મજૂર પિતાના પુત્રએ રચ્યો ઈતિહાસ, અઘરી ગણાતી UPSC પહેલીવારમાં જ ક્રેક કરી બન્યા દેશના સૌથી યુવા IPS
આજે અમે તમને ભારતના સૌથી યંગ આઈપીએસ અધિકારી વિશે જણાવીશું અને આ અધિકારીની માતૃભૂમિ છે ગુજરાત. જેમણે આર્થિક સ્થિતિ સામે લડતા લડતા પહેલા જ પ્રયત્નમાં દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસી સિવિલ પરીક્ષા પહેલા જ પ્રયત્નમાં પાસ કરી લીધી.
Trending Photos
આઈપીએસ સફિનની સફળતાની કહાની ખુબ જ પ્રેરણાદાયક છે. સફિન હસન ભારતમાં સૌથી નાની ઉંમરના આઈપીએસ અધિકારીઓમાંથી એક છે. જેમણે મુશ્કેલીઓ અને પડકારોને પાર કરતા આ મુકામ હાંસલ કર્યો છે.
પિતા કરતા હતા મજૂરી
સફિન હસનનો જન્મ બનાસકાંઠાના એક નાનકડા ગામ કાણોદરમાં થયો છે. તેમના પિતા હીરાના કારખાનામાં મજૂરી કરતા હતા, જ્યારે માતા કૂક હતા. તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખુબ ખરાબ હતી. જો કે તેમણે હંમેશા શિક્ષણને પ્રાથમિકતા આપી. બાળપણથી જ તેમના મનમાં કઈક અલગ કરવાનું જૂનુન હતું. ગરીબ પરિવારમાં જન્મેલા સફિન હસનનું પ્રાથમિક શિક્ષણ કાણોદરની સરકારી પ્રાથમિક શાળામાં થયું હતું. તેમના માતા નસીબબેન અને પિતા મુસ્તાફભાઈ છે. તેમણે આ શાળામાં દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ સુરતમાં ઈસી એન્જિનિયરિંગ અભ્યાસ કર્યા પછી જીપીએસસીની પરીક્ષા પણ સમગ્ર રાજ્યમાં 34મો નંબર મેળવી પાસ કરી હતી.
જીપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ તેમને રજિસ્ટ્રાર તરીકેની નિમણૂક થઈ હતી પરંતુ તેમણે તે નકારી દીધી. 12માં ધોરણમાં અભ્યાસ દરમિયાન તેમણે સિવિલ સેવામાં જવાનો નિર્ણય લીધો હતો. તેમનું માનવું હતું કે એક અધિકારી તરીકે તેઓ સમાજમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે. કોલેજના અભ્યાસ દરમિયાન યુપીએસસી સિવિલ સેવા પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમની તૈયારીઓ વખતે સંસાધનોની કમી, વીજળી કાપ, અને અન્ય મુશ્કેલીઓએ તેમનો રસ્તો રોક્યો પરંતુ તેમની દ્રઢતા અને મહેનતે તેમને ક્યારેય નબળા પડવા દીધા નહીં.
યુપીએસસીમાં સફળતા
સફિન હસને કોલેજમાંથી બહાર નીકળતાની સાથે જ પહેલા પ્રયત્નમાં યુપીએસસી સિવિલ પરીક્ષા પાસ કરી લીધી અને સમગ્ર દેશમાં 570મો રેંક મેળવ્યો હતો. માત્ર 22 વર્ષની વયે તેમણે આઈપીએસ અધિકારી બનવાનું સપનું સાકાર કર્યું હતું.
પ્રેરણા અને યોગદાન
સફિનનું માનવું છે કે મહેનત, અનુસાશન, અને આત્મ વિશ્વાસ જ સફળતાની ચાવી છે. તેઓ યુવાઓને સંદેશ આપે છે કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી એટલી મોટી નથી હોતી જે દ્રઢતા અને સંકલ્પના સાથ વગર પાર થઈ શકે નહીં. આઈપીએસ સફિનનું આ જીવન દર્શાવે છે કે જો કોઈની પાસે સપના પૂરા કરવાનું જૂનુન અને આકરી મહેનત કરવાની ઈચ્છા હોય તો કોઈ પણ બાધા તેમની સફળતામાં આડે આવી શકે નહીં. આજે તેઓ માત્ર એક પ્રભાવશાળી અધિકારી જ નહીં પરંતુ લાખો યુવાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે