આ એક વાનગીની સોડમ ગુજરાતના લોકોને નવસારી ખેંચી લાવે છે, ખાવા માટે લાઈનો લાગે છે
Gujarati Food : શિયાળો આવે એટલે સુરતથી આગળ જતા હાઈવે પર ઉંબાડિયુ ખાવાની મોસમ જામે છે... હાઈવે પર રીતસરની લોકોની ભીડ જામેલી હોય છે... ત્યારે સ્વાદના રસિકો ખાસ જાણી લે કે આ વર્ષે ઉંબાડિયાનો સ્વાદ મોંઘો બન્યો છે
Trending Photos
Traditional Gujarati Dish ધવલ પારેખ/નવસારી : શિયાળો શરૂ થતાની સાથે જ લોકો હેલ્થ કોન્શિયસ થઈ જાય છે. કસરત કરવા સાથે જ આરોગ્ય વર્ધક વાનગીઓ આરોગવા તત્પર હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાતની શિયાળાની આરોગ્યપ્રદ વાનગી ઉંબાડિયું આરોગવા માટે સમગ્ર ગુજરાતમાંથી લોકો દક્ષિણમાં આવી રહ્યા છે. નવસારીમાં પણ ગરમાગરમ ઉંબાડિયાનો સ્વાદ દૂર દૂરથી લોકોને ખેંચી લાવે છે.
શિયાળમાં અવનવી વાનગીઓ સ્વાદરસિયાઓને આકર્ષતી હોય છે. ત્યારે તેલ અને ભારે મસાલાઓ વિના બનતું ઉબાડિયું ગુજરાતીઓની દાઢે વળગતું હોય છે. આરોગ્યપ્રદ કલ્હાર અને કંબોય બે વનસ્પતિઓ માટલામાં ભરી, તેની સાથે સુરતી વાલોળ પાપડી, બટાકા, શક્કરિયા કન, રતાળુ કનમાં લીલા લસણ, ધાણા (કોથમીર) સાથે સ્વાદાનુસાર મસાલાનું મિશ્રણ કરી ભરવામાં આવે છે. બાદમાં મસાલેદાર શાકભાજીના આ મિશ્રણને માટલામાં વ્યવસ્થિત રીતે ભરીને તેને જમીન પર ઉંધુ મુકી, માટલાની આસપાસ છાણા મુકીને આગ પ્રગટાવી હળવી આંચે પકવવામાં આવે છે. લગભગ અડધોથી એક કલાકમાં તૈયાર થતુ ઉબાડિયુ ગરમાગરમ પીરસવામાં આવે છે. નવસારીના તીઘરા જકાત નાકા પાસે ઉબાડિયા બનાવનાર ભીમ સિંગની દુકાને સાંજ થતા જ ઉબાડીયાના ચાહકો ઉમટી પડે છે. અહીં આવતા લોકો ઉબાડિયાના સ્વાદની તારીફ કરતા થાકતા નથી. અમદાવાદ, વડોદરા, આણંદ, સુરત તેમજ શિયાળામાં આવતા NRI પણ નવસારીમાં ઉબાડિયું પાર્ટી ગોઠવીને ઉબાડિયાના સ્વાદની મજા માણી રહ્યા છે
આ વર્ષે થોડું મોંઘું થયું ઉંબાડિયું
નવસારીના તીઘરા જકાત નાકા પાસે ઉબાડિયું બનાવતા ભીમ સિંગની દુકાને શિયાળામાં રોજના 80 થી 150 કિલોની આસપાસ ઉબાડિયું બને છે. મોટી સંખ્યામાં ઉબાડિયાના ચાહકો રાત થતા ઉમટતા હોય છે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રતિ કિલો ઉબાડિયું 40 રૂપિયા મોંઘુ થયુ છે. ગત વર્ષે 240 રૂપિયે કિલો મળતું ઉબાડિયું આ વર્ષે 280 રૂપિયે કિલો વેચાઈ રહ્યું છે. જેનું કારણ શાકભાજીના વધેલા ભાવ છે. જોકે તેમ છતાં નવસરીવાસીઓ અને ઉબાડિયાના ચાહકો મન ભરીને ઉબાડિયાની લહેજત માણી રહ્યા છે.
આયુર્વેદિક ગુણધર્મોથી બનાવેલુ ઉંબાડિયું
ઉંધે માટલે બનતું ઉંબાડિયું આયુર્વેદિક ગુણધર્મ ધરાવે છે. નવસારીના જાણીતા આહારશાસ્ત્રીના મતે ઉબાડિયામાં વપરાતા પાપડી, બટાકા, કન વપરાય છે. જેમાં કનમાં ફાયબર સારી માત્રામાં હોય છે. જેની સાથે લીલા લસણ સાથેનો મસાલો શરીરને ગરમ રાખે છે. ખાસ કરીને ઉબાડિયામાં વપરાતી કલ્હાર અને કંબોઈ જેવી વનસ્પતિ રોગપ્રતિકારક શક્તિ વધરનારી છે. જોકે પાપડી, બટાકા વાયુ વધારનારા હોવાથી ઉબાડિયાના મસાલામાં ખાસ અજમો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેથી ઉબાડિયું આયુર્વેદિક દ્રષ્ટિએ ઉત્તમ છે.
શિયાળો આરોગ્યવર્ધક મનાય છે. ત્યારે રોગપ્રતિકારક શક્તિમાં વધારો અને પાચન સારૂ કરે છે. ત્યારે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં જ બનતા ઉંબાડિયાની મોજ એકવાર અચૂક માણવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે