ત્રણેય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. 

ગુજરાતની ખાસ કોર્ટનો પ્રથમ ચુકાદો, દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલવાના કેસમાં ત્રણ આરોપીને આજીવન કેદ

અમદાવાદઃ ગુજરાતની ખાસ કોર્ટે ખુબ મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ભારતની માહિતી પાકિસ્તાનને મોકલવાના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી ત્રણેય આરોપીઓની વર્ષ 2012માં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે દેશ વિરુદ્ધ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોને બક્ષી શકાય નહીં. કોર્ટે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ત્રણેય આરોપી આઈએસઆઈએસના એજન્ટ હોવાનું પણ પૂરવાર થયું છે. 

ત્રણ આરોપીને સજા
કોર્ટે સિરાજુદ્દીન ઉર્ફે રાજુ કરામત અલી ફકીર, મહંમદ ઐયુબ સાકીર સાબીરભાઈ શેખ અને નવસાદ અલી મકસુદ અલી સૈયદને આજીવન કેદની સજા ફટકારી છે. સેશન્સ કોર્ટે આ દરમિયાન મહત્વનું અવલોકન કર્યું છે. કોર્ટે કહ્યું કે દેશ વિરુદ્ધ કૃત્ય કરનાર સામે દયા રાખી શકાય નહીં. વર્ષ 2012માં દેશ વિરોધી કૃત્ય કરવાના આરોપમાં ત્રણ લોકોને જમાલપુરથી ધરપકડ કરવામાં આવી હતી. 

પાકિસ્તાન પહોંચાડતા હતા માહિતી
વર્ષ 2012માં ઝડપાયેલા ત્રણેય આરોપી સામે ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડવાનો આરોપ હતો. આ લોકો મિલિટ્રી સ્ટેશનની ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતા હોવાનો આરોપ છે. તેમણે લેખિત માહિતી સાથે આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારનો નક્શો પણ તૈયાર કર્યા હોવાનો આરોપ છે. 

આ ત્રણેય આરોપીઓ સામે ઓક્ટોબર 2012માં ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ આરોપીઓ વિરુદ્ધ 75 જેટલા સાક્ષીઓએ જુબાની પણ આપી હતી. એક આરોપી સિરાજુદ્દીન વર્ષ 2007માં કરાચીમાં આઈએસઆઈ હેન્ડલર તૈમુરને મળ્યો હતો. જ્યારે આરોપી નૌસદ મૂળ રાજસ્થાનનો છે, તે પણ પાકિસ્તાનમાં આઈએસઆઈ હેન્ડલરને મળ્યો હતો. તે ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલવાનું કામ કરતો હતો. 

આ કેસમાં તપાસ દરમિયાન આરોપીઓએ બોગસ ઈમેલ આઈડી બનાવવાનું સામે આવ્યું હતું. જ્યારે સિરાજુદ્દીનના ઘરની તપાસ કરતા ત્યાં આર્મી કેન્ટોનમેન્ટનો નક્શો મળી આવ્યો હતો. તેણે પાકિસ્તાનથી આવેલા નાણા પણ સ્વીકાર્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news